News of Wednesday, 29th July 2026
૪.૪૨ લાખનો દારૂ ભરેલી કાર સાથે રવિ ગીડાને એલસીબી ઝોન-૨ ટીમે દબોચ્યો
મયુર ગીડાનું નામ ખુલ્યું: આજીડેમ ચોકડીએ કુલ ૧૨ લાખનો મુદ્દામાલ કબ્જેઃ ડીસીપી હેતલ પટેલની સુચના અંતર્ગત પીએસઆઇ એમ. કે. મોવલીયા અને ટીમની કામગીરીઃ હિતેષભાઇ પરમાર, નરેન્દ્રભાઇ ગઢવી, રવિરાજભાઇ પટગીર અને નિખીલભાઇ પીરોજીયાની બાતમી

રાજકોટ તા. ૨૯: શહેરમાં દારૂ અને જૂગાર જેવી અસામાજિક પ્રવળત્તિઓ નેસ્તનાબૂદ કરવા અંગે મળેલી સુચના અંતર્ગત એલસીબી ઝોન-૧ ટીમે રૂા. ૪.૪૨ લાખનો અંગ્રેજી દારૂ ભરેલી ક્રેટા કાર સાથે એક શખ્સને પકડી લીધો છે.
ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડ કોન્સ. હિતેશભાઇ પરમાર, નરેન્દ્રભાઇ ગઢવી તથા કોન્સ. રવિરાજભાઇ પટગીર તેમજે નીખીલભાઇ પીરોજીયાને સંયુક્ત બાતમી મળી હતી કે એક સફેદ રંગની હ્યુડાઇ ક્રેટા કારમાં ગેરકાયદેસર રીતે અંગ્રેજી દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે આજીડેમ ચોકડી પાસે, માંડાડુંગર તરફ આવતા જાહેર રોડ પર દારૂ ભરેલી ક્રેટા કારને આંતરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસની આ રેડ દરમિયાન કારમાંથી ખોડીયાર નગર શેરી નં.૩૩/૨૭ના ખુણે સુર્યાપૂજા મકાન ખાતે રહેતો રવિ ભિખુભાઇ ગીડા (ઉ.વ.૨૪)ને પકડી લેવાયો હતો. જ્યારે આ ગુનામાં સંડોવાયેલ ખોડીયાર નગર શેરી નં.૧૬માં રહેતો મયુર બાબુભાઇ ગીડાનું નામ ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે. કારમાંથી રૂ. ૩,૭૮,૦૦૦ની કિંમતની રોયલ સ્ટગ વ્હીસ્કીની ૨૫૨ કાચની બોટલો રૂ. ૪૬,૮૦૦ ની કિંમતના રોયલ ચેલેન્જ વ્હીસ્કીના ૧૪૪ ચપલા ૧૮૦ એમ.એલ.અને રૂ. ૧૮,૦૦૦ ની કિંમતના રોયલ સ્ટગ વ્હીસ્કીના ૪૮ ચપલા ૧૮૦ એમ.એલ. મળી આવ્યા હતા. કબ્જે કરાયેલ રૂ. ૪,૪૨,૮૦૦ ની કિંમતની દારૂની કુલ ૪૪૪ બોટલો/ચપલા ઉપરાંત રૂ. ૮,૦૦,૦૦૦ ની કિંમતની સફેદ કલરની હ્યુડાઇ ક્રેટા કાર જીજે૧૧એએસ-૬૭૩૯ અને રૂ. ૫,૦૦૦નો એક મોબાઇલ ફોન મળીને કુલ રૂ. ૧૨,૪૨,૮૦૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી ઝોન-૧ હેતલ પટેલની રાહબરીમાં પીએસઆઇ એમ.કે. મોવલીયા, એએસઆઇ મનરૂપગીરી ગૌસ્વામી, હરેશભાઈ પરમાર, હેડકોન્સ. હિતેશભાઇ પરમાર, હિતેન્દ્રસિંહ ઝાલા, જગદીશસિંહ પરમાર, નરેન્દ્રભાઇ ગઢવી, તેમજ કોન્સ. રવીરાજભાઇ પટગીર, નીખીલભાઇ પીરોજીયા અને મહાવિરસિંહ ચુડાસમા સહિતની ટીમે આ કામગીરી કરી છે. (૧૪.૧૨)
(3:37 PM IST)










