News of Thursday, 5th November 2026
રાજકોટની અનેક ખાનગી શાળાઓ ૧૬ નવેમ્બરથી શૈક્ષણિક કાર્ય શરૂ કરશે?!: જીલ્લા શિક્ષણાધિકારી તાકિદે પગલા ભરે
શહેર કોંગ્રેસના આગેવાન રોહિતસિંહ રાજપુતની ચેતવણીઃ શાળાઓ બંધ નહી રાખે તો હલ્લાબોલ કરાશે

રાજકોટ, તા. પઃ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૬ના શૈક્ષણિક કેલેન્ડર મુજબ રાજ્યની શાળાઓ માટે દિવાળી વેકેશનની તારીખો ૫ નવેમ્બરથી ૨૫ નવેમ્બર સુધી જાહેર કરવામાં આવી છે. એટલે કે કુલ ૨૧ દિવસનું વેકેશન પૂર્ણ થયા બાદ ૨૬ નવેમ્બરથી શૈક્ષણિક કાર્ય ફરી શરૂ થવાનું છે. તેમ છતાં રાજકોટની અનેક ખાનગી શાળાઓ દ્વારા ૧૫ નવેમ્બરથી જ શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી હોવાની ફરિયાદો સામે આવી રહી છે. જો સરકારના શિક્ષણ વિભાગના વેકેશનના પરિપત્રનો અમલ જ ખાનગી શાળાઓ પાસે કરાવી શકાતો ન હોય તો આવા પરિપત્રોનો અર્થ શું? દર વર્ષની જેમ આ વખતે પણ રાજકોટના જિલ્લા શિક્ષણાધિકારીની ભૂમિકા માત્ર મૂકપ્રેક્ષક પૂરતી જ સીમિત રહી હોય તેવું જણાઈ રહ્યું છે. તેમ કોંગ્રેસના વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતુ. આજે આ બાબતે જીલ્લા શિક્ષણીધિકારીને આવેદન પત્ર આપી રજુઆતો કરાઇ હતી કે અમારી પાસે વિદ્યાર્થીઓ દ્વારા સતત ફરિયાદો આવી રહી છે કે તેમને સરકાર દ્વારા જાહેર કરાયેલું સંપૂર્ણ વેકેશન આપવામાં આવે. વિદ્યાર્થીઓના હિતને સર્વોપરી રાખીને કોંગ્રેસ દ્વારા તમામ ખાનગી શાળાઓને વેકેશન દરમિયાન શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રાખવા અપીલ કરવામાં આવે છે. જો કોઈ શાળા સરકારના પરિપત્રની અવગણના કરીને વેકેશન દરમિયાન શૈક્ષણિક કાર્ય શરૂ કરશે તો તેની સામે વિદ્યાર્થીહિતમાં ઉગ્ર વિરોધ અને હલ્લાબોલ કરવામાં આવશે.
રાજપૂતે જણાવ્યુ હતું કે સવાલ એ છે કે જ્યારે રાજ્ય સરકાર દ્વારા વેકેશનની તારીખો નક્કી કરવામાં આવી છે ત્યારે ખાનગી શાળાઓને પોતાની મરજી મુજબ શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની છૂટ કોણે આપી? શું ખાનગી શાળાઓ માટે સરકારના નિયમો લાગુ પડતા નથી? જો દરેક શાળા પોતાની અનુકૂળતા મુજબ વેકેશન નક્કી કરવા લાગે તો રાજ્ય સરકારના શૈક્ષણિક કેલેન્ડર અને શિક્ષણ વિભાગના આદેશનું ઔચિત્ય જ શું રહે?, જીલ્લા શિક્ષણાધિકારી આ બાબતે માત્ર ફરીયાદોની રાહ જોવાને બદલે અગાઉથી તમામ ખાનગી શાળાને સ્પસ્ટ સુચના આપે.
કોંગ્રેસની સ્પષ્ટ માગ છે કે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી તાત્કાલિક તમામ ખાનગી શાળાઓને સૂચના આપે કે ૨૫ નવેમ્બર સુધી કોઈપણ પ્રકારનું નિયમિત શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં ન આવે. સરકારના પરિપત્રનું ઉલ્લંઘન કરતી શાળાઓ સામે તપાસ કરીને નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવે. વાલીઓ અને વિદ્યાર્થીઓની ફરિયાદો માટે પણ શિક્ષણ વિભાગ દ્વારા યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવે.વિદ્યાર્થીઓને સરકાર દ્વારા જાહેર કરાયેલું સંપૂર્ણ વેકેશન અપાવવું એ કોઈ રાજકીય મુદ્દો નથી, પરંતુ સીધો વિદ્યાર્થીહિતનો પ્રશ્ન છે. અમારી પાસે આવતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને ખાનગી શાળાઓને અપીલ કરીએ છીએ કે બાળકોના હિતમાં સરકારી વેકેશનનું પાલન કરે. જો તેમ છતાં કોઈ શાળા મનસ્વી રીતે શૈક્ષણિક કાર્ય શરૂ કરશે તો વિદ્યાર્થીહિતમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન અને હલ્લાબોલ કરવામાં આવશે.
(3:36 PM IST)










