<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

માલેતુજારોની મદિરા પાર્ટીઃ ખાધું,‘પીધું',પકડાયા ને છુટી ગયા

ઉદ્યોગપતિએ બર્થડેની આગોતરી પાર્ટી આપીઃ આમંત્રીતો ‘હોંશે હોંશે' ગયા અને ‘મદહોશ' થયા, પણ પોલીસ ત્રાટકતાં ‘હોંશ ઉડી ગયા' : રાજકોટની સરાઝા હોટેલમાં ચીરાગ આનંદભાઇ પટેલે પોતાના જન્‍મદિવસ પહેલા યોજેલી પાર્ટીમાંથી તેના સહિત ૩૮ પીધેલા પકડાયાઃ જેમાં હોટેલના મેનેજર, બે કર્મી પણ સામેલઃ તાલુકા પોલીસમાં ગુનો દાખલ થયોઃ ૩૩ મહિલાઓ પણ પાર્ટીમાં હતીઃ જો કે કોઇએ પીધો ન હોવાનું પોલીસ તપાસમાં ખુલ્‍યું: છતાં હોસ્‍પિટલે લઇ જઇ બ્‍લડ સેમ્‍પલ લેવડાવાયાઃ હવે આગળની તપાસ માલવીયાનગર પોલીસ કરશે : ગયા હતાં મજા કરવા, થઇ ગઇ કજા....અમુકે હજુ ગળા ભીના કર્યા હતાં, અમુકને પેટ સુધી પહોંચી ગયો હતોઃ મહેફીલમાં રંગ જામુ, જામુ હતો ત્‍યાં ‘ખાખી'એ રંગ બતાવ્‍યો અને ‘મજા' મરી પરવારીઃ ટેબલ ક્‍લોથથી ચહેરા છુપાવવા પડયાઃ કાર્યવાહી બાદ જામીન પર છુટયા પછી પાછલા બારણેથી નીકળી ઘરે પહોંચવાની નોબત આવી

સરાઝા હોટેલમાં ઉદ્યોગપતિના જન્‍મદિવસની આગોતરી પાર્ટીમાં દારૂની મહેફીલમાં પોલીસે દરોડો પાડી ૩૮ને પીધેલા પકડયા હતાં અને ૩૩ મહિલા-યુવતિઓના બ્‍લડ સેમ્‍પલ લેવડાવ્‍યા હતાં. પોલીસના કહેવા મુજબ તેણે દારૂ પીધો નહોતો. કાર્યવાહીની તસ્‍વીરો અને માહિતી આપનારા અધિકારીઓ ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરી જોઇ શકાય છે. 

રાજકોટ તા. ૨: થોડી સી જો પી લી હૈ, ચોરી તો નહિ કી હૈ...આ ફિલ્‍મી ગીત મુજબ દેશમાં મોટા ભાગના રાજ્‍યોમાં વસવાટ કરતાં નાગરિકો પોતાની ઇચ્‍છા મુજબ જે તે પ્રદેશના નિયમોને આધીન રહીને પોતાની રીતે મનફાવે અને તનને ફાવે એટલો દારૂ-મદીરા પોતાની રીતે પી શકે છે, બીજાને પીવડાવી શકે છે. પરંતુ ગાંધીજીના ગુજરાત રાજ્‍યમાં પરમીટ વગર ગેરકાયદેસર રીતે દારૂ પીવો, વેંચવો, સંઘરવો કે પછી હેરાફેરી કરવી એ સહિતની બાબતો કાયદાકીય રીતે ‘ગુનો' ગણાય છે. આમ છતાં અહિ પીનારા ગમે ત્‍યાંથી ગોતીને પી લેતાં હોય છે, વેંચનારા પણ પોતાની રીતે ગમે તેમ કરીને મીઠી નજર કે આડી અવડી નજર કરાવીને વેંચી લઇ ગજવા ભરી લેતાં હોય ેછે. રાજકોટના કાલાવડ રોડ પર આવેલી સરાઝા હોટેલમાં શનિવારની રાતે જાણીતા ઉદ્યોગપતિ પરિવારના યુવાને પોતાના બર્થડેની આગોતરા પાર્ટી આપી હતી. અહિ ખાવાની સાથે પીવાની પણ વ્‍યવસ્‍થા હતી. મોટા ભાગના આમંત્રિતો કે જે માલેતુજાર હતાં અને સમાજમાં, ગામમાં નામના ધરાવતાં હતાં એ હોંશે હોંશે પધાર્યા હતાં. પછી પાર્ટીમાં પીણું પી ‘મદહોશ' થયા હતાં. માંડ મહેફલી જામી હતી ત્‍યાં ‘ખાખી'ની ટીમ ત્રાટકતાં જ  પીધેલાઓના ‘હોંશ ઉડી ગયા' હતાં. પાર્ટીના પ્રણેતા સહિત ૩૮ને પોલીસે મહેફીલ માંડી દારૂ પીવાના ગુનામાં પકડયા હતાં. ભારે હોબાળા બાદ કાર્યવાહી થઇ હતી. છેલ્લે ખાધું, પીધું અને જામીન પર છુટી ઘરે ગયા હતાં.

 પોલીસે બાતમીના આધારે દરોડો પાડયો હતો. બાતમી સાચી ઠરી હતી, જન્‍મદિવસની આગોતરા પાર્ટીમાં મહિલા-પુરૂષો સરાઝા હોટેલના બેન્‍કવેટ હોલમાં ટેબલો પર બેઠેલા જોવા મળ્‍યા હતાં. કાઉન્‍ટર પર ત્રણેક લોકો દારૂ-કોલ્‍ડ્રીંક્‍સ પીરસતાં દેખાયા હતાં. એલસીબી ઝોન-૨ ટીમે તમામને પોલીસ તરીકેની ઓળખ આપી રાઉન્‍ડઅપ કર્યા હતાં. ૩૩ મહિલાઓને અલગ સાઇડમાં ઉભી રાખી હતી. અહિ હોલમાં પાંચેક હુક્કા પણ પોલીસને છુટાછવાયા જોવા મળ્‍યા હતાં.

પોલીસે મહિલાઓએ દારૂ પીધો છે કે કેમ? તે જાણવા બ્રીધ એનલાઇઝર ટેસ્‍ટ કર્યા હતાં, જે તમામના નેગેટિવ આવ્‍યા હતાં, એટલે કે તેમણે પીધો ન હોવાનું જણાયું હતું. આમ છતાં આ મહિલાઓને સિવિલ હોસ્‍પિટલ ખાતે લઇ જઇ બ્‍લડ સેમ્‍પલ લેવડાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. હોસ્‍પિટલે જતી વેળાએ આ મહિલાઓ, યુવતિઓએ ચહેરા-મોઢા ઢાંકવા માટે હોટેલના પીળા રંગના ટેબલ ક્‍લોથનો ઉપયોગ કરવો પડયો હતો.

જ્‍યારે પાર્ટીના આયોજક સહિત ૩૮ દારૂ પીધેલા હોઇ તેની સામે તેમજ હોટેલમાં વ્‍યવસ્‍થા ગોઠવનારા મેનેજર સહિતની સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી. પકડાયા તેમાં ઉદ્યોગપતિઓ, વેપારીઓ, રાજકારણીઓના સગા પણ હતાં.  આ બધાની સામે દારૂ પીવાનો ગુનો તાલુકા પોલીસ સ્‍ટેશનમાં દાખલ કરાયો હતો. ધરપકડ સહિતની કાર્યવાહી શનીવાર રાતથી રવિવાર મોડી બપોર સુધી ચાલી હતી અને પછી નિયમ અનુસાર પોલીસ સ્‍ટેશન ખાતે જ જામીન અપાયા હતાં અને મુક્‍ત કરાયા હતાં. જો કે પોલીસ સ્‍ટેશન આસપાસ મિડીયા કર્મીઓ સતત રાતથી જ મોજુદ હોઇ જામીન પર છુટનારાઓને પાછલા દરવાજેથી મોઢા છુપાવીને નીકળી જવાની નોબત આવી હતી. મોટા કહી શકાય એવા માલેતુજારની દારૂની પાર્ટીના આ દરોડાની રાજ્‍યભરમાં ચર્ચા જાગી ગઇ હતી. જો કે પોલીસ કાર્યવાહી બાદ બધાને ઘરે જવા મળ્‍યું હતું.

પાર્ટીમાં બધાએ ખાધું, પીધું ને મોજ કરી, પકડાઇ જતાં પોલીસ કાર્યવાહીનો સામનો કર્યો અને છેલ્લે છુટી ગયા હતાં.  પોલીસે મોંઘોદાટ સ્‍કોચ-વ્‍હીસ્‍કીનો જથ્‍થો પણ કબ્‍જે કર્યો હતો. દારૂની વ્‍યવસ્‍થા બર્થડે બોયએ જ કરાવી હશે એ સોૈ જાણે છે, પણ કોણ ક્‍યાંથી કેવી રીતે લાવ્‍યું? તે સહિતની તપાસ હવે પછી થશે. ગુનો તાલુકા પોલીસમાં નોંધાયો હતો. હવે આગળની તપાસ માલવીયાનગર પોલીસ કરશે. 

ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરીના વડપણ હેઠળની એલસીબી ઝોન-૨ ટીમના પીએસઆઇ એસ. વી. ચુડાસમાની ટીમની કામગીરી

* સરાઝા હોટેલમાં બર્થડે પાર્ટી નિમીતે બેન્‍કવેટ હોલમાં શરાબની પાર્ટી ચાલી રહી હોવાની બાતમી મળતાં જ ઝોન-૨ ડીસીપી રોકશ દેસાઇના વડપણ હેઠળની એલસીબી ઝોન-૨ ટીમના પીએસઆઇ એસ. વી. ચુડાસમા, એએસઆઇ જે. વી. ગોહિલ, એએસઆઇ હરપાલસિંહ જાડેજા, એએસઆઇ રાજેશભાઇ એન. મિંયાત્રા, હેડકોન્‍સ. શક્‍તિસિંહ ગોહિલ, સત્‍યજીતસિંહ જાડેજા, હેમેન્‍દ્રભાઇ વાધીયા, સહદેવસિંહ જાડેજા, કોન્‍સ. કુલદીપસિંહ રાણા, મૈસુરભાઇ કુંભારવાડીયા, શિવભદ્રસિંહ ગોહિલ સહિતની ટીમે દરોડો પાડયો હતો. બાદમાં તાલુકા પોલીસ સહિતની ટીમની મદદ બાકીની કામગીરી માટે લેવાઇ હતી. હેડકોન્‍સ. સત્‍યજીતસિંહ જાડેજા આ ગુનામાં ફરિયાદી બન્‍યા હતાં અને તાલુકા પોલીસમાં ૩૮ જણા સામે એફઆઇઆર દાખલ કરાવી હતી.

 

પારડીમાં ઝેરી દવા પી લેનારા ૨૬ વર્ષના છત્રપાલસિંહનું મૃત્‍યુ

રાજકોટ તા. ૨: લોધીકાના પારડી ગામે રહેતાં છત્રપાલસિંહ જયેન્‍દ્રસિંહ જાડેજા (ઉ.વ.૨૬) નામના યુવાન ૩૧/૧૦ના સાંજે ચારેક વાગ્‍યે શાપરના ગુંદાસરા ગામે વાડી વિસ્‍તારમાં ઝેરી દવા પી જતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. બનાવની જાણ થતાં શાપર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી અને મૃતદેહનું પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું હતું. મૃત્‍યુ પામનાર છત્રપાલસિંહ મુળ જામજોધપુરના બુટાવદરના વતની હતાં. પોતે હાલ પારડી રહી મજુરી કામ કરતાં હતાં. એક વર્ષ પહેલા તેણે લગ્ન કર્યા હતાં. બે બહેનના એકના એક મોટા ભાઇ હતાં. બનાવનું કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી હતી.

(2:24 PM IST)