તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 21st April 2026
મનપાના જન્મ-મરણ વિભાગમાં લાંબી લાઇનો બનશે ભુતકાળ
કેન્દ્ર સરકારે નવા પોર્ટલ પર ડેટા અપલોડ કરવા હરિઝંડી આપી : આઇ-ટી વિભાગમાં મોડી રાત સુધીમાં ડેટા અપલોડ કરાઇ રહયો છેઃ મે અંત સુધીમાં નવા ફોર્મેટ સાથેના દાખલા મળશે

રાજકોટઃ દેશભરમાં જન્મ-મરણના દાખલાઓને વધુ સુવ્યવસ્થિત અને એકસરખા બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલ સીઆરએસ પોર્ટલ અંતર્ગત કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ગત સપ્ટેમ્બર માસથી શરૂ કરાયેલા આ પોર્ટલ હેઠળ હવે તમામ જન્મ-મરણના દાખલાઓ કયુઆર કોડ સાથે આપવામાં આવશે.
મનપાના જન્મ-મરણ વિભાગ દ્વારા ૧૯૫૫થી લઈને અત્યાર સુધીના તમામ દાખલાઓને નવા પોર્ટલમાં અપલોડ કરવાની વિશાળ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી દિવસ-રાત ચાલી રહી છે અને એક મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
સૂત્રો મુજબ, ૨૫ લાખથી વધુ એન્ટ્રીઓ કરવાની હોવાથી આ પ્રક્રિયા થોડો સમય લેવાની શકયતા છે. ત્યાં સુધી ૨૦૧૯ પહેલાંના દાખલાઓ આપવાનું તાત્કાલિક બંધ રાખવામાં આવ્યું છે. જેમ જેમ ડેટા એન્ટ્રીનું કામ પૂર્ણ થતું જશે, તેમ જૂના દાખલાઓ આપવાની પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવશે.
હાલમાં જૂના સર્ટિફિકેટ માન્ય ન હોવાના કારણે લોકો સરકારી કચેરીઓમાં લાંબી લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બની રહ્યા છે. જોકે, એક મહિનામાં નવી સિસ્ટમ સંપૂર્ણપણે કાર્યરત થયા બાદ લોકોને આ મુશ્કેલીમાંથી રાહત મળશે.
નવી વ્યવસ્થામાં બ્લુ કલરના કયુઆર કોડ સાથેના સર્ટિફિકેટ આપવામાં આવશે, જે દેશના કોઈપણ રાજ્યમાં માન્ય રહેશે. આથી લોકો માટે અન્ય શહેરો કે રાજ્યોમાં પણ કોઈ અડચણ ઉભી નહીં થાય.
અત્રે નોંધનીય છે કે, નવી સિસ્ટમ શરૂ થયા બાદ રોજબરોજ કોર્પોરેશનમાં જન્મ-મરણના દાખલાઓ માટે ભીડ વધતી જોવા મળી રહી છે, પરંતુ આગામી એક મહિનામાં આ સમસ્યાનો મોટાભાગે ઉકેલ આવીજશે.
(3:52 PM IST)










