News of Thursday, 26th November 2026
મનપામાં લગ્ન નોંધણી ફરજીયાત પણ સર્વરના ડખ્ખા : નવદંપતીને વારંવાર ધક્કા

રાજકોટ,તા.૨૬: મ્યુનિ. કોર્પોરેશન લગ્ન નોંધણી કરાવવા આવતા નવદંપતીઓ અને તેમના પરિવારજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાની ફરિયાદો સામે આવી છે. લગ્ન નોંધણીની પ્રક્રિયા માટે કોર્પોરેશનમાં વારંવાર સર્વર બંધ રહેતું હોવાના કારણે અરજદારોને કલાકો સુધી રાહ જોવી પડે છે.
મળતી વિગતો મુજબ, રાજકોટ મહાનગરપાલિકામાં લગ્ન નોંધણીની કામગીરી આરોગ્ય વિભાગ હેઠળ કરવામાં આવે છે. લગ્ન બાદ નોંધણી કરાવવા માટે વર-કન્યા પોતાના જરૂરી દસ્તાવેજો સાથે કોર્પોરેશન કચેરીએ પહોંચે છે. જોકે, ત્યાં પહોંચ્યા બાદ સર્વર બંધ હોવાના કારણે તેમની કામગીરી અટકી જાય છે.
આ ઉપરાંત કચેરીમાં સ્ટાફની સતત ગેરહાજરી અને કામગીરીમાં થતી વિલંબની પણ ફરિયાદો ઉઠી રહી છે. પરિણામે દૂરના વિસ્તારોમાંથી આવતા નવદંપતીઓ અને તેમના પરિવારજનોને ધક્કા ખાવા પડી રહ્યા છે. અનેક વખત કલાકો સુધી રાહ જોયા બાદ પણ નોંધણીની કામગીરી પૂર્ણ ન થતાં તેમને નિરાશ થઈને પરત ફરવું પડે છે.
લગ્ન જેવા જીવનના મહત્વના પ્રસંગ બાદ કાયદેસરની નોંધણી કરાવવા માટે આવતા લોકોને આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે તે તંત્રની કામગીરી સામે સવાલો ઊભા કરે છે. નવદંપતીઓમાં પણ આ મુદ્દે રોષ જોવા મળી રહ્યો છે.
હવે જોવાનું એ રહ્યું કે રાજકોટ મહાનગર પાલિકાનું તંત્ર આ સમસ્યાને ગંભીરતાથી લઈને લગ્ન નોંધણીની કામગીરી સરળ અને ઝડપી બનાવવા માટે કયારે અસરકારક પગલાં ભરે છે.
(4:20 PM IST)










