<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

જંગલેશ્વરના ફિરોઝે કુવાડવામાં ઉતારેલો ૭૦.૩૮ લાખનો દારૂ કટીંગ થાય એ પહેલા પકડાયો

રાજકોટ શહેરની હદમાં પખવાડીયામાં સ્‍ટેટ મોનીટરીંગ સેલનો બીજો મોટો દરોડો : એસપી મયુર ચાવડાની રાહબરીમાં પીએસઆઇ સી. કે. સિસોદીયા અને ટીમનો દરોડોઃ નાના મવા રોડનો પરેશ પટેલ પકડાયોઃ ફિરોઝ ઉર્ફે ફિરીયો, સુલતાન સહિત છની શોધખોળઃ નાગાલેન્‍ડ પાસીંગનો ટ્રક કબ્‍જેઃ છની શોધખોળ

રાજકોટ તા. ૧૯: શહેરના જંગલેશ્વરમાં રહેતો નામચીન બૂટલેગર ફિરોઝ ઉર્ફે ફિરીયો ફરી સક્રિય થયો છે. જો કે તેણે મંગાવેલો દારૂનો જથ્‍થો કુવાડવા જીઆઇડીસીમાંથી કટીંગ થતો હતો તે વખતે જ સ્‍ટેટ મોનીટરીંગ સેલની ટીમે ત્રાટકી રૂા. ૭૦,૩૮,૩૩૬નો   ૨૬૩૦૪ બોટલ દારૂ કબ્‍જે કર્યો છે અને નાના મવા રોડ પર રહેતાં એક શખ્‍સની ધરપકડ કરી લીધી છે. આ સાથે સ્‍ટેટ મોનીટરીંગ સેલે પખવાડીયામાં બીજી વખત રાજકોટ શહેરની હદમાંથી મોટો દારૂ ઝડપી લીધો છે. ફિરોઝ, સુલતાન સહિતના છ જણાને ઝડપી લેવા તપાસ શરૂ થઇ છે. નાગાલેન્‍ડ પાસીંગનો ટ્રક કબ્‍જે થયો હોઇ દારૂ તે તરફથી આવ્‍યાની શક્‍યતા છે. જાણવા મળ્‍યા મુજબ દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવા માટે સ્‍ટેટ મોનિટરિંગ સેલના એસપીશ્રી મયુર ચાવડાની રાહબરીમાં ટીમે રાજકોટમાં વધુ એક સપાટો બોલાવ્‍યો છે. અગાઉ આજીડેમ પોલીસની હદમાંથી લાખોનો દારૂ ઝડપી લીધા બાદ હવે કુવાડવા પોલીસની હદમાંથી દારૂ પકડી લીધો છે. એસએમસીના પીએસઆઇ સી. કે. સિસોદિયા અને તેમની ટીમે કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશનની હદમાં આવેલા આરકે-૯ ઇન્‍ડસ્‍ટ્રિયલ એરિયા શ્રી રામદેવ પ્‍લોટ નંબર ૫ ખાતે ચાલી રહેલા દારૂના કટિંગ પર અચાનક ત્રાટકીને રેડ પાડી હતી. આ દરોડા દરમિયાન પોલીસને સ્‍થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી કુલ ૨૬,૩૦૪ બોટલો મળી આવી હતી, જેની બજાર કિંમત આશરે ૭૦,૩૮,૩૩૬ જેટલી થવા જાય છે.

 આ સાથે જ પોલીસે કટિંગ અને હેરફેર માટે ઉપયોગમાં લેવાતા ૨ વાહનો જેની કિંમત ૩૦,૪૦,૦૦૦ અને ૧ મોબાઈલ ફોન કિંમત ૧૦,૦૦૦ સહિત કુલ ૧,૦૦,૮૮,૩૩૬નો મુદ્દામાલ જપ્‍ત કરી વધુ તપાસ હાથ ધરી છે. આ દરોડા દરમિયાન પોલીસે સ્‍થળ પરથી એક આરોપી પરેશ કુરજીભાઈ પટેલ (રહે. નાના મવા સર્કલ પાસે, સંતોષ નગર પ્‍લોટ નંબર ૩૨, રાજકોટ)ને પકડી લઇ કુવાડવા રોડ પોલીસ સ્‍ટેશનને સોંપ્‍યો છે. દારૂના આ મોટા નેટવર્ક પાછળના મુખ્‍ય સુત્રધારો સહિત ૬ આરોપીઓને વોન્‍ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરવામાં આવી છે.  જેમાં જંગલેશ્વર વિસ્‍તારના બુટલેગર ફિરોઝ હસનભાઈ સંધિ અને સુલતાન હસનભાઈ સંધિ તેમજ આ દારૂનો જથ્‍થો મંગાવ્‍યો હતો અને ક્રેટા કાર જીજે૦૧આરએન-૬૪૪૦ નો ઉપયોગ કરનાર શખ્‍સ તેમજ . આ દારૂ લઈને આવેલો નાગાલેન્‍ડ પાસીંગનો ટ્રક એનએલ૦૧એકે-૧૧૮૬નો અજાણ્‍યો ડ્રાઈવર, ક્રેટા કાર અને બોલેરો પિકઅપના અજાણ્‍યા ડ્રાઈવરો તેમજ દારૂ સપ્‍લાય કરનાર મુખ્‍ય મોકલાવનાર વ્‍યક્‍તિને વોન્‍ટેડ જાહેર કરવામાં આવ્‍યા છે. પોલીસ દ્વારા આ તમામ સામે પ્રોહિબિશન એક્‍ટની વિવિધ કલમો તેમજ ભારતીય ન્‍યાય સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ યથાવત રાખવામાં આવી છે. ફિરોઝ સંધીનું રાજકોટ શહેર તેમજ રૂરલ વિસ્‍તારમાં અગાઉ અનેક મોટા દારૂના જથ્‍થાની સપ્‍લાયમાં મુખ્‍ય બુટલેગર તરીકે નામ ખુલી ચુક્‍યું છે. થોડા સમયથી ગાયબ થયેલો ફિરોઝ ફરી સક્રિય થયો છે. જો કે તે રાજકોટ અને આસપાસના પંથકમાં મસમોટા દારૂના જથ્‍થાની રેલમછેલ કરાવે એ પહેલા એસએમસીએ કટીંગ વખતે જ તેનો દારૂનો જથ્‍થો પકડી લીધો હતો.

(12:02 PM IST)