તા. ૧૧ ફેબ્રુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ મહાસુદ – ૧૪ મંગળવાર
News of Saturday, 16th May 2026
લેણા રૂપિયાની ઉઘરાણીના મામલે પંચશીલ રોડની ઓફિસમાં પુરી મહેશભાઇ શ્રીમાળીની બેફામ ધોલધપાટ
વાવડી રોડ પર રહેતાં યુવાનની ફરિયાદઃ અમિત વાઘેલા સહિતે જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી ખૂનની ધમકી પણ દીધીઃ અમિત, તેની પત્નિ, પુત્ર વિરૂધ્ધ માલવીયાનગર પોલીસમાં ગુનો : જામનગર રહેતાં મિત્ર બસંલને આપેલા ૩ લાખ પાછા માગતા તે અમિત વાઘેલાના ઘરે લઇ ગયો અને અમિતા પત્નિને કહ્યું-તમારા પતિ પાસેથી મારે ૧૭ લાખ લેવાના છે તેમાંથી ૩ લાખ મારા મિત્ર મહેશભાઇને આપી દેજોઃ આ પછી લેતીદેતી મામલે ડખ્ખો થયો

રાજકોટ તા. ૧૬: વાવડી વિસ્તારમાં રહેતાં અને નોકરી કરતાં યુવાને મિત્રને આપેલા ઉછીના રૂપિયાની ઉઘરાણી કરવા જતાં તેને ઓફિસમાં પુરી દઇ ઢોર માર મારી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ બનાવમાં માલવીયાનગર પોલીસે વાવડી રોડ ન્યુ ૮૦ ફુટ રોડ પર રાધે શ્યામ ગોૈશાળાની બાજુમાં સુરભી પોસીબલ-૨ એપાર્ટમેન્ટમાં નવમા માળે બી-૯૦૧માં રહેતાં મહેશભાઇ હરજીવનદાસ શ્રીમાળી (ઉ.વ.૩૮)ની ફરિયાદ પરથી અમિત વાઘેલા, અમિતનો દિકરો જીલ અને અમિતના પત્નિ ચેતનાબેન તથા ત્રણ અજાણ્યા વિરૂધ્ધ એટ્રોસીટી, મારકુટ અને મારી નાખવાની ધમકીનો ગુનો નોંધ્યો છે. ફરિયાદની વિગત મહેશભાઇ શ્રીમાળીે સિકયુરિટી કંપનીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. વર્ષ ૨૦૦૮માં જુનાગઢ ખાતે ઇન્ડસ ટાવર લિમીટેડ કે જે મોબાઇલ ટાવરની કંપની છે તેણે મેક્સ વિજીલ સિક્યુરીટીને કોન્ટ્રાક્ટ આપયો હોઇ તે સમયે મહેશભાઇ આ વિજીલ કંપનીમાં સુપરવાઇઝર હતાં.
તે સમયે તેમની ઓળખાણ જામનગરમાં ટીમ લીડર તરીકે નોકરી કરતા બસંત મહેરા સાથે થઈ હતી. આ પછી બંને વચ્ચે મિત્રતા બંધાઇ હતી. આશરે પાંચ મહિના પહેલા બસંત મહેરાએ મહેશકુમારને ફોન કરી દીકરાની સ્કૂલ/કોલેજની ફી ભરવા માટે રૂ. ૩,૦૦,૦૦૦ની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. મહેશકુમારને પોતાનું મકાન ખરીદવાનું હોવા છતાં મિત્રતાના દાવે તેમણે બસંત મહેરાને રૂ. ૩ લાખ રોકડા ઉછીના આપ્યા હતા અને વાયદો કર્યો હતો કે જ્યારે મકાન ફાઇનલ થાય ત્યારે રૂપિયા પરત આપી દેવા.
પરંતુ એપ્રિલ માસમાં મહેશકુમારે ફ્લેટ ખરીદવા માટે પોતાના રૂપિયા પરત માંગતા બસંત મહેરાએ તેમને જામનગર ધક્કો ખાવાના બદલે રાજકોટમાંથી જ રૂપિયાની વ્યવસ્થા કરી આપશે તેમ કહ્યું હતું. બાદ બસંતે મહેશકુમારને ઉમીયા ચોક ગોકુલધામ સોસાયટી પાસે બોલાવ્યા હતા અને ત્યાં એક મકાનમાં લઈ ગયા હતા. આ મકાનમાં ચેતનાબેન અમિતભાઈ વાઘેલા અને તેમનો દિકરો જીલ અમિતભાઈ વાઘેલા હાજર હતા. બસંતભાઈએ આ બંનેને જણાવ્યું હતું કે મારે તમારા પતિ અમિતભાઈ પાસે જે ૧૭ લાખ રૂપિયા લેવાના છે, તેમાંથી ૩ લાખ રૂપિયા મારા મિત્ર મહેશકુમારને આપી દેજો. આ અંગે ચેતનાબેને તેમના પતિ અમિતભાઈ સાથે ફોન પર વાત કરતા તેમણે મહેશકુમારને બે દિવસ પછી રૂપિયા લઈ જવા જણાવ્યું હતું.
બે દિવસ પછી જ્યારે મહેશકુમાર અને તેમના પત્નિ ગીતાબેન રૂપિયા લેવા અમિતભાઈના ઘરે ગયા, ત્યારે અમિતભાઈ ઘરે હાજર નહોતા. તે વખતે ચેતનાબેને પતિ અમિતભાઈનો મોબાઈલ નંબર આપી વાત કરવા કહ્યું હતું. ત્યારબાદ બપોરના સમયે અમિતભાઈએ મહેશકુમારને ફોન કરી ધમકાવ્યા હતા કે હવે પછી રૂપિયા લેવા મારા ઘરે આવતો નહીં. એટલું જ નહીં ચેતનાબેનની ચઢામણીથી તેમના પતિ અમિતભાઈ અને દિકરા જીલ વાઘેલાએ ગત તા. ૨૧/૪/૨૬ના રોજ અલગ-અલગ નંબર પરથી ફોન કરી ગંદી ગાળો આપી તેમનું સરનામું પુછી ધમકીઓ આપી હતી.
આ વિવાદનો અંત લાવવા માટે તા. ૨૨/૪ના રોજ બપોરે અમિતભાઈએ ફોન કરી મહેશકુમાર અને બસંત મહેરાને પોતાની ઓફિસે બોલાવ્યા હતા. જેથી મહેશકુમાર, તેમના પત્નિ ગીતાબેન, ભાણેજ પ્રીતિબેન અને દિવ્યેશભાઈ તથા બસંત મહેરા સાથે પંચશીલ રોડ પર આવેલા બંસીધર એપાર્ટમેન્ટના પ્રથમ માળે અમિતભાઈ વાઘેલાની ઓફિસે ગયા હતા.
ઓફિસમાં જતા જ પત્નિ અને ભાણેજોને બહાર ઉભા રાખી દેવાયા હતા. મહેશકુમાર અને બસંતભાઈ જેવા ઓફિસની અંદર ગયા કે તરત જ ત્યાં હાજર અન્ય ત્રણ અજાણ્યા શખ્સોમાંથી એકે ઓફિસનો મુખ્ય દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. દરવાજો બંધ થતાં જ અમિતભાઈ અને તેના માણસોએ મહેશકુમારને બેફામ ગાળો ભાંડી હતી અને એક શખ્સે તેમને મોઢા પર ત્રણથી ચાર ઝાપટો મારી દીધી હતી.
ઓફિસમાં પુરીને માર મારવાની સાથે આરોપીઓએ મહેશકુમારની જ્ઞાતિ પ્રત્યે અત્યંત અપમાનજનક શબ્દો કહ્યા હતા અને રસ્તામાં અમોને કયાંય મળતો નહીં અને હવે પછી રૂપિયાની માગણી કરતો નહીં, નહીંતર તને જાનથી મારી નાખીશું અને જો પોલીસ કેસ કર્યો છે તો જીવતો નહીં રહેવા દઇએ તેવી ધમકી આપી હતી. આ સમયે સાથે આવેલા બસંતભાઈએ વચ્ચે પડીને ચારેય લોકોને માંડ-માંડ સમજાવ્યા હતા અને મહેશકુમારને ત્યાંથી બહાર કાઢયા હતા.
આ ઘટનાથી ડરી ગયેલા મહેશકુમારે તાત્કાલિક કારમાં પત્નિઅને ભાણેજો સાથે ત્યાંથી નીકળી જઈ તેમને રસ્તામાં સમગ્ર આપવીતી જણાવી હતી. ભોગ બનનાર યુવાને આ અંગે સૌ પ્રથમ માલવીયાનગર પોલીસ સ્ટેશન અને રાજકોટ શહેર પોલીસ કમિશનરની કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરી હતી. અરજીની ગંભીરતાને ધ્યાને લઈ પીઆઇ જે. એમ. કૈલાની રાહબરીમાં પીએસઆઇ સી. પી. રાઠોડે અમિતભાઇ વાઘેલા સહિતની સામે ગુનો નોંધ્યો છે
(2:36 PM IST)










