<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

શ્રાધ્‍ધપક્ષમાં નીલકંઠ ચરિત્રનું શ્રવણ પિતૃઓએ મોક્ષ અપાવનારૂઃ પૂ.માધવપ્રિયદાસજી

ભક્‍તિસત્રના ત્રીજા દિવસે ભગવાન નીલકંઠવર્ણીની ત્‍યાગમય બાલચરિત્ર કથાથી વાતાવરણ ભક્‍તિમય બન્‍યું શ્રાધ્‍ધપર્વ નિમિતે ગુરુકુલના શ્રેષ્‍ઠીઓનું ભાવસભર મિલન, સાંજે સંસ્‍કૃતિક કાર્યક્રમો, કાલે સર્વરોગ નિદાન કેમ્‍પ

રાજકોટઃ એસજીવીપી ગુરુકુલ રીબડા ખાતે શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ મેમનગર સુવર્ણજયંતી મહોત્‍સવના ઉપક્રમે અને પિતૃ તર્પણના પવિત્ર શ્રાદ્ધપક્ષ નિમિત્તે આયોજિત પાવન ‘ભક્‍તિ સત્ર-૭'ના ત્રીજા દિવસે ભક્‍તિ, સત્‍સંગ અને સ્‍મૃતિ સંમેલનનો ભવ્‍ય ત્રિવેણી સંગમ રચાયો હતો. આ પાવન મહોત્‍સવમાં કથાના મુખ્‍ય યજમાન તરીકે અ.નિ.  ગોકળભાઈ વેકરીયાની પાવન સ્‍મૃતિમાં પ.ભ.  રમેશભાઈ ગોકળભાઈ વેકરીયા, પ.ભ. હરસુખભાઈ ગોકળભાઈ વેકરીયા (ઉજાસભાઈ) તથા પ.ભ.  આદર્શભાઈ રમેશભાઈ વેકરીયા (અથર્વ) સેવા આપી રહ્યા છે. સહ યજમાન તરીકે અ.નિ. માતૃશ્રી હંસાબેન તથા અ.નિ.  ધીરૂભાઈ બારસીયાની પાવન સ્‍મૃતિમાં પ.ભ.  હર્ષદભાઈ ધીરૂભાઈ બારસીયા (દેવ) અને પ.ભ. શ્રી લલિતભાઈ ધીરૂભાઈ બારસીયા (ધર્મ) તથા સંહિતાપાઠના મુખ્‍ય યજમાન તરીકે અ.નિ.  હીરાબેન અને અ.નિ. ધીરૂભાઈ માધાભાઈ વઘાસીયાની પાવન સ્‍મૃતિમાં પ.ભ.  યોગેશભાઈ ધીરૂભાઈ વઘાસીયા (વેદ) જોડાયા છે. 

કાર્યક્રમના પ્રારંભે વક્‍તા પદ પરથી પરમ પૂજ્‍ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્‍વામીએ ‘શ્રી નીલકંઠ ચરિત્ર કથા'નું અદ્વુત અને ભાવસભર રસપાન કરાવ્‍યું હતું. સ્‍વામીજીએ ભગવાન શ્રી નીલકંઠવર્ણીની તપોમય જીવનયાત્રા, ત્‍યાગ, સમર્પણ અને બાળ ચરિત્રોનો મહિમા વર્ણવતા જણાવ્‍યું હતું કે, નીલકંઠવર્ણીનું જીવન આપણને કઠોર પરિસ્‍થિતિઓમાં પણ સન્‍માર્ગે ચાલવાની અને પવિત્રતા જાળવવાની પ્રેરણા આપે છે. શ્રાદ્ધપક્ષના પવિત્ર દિવસોમાં નીલકંઠ ચરિત્રનું શ્રવણ પિતૃઓને મોક્ષ અને અમર તૃપ્તિ પ્રદાન કરે છે.

આ પાવન પ્રસંગે માતૃવાત્‍સલ્‍ય પરિપૂર્ણ શ્રી બાલકૃષ્‍ણદાસજી સ્‍વામી મેમનગર , રીબડા ગુરુકુલના સંચાલક પૂજ્‍ય ધર્મવત્‍સલદાસજી સ્‍વામી, દ્રોણેશ્વર ગુરૂકુલના સંચાલક ભંડારી હરિકૃષ્‍ણદાસજી સ્‍વામી  વિશ્વવિહારીદાસજી સ્‍વામી, વેદાંત સ્‍વામી સહિતના સંતોએ ઉપસ્‍થિત આ પ્રસંગે ગુંદાસરા, રીબ, વાવડી, મવડી, શાપર-વેરાવળ, પડાસણ , સડક પીપળીયા , ઢોલરા અને રાજકોટથી મોટી સંખ્‍યામાં હરિભક્‍તોએ તેમજ ગુરુકુલના ટ્રસ્‍ટીઓ તથા અગ્રણીઓ મધુભાઈ દોંગા, જસમતભાઈ સોરઠીયા, ચીમનભાઈ હપાણી (કિચ ઈન્‍ડસ્‍ટ્રીસ) , જયેન્‍દ્રભાઈ અકબરી, ગિરીશભાઈ અકબરી, અશ્વિનભાઈ પીપળવા, પરશોત્તમભાઈ બોડા સહિતનાએ પણ હાજરી આપી હતી.

વિશેષ આકર્ષણ ‘ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન અને શ્રદ્ધા પર્વ' રહ્યું હતું. ગુરુકુલમાંથી શિક્ષા અને સંસ્‍કાર મેળવીને સમાજના વિવિધ ક્ષેત્રોમાં સફળતા મેળવનારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એકત્રિત થયા હતા. જૂની યાદો તાજી કરી ગુરુકુલના સંતો અને ગુરુજનો પ્રત્‍યે કૃતજ્ઞતા વ્‍યક્‍ત કરતા સમગ્ર વાતાવરણ ભાવવિભોર બની ગયું હતું.

આ ધાર્મિક મહોત્‍સવ અંતર્ગત માનવસેવાના ભાગરૂપે ૩ થી ૭ ઓક્‍ટોબર દરમિયાન નિઃશુલ્‍ક ફ્રી મેડિકલ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે. ‘તત્‍વ નેચરોપેથી ફાઉન્‍ડેશન' દ્વારા  નેચરોપેથી સેવા આપવામાં આવી રહી છે, જેનો અત્‍યાર સુધીમાં ૪૦૦ થી વધુ ભક્‍તોએ લાભ લીધો છે. ‘શાશ્વત હોસ્‍પિટલ' દ્વારા કેન્‍સર તપાસ તથા માર્ગદર્શન કેમ્‍પ યોજાયો હતો. તા.૭ના બુધવારે દિવ્‍યાંગ સેવા યજ્ઞ તેમજ સાંજે ૪ થી ૮ કલાક દરમિયાન ‘સિનાર્જી સુપરસપેશ્‍યાલીટી હોસ્‍પિટલ' દ્વારા ફિઝિશિયન, જનરલ સર્જન, કાર્ડિયોલોજિસ્‍ટ, યુરોલોજિસ્‍ટ, ઓર્થોપેડિક સર્જન, ઓબેસિટી સર્જન, ઓન્‍કોલોજિસ્‍ટ અને ન્‍યુરોલોજિસ્‍ટ જેવા નિષ્‍ણાંત તબીબોની ઉપસ્‍થિતિમાં ભવ્‍ય સર્વરોગ નિદાન કેમ્‍પ યોજાશે. 

આ મહોત્‍સવ અંતર્ગત દરરોજ સાંજે ૪:૩૦ કલાકથી વિવિધ સાંસ્‍કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આજે રાસોત્‍સવ અને એકાદશી જાગરણ, તથા કાલે બુધવારે રાત્રે ૯:૩૦ કલાકે લોકડાયરો અને શ્રી હિતેશભાઈ અંટાળાનો હાસ્‍ય દરબાર યોજાશે.

(2:17 PM IST)