<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનની ટેક્નોલોજીકલ ક્ષેત્રે મોટી સિદ્ધિ : ક્રૂ મેમ્બર્સની તાલીમ અને રેલ સુરક્ષાને વધુ સુદ્રઢ બનાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત અત્યાધુનિક 'સ્માર્ટ આરએસ વાલ્વ સિમ્યુલેટર' વિકસાવવામાં આવ્યું : જુઓ વિડીયો

લોકો પાયલટો અને આસિસ્ટન્ટ લોકો પાયલટોને વાસ્તવિક ટ્રેન સંચાલન જેવો લાઈવ અનુભવ મળશે : પશુ-વ્યક્તિ સાથે અથડામણ, ગાઢ ધુમ્મસ અને સિગ્નલ પાસ્ડ એટ ડેન્જર (SPAD) જેવી કટોકટીની ઓપરેટિંગ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે ચાલક દળને સક્ષમ બનાવતી નવીન ડિજિટલ પ્રણાલી

રાજકોટ, તા.૧૯ જુલાઈ: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને રેલ સુરક્ષા, તકનીકી ઇનોવેશન અને ક્રૂ (ચાલક દળ) ના કૌશલ્ય વિકાસના ક્ષેત્રમાં વધુ એક આધુનિક માઇલસ્ટોન હાંસલ કર્યો છે. રાજકોટ ડિવિઝન દ્વારા સ્વદેશી રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત અત્યાધુનિક 'સ્માર્ટ આરએસ વાલ્વ સિમ્યુલેટર' વિકસાવવામાં આવ્યું છે. આ નવીન સિસ્ટમ લોકો પાયલટો અને આસિસ્ટન્ટ લોકો પાયલટોને વાસ્તવિક રેલ સંચાલનને અનુરૂપ ડિજિટલ તાલીમ પૂરી પાડશે, જેનાથી રેલવે સ્ટાફની કાર્યક્ષમતા, ક્ષણિક સતર્કતા, નિર્ણય લેવાની ઝડપી ક્ષમતા અને સુરક્ષા જાગૃતિમાં નોંધપાત્ર વધારો થશે.
આ નવીન ટેક્નોલોજી વિશે વધુ માહિતી આપતા રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, આ સ્માર્ટ સિમ્યુલેટર વાસ્તવિક રેલ માર્ગોના હાઇ-ડેફિનેશન વીડિયો અને AI આધારિત રિયલ-ટાઇમ સિગ્નલ કંટ્રોલ સિસ્ટમ સાથે લિંક છે, જે તાલીમને એકદમ જીવંત અને વાસ્તવિક બનાવે છે. ટ્રેન ચલાવતી વખતે સામનો કરવી પડતી કુદરતી પરિસ્થિતિઓ જેવી કે સામાન્ય દિવસ, રાત્રિનો અંધકાર, અતિભારે વરસાદ અને શિયાળા દરમિયાન જોવા મળતું ગાઢ ધુમ્મસ (ફોગ) જેવી વિવિધ જટિલ પરિસ્થિતિઓનું આબેહૂબ સિમ્યુલેશન ક્રૂ મેમ્બર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ સુવિધાને કારણે લોકો પાયલટ દરેક પ્રકારના પડકારજનક હવામાનમાં ટ્રેન નિયંત્રિત કરવા માટે સક્ષમ બનશે.

ટ્રેનના ટેક્નોલોજીકલ પાસાઓ પર પ્રકાશ પાડતા સિનિયર ડિવિઝનલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર (ટ્રેક્શન - Sr. DEE/TRO) મનોજ કુમાર રાવે વિગતવાર જણાવ્યું હતું કે, આ સિમ્યુલેટરમાં રેલવે ટ્રેક પર અચાનક પશુ આવી જવું, વ્યક્તિ સાથે અથડામણની સ્થિતિ સર્જાવી, વાય (Y) અને ડબલ વાય (YY) સ્પીડ રિસ્ટ્રિક્શન ઇન્ડિકેટર્સ (ગતિ પ્રતિબંધ સંકેત) ના નિયમો તેમજ અત્યંત જોખમી ગણાતી સિગ્નલ પાસ્ડ એટ ડેન્જર (SPAD) જેવી વાસ્તવિક કટોકટીની ઓપરેટિંગ પરિસ્થિતિઓની લાઈવ પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. આના માધ્યમથી લોકો પાયલટોના રિસ્પોન્સ ટાઈમ (પ્રતિક્રિયા સમય), ઇમરજન્સી બ્રેકિંગ સ્કીલ અને સ્પીડ લિમિટ જાળવવામાં મોટો સુધારો થશે. આ તાલીમ પૂર્ણ થયા બાદ સિસ્ટમ દ્વારા એક ઓટોમેટેડ પરફોર્મન્સ રિપોર્ટ જનરેટ થાય છે, જે ચાલકની નાની ખામીઓ ઓળખીને તેને સુધારવામાં મદદરૂપ બને છે.

આ પ્રણાલી કોઈપણ પ્રકારના ઓપરેશનલ જોખમ કે અકસ્માતના ભય વિના સંપૂર્ણ સુરક્ષિત અને કરકસરયુક્ત ડિજિટલ તાલીમ પૂરી પાડે છે. આનાથી લોકો પાયલટોના આત્મવિશ્વાસમાં વધારો થાય છે અને રેલવે ટ્રેનર્સને પણ દરેક તાલીમાર્થીના પ્રદર્શનનું સચોટ અને ગણતરીપૂર્વકનું વિશ્લેષણ કરવામાં સરળતા રહે છે.
આ ઐતિહાસિક ઓપરેશનલ સિદ્ધિ અંગે ગૌરવ વ્યક્ત કરતા રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, "રાજકોટ ડિવિઝન હંમેશા ઇનોવેશન અને આધુનિક ટેકનોલોજી દ્વારા રેલ સુરક્ષા તેમજ ઓપરેશનલ શ્રેષ્ઠતાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. 'સ્માર્ટ આરએસ વાલ્વ સિમ્યુલેટર' લોકો પાયલટો અને આસિસ્ટન્ટ લોકો પાયલટોને વાસ્તવિક તાલીમ પૂરી પાડીને તેમની તાત્કાલિક નિર્ણય શક્તિ અને આત્મવિશ્વાસને મજબૂત કરશે. આ પહેલ મુસાફરો માટે સુરક્ષિત, વિશ્વસનીય અને કાર્યક્ષમ રેલ સંચાલન સુનિશ્ચિત કરવાની દિશામાં પશ્ચિમ રેલવેનું એક ક્રાંતિકારી પગલું છે."

(9:41 AM IST)