<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th June 2026

વસતિ ગણતરીના આયોજનમાં રાજકોટ જીલ્લામાં અનેક વિસંગતતા શિક્ષકોમાં પ્રચંડ રોષ : એક ગણતરીદારને એક કરતા વધુ બ્‍લોક સોંપાયા

રાજકોટ જીલ્લા પ્રાથમીક શિક્ષક સંઘનું મુદાસર આવેદન : મહિલા શિક્ષીકાઓને તાલુકાઓના અંતરીયાળ વિસ્‍તાર સોંપાતા ભારે કચવાટ : અનેક બ્‍લોક ૮ કી.મી.થી પણ વધુ મોટાઃ ઘરે-ઘરે માહિતી એકત્ર કરવી ભારે મુશ્‍કેલરૂપ : સ્‍કુલોનો ૮૦ થી ૧૦૦ ટકા સ્‍ટાફ રોકાતા શિક્ષણકાર્ય પર ગંભીર અસર

વસ્‍તી ગણતરીના આયોજનમાં અનેક વિસંગતતાના આક્ષેપો સામે જીલ્લા પ્રાથમીક શિક્ષક સંઘે એડી. કલેકટરને આવેદન પાઠવ્‍યું તે નજરે પડે છે. 

રાજકોટ, તા., પઃ   જિલ્લામાં આગામી વસ્‍તી ગણતરી-૨૦૨૭ની કામગીરીના આયોજનમાં  અસમાન કાર્યભારને લઈને શિક્ષકોમાં ભારે અસંતોષ ફાટી નીકળ્‍યો છે. આ બાબતે રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ  દ્વારા નિવાસી અધિક કલેક્‍ટરશ્રીને  આવેદનપત્ર પાઠવી તાત્‍કાલિક યોગ્‍ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. સંઘના હોદ્દેદારો પ્રમુખ દિવ્‍યેશભાઈ રાખોલિયા, મહામંત્રી કિરીટસિંહ વાળા તથા પુનિતભાઈ સવસાણીએ જણાવ્‍યું છે કે જો આ વિસંગતતાઓ વહેલી તકે દૂર કરવામાં નહીં આવે તો વસ્‍તી ગણતરી અને શિક્ષણકાર્ય બંને ખોરવાઈ જવાની ભીતિ છે.

 જિલ્લાના અનેક તાલુકાઓમાં એક જ ગણતરીદારને એક કરતાં વધુ બ્‍લોક સોંપી દેવાયા છે, જ્‍યારે અમુક જગ્‍યાએ ઓછો કાર્યભાર છે. આ અસમાનતા દૂર કરી સમાન આયોજન થવું જોઈએ. ગોંડલ, કોટડા સાંગાણી, ધોરાજી, લોધિકા અને રાજકોટ તાલુકાના ઇન્‍ડસ્‍ટ્રિયલ તથા અંતરિયાળ વિસ્‍તારોમાં મોટી સંખ્‍યામાં મહિલા શિક્ષિકાઓની નિમણૂક કરાઈ છે. સુરક્ષા અને સુવિધાને ધ્‍યાને રાખી તેમને તેમના નિવાસસ્‍થાન કે કાર્યસ્‍થળની નજીક જ ફરજ સોંપવી જોઈએ. નિયમ મુજબ એક બ્‍લોકમાં ૮૦૦ થી ૯૦૦ની વસ્‍તી હોવી જોઈએ, પરંતુ તેના બદલે ૧૨૦૦ થી ૧૫૦૦ કે તેથી વધુ વસ્‍તીવાળા બ્‍લોક ફાળવી દેવાયા છે. મામલતદારઓ દ્વારા આનું તાત્‍કાલિક પુનર્ગઠન થાય તે જરૂરી છે.

જિલ્લામાં ઉપલબ્‍ધ રિઝર્વ ગણતરીદારોનો પૂરતો ઉપયોગ કરાયો નથી. બીજી તરફ, અનેક બ્‍લોક ૮ કિલોમીટરથી પણ વધુ મોટા હોવાથી ઘર-ઘર ફરીને માહિતી એકત્ર કરવી ખૂબ મુશ્‍કેલ બની રહી છે.સુપરવાઇઝરોને પણ તેમના કાર્યસ્‍થળથી ખૂબ દૂર ફરજ સોંપાતા દેખરેખ અને સંકલનમાં મુશ્‍કેલી પડી રહી છે. તેમાં સ્‍થાનિકતાને પ્રાધાન્‍ય આપવું જોઈએ.શાળાઓમાં ૮૦ થી ૧૦૦ ટકા સ્‍ટાફ રોકાઈ જતા શિક્ષણ પ્રભાવિતઃ જિલ્લાની ઘણી શાળાઓમાં ૮૦ ટકાથી ૧૦૦ ટકા સુધીનો શિક્ષક સ્‍ટાફ આ કામગીરીમાં જોડી દેવાયો છે, જેનાથી વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય ગંભીર રીતે જોખમાયું છે. શાળાવાર સમીક્ષા કરી આમાં સુધારો કરવો અનિવાર્ય છે. 

જે કર્મચારીઓ પહેલેથી જ ગ્‍ન્‍બ્‍ તરીકે મહત્‍વની ચૂંટણીલક્ષી કામગીરી કરે છે, તેમને ફરજિયાત વસ્‍તી ગણતરીમાં ન જોડતા અન્‍ય કર્મચારીઓનો વિકલ્‍પ આપવો જોઈએ.શિક્ષક સંઘે આવેદનપત્રના અંતે સ્‍પષ્ટ જણાવ્‍યું છે કે, વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિત અને સરકારી કામગીરી સુચારુ રૂપે ચાલે તે માટે વહીવટી તંત્ર દ્વારા તાલુકા અને જિલ્લા કક્ષાએ તાત્‍કાલિક ફરિયાદ નિવારણ વ્‍યવસ્‍થા ઊભી કરવામાં આવે. જો આ પડતર પ્રશ્નો પર હકારાત્‍મક નિર્ણય નહીં લેવાય તો શિક્ષકોનો વ્‍યાપક અસંતોષ સરકારી કામગીરી પર પણ અસર કરી શકે છે. 

(3:04 PM IST)