તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th June 2026
બંસીધર પાર્કમાં અગાસી પરથી પડી જવાને લીધે ૩૯ વર્ષના મનદીપભાઇ દવેનું મોત

રાજકોટ તા. ૨૭: શહેરના બંસીધર પાર્કમાં એકલવાયું જીવન જીવતા એક યુવાન ઘરે અગાસી ઉપર હતા ત્યારે અચાનક ચક્કર આવી જતાં મકાનની પાછળ આવેલા પ્લોટમાં પડી જતાં ગંભીર ઇજા થતાં મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.
જાણવા મળ્યા મુજબ બંસીધરપાર્ક-૨માં આવેલા પરશુરામ મારબલ નજીક રહેતાં મનદીપભાઇ જગદીશભાઈ દવે (ઉ.વ.૩૯) બપોરે પોતાના ઘરે ધાબા ઉપર એકલા હતા ત્યારે અચાનક ચક્કર આવી જતા ધાબા પરથી મકાન પાછળ આવેલા કોમન પ્લોટમાં પટકાતા માથામાં અને પગે ગંભીર ઈજાઓ પહોચી હતી. બનાવની જાણ થતાં પાડોશીએ તેમને સારવાર માટે ખસેડયા હતાં. પરંતુ મૃત્યુ થયું હતું. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના હેડકોન્સ. ગિરીરાજસિંહ ઝાલાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર મનદીપભાઇ બે ભાઇમાં મોટા અને અપરિણીત હતાં અને એકલવાયુ જીવન જીવતાં હતાં.
બેભાન હાલતમાં વિજયભાઇ અને નરેશભાઇના મૃત્યુ
અન્ય બનાવમાં પાંજરાપોળ શેરી નં. ૪માં રહેતાં વિજયભાઇ વાઘજીભાઇ અઘેરા (ઉ.વ.૪૫) સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. તે છુટક મજુરી કરતાં હતાં. સંતાનમાં ચાર દિકરી અને એક દિકરો છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં બી-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી. વિજયભાઇને કેન્સર હોવાનું સગાએ જણાવ્યું હતું.
બીજા બનાવમાં ચુનારાવાડ લાખાજીરાજ ઉદ્યોગનગર-૧૦ના ખુણે રહેતાં નરેશભાઇ છગનભાઇ મકવાણા (ઉ.વ.૪૪) રાતે ઘરે બિમારીને કારણે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં થોરાળા પોલીસે કાર્યવાહી કરી હતી.
(3:48 PM IST)










