તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th June 2026
આ પ્રેમ-સન્માન વધુ સર્જનાત્મક કાર્ય માટે પ્રેરણા આપે છે : ભાનુકુમાર મહેતા
આકાશવાણીના નિવૃત અધિકારીના એક સાથે ૬ પુસ્તકોનું લોકાર્પણ : દિગ્ગજ સાહિત્યકારો, પત્રકારો, વાંચકોનો મેળાવડો

રાજકોટમાં સાહિત્યનો મહોત્સવ યોજાયો હતો. લેખક અને આકાશવાણીના નિવૃત અધિકારી ભાનુકુમાર મહેતાના ૬ પુસ્તકોનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં સાહિત્યકારો, લેખકો, પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. જે તસ્વીરમાં નજરે પડે છે. :ભાનુકુમાર મહેતાએ સાષ્ટાંગ પ્રણામ કર્યા ... : લેખક ભાનુકુમાર મહેતાના એક સાથે ૬ પુસ્તકોનું લોકાર્પણ થયા બાદ લેખક ભાનુકુમાર મહેતા ભાવવિભોર થઇ ગયા હતા અને હેમુ ગઢવી હોલના સ્ટેજ ઉપર સાષ્ટાંગ પ્રણામ કર્યા હતા. જે તસ્વીરમાં નજરે પડે છે.
રાજકોટ, તા., ર૬: આકાશવાણીના નિવૃત અધિકારી અને સુપ્રસિધ્ધ લેખક ભાનુકુમાર મહેતાના ૬ પુસ્તકોનું રાજકોટ ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે શનીવારની સાંજ સાહિત્ય જગત, લેખકો, પત્રકારો માટે આનંદદાયક પુરવાર થઇ હતી. પ્રવિણ પ્રકાશન અને બી ધ ચેઇન્જ દ્વારા આયોજીત ભાનુકુમાર મહેતા દ્વારા લીખીત તમે ભગવાન જોયા છે? , ગુલાબનું ફુલ, પાતાળ નગરી બાળકો માટેની સિરિયલ, પ્રિત હ્દય છલકે, સિધ્ધ શ્રીનાથજી દાદા, શ્રી પ્રેમભિક્ષુકજી મહારાજ વિષેના પુસ્તકોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ તકે ગુજરાત સમાચારના જાણીતા લેખક ભવેનભાઇ કચ્છીએ વિડીયો મેસેજમાં જણાવ્યું હતું કે, મારે ગુજરાત સમાચારમાં ભાનુકુમાર મહેતા સાથે કામ કરવાની તક મળી હતી. તેમના કારકીર્દી વિશેષાંકો વાંચકોને ખુબ જ ઉપયોગી પુરવાર થયા હતા. તેઓએ ખુબ જ પરિશ્રમ કર્યો છે અને હજુ સંશોધન કરીને સમાજ માટે સર્જન મુકતા રહે.
આ તકે જાણીતા પત્રકાર અજય ઉમટે વિડીયો મેસેજમાં જણાવ્યું હતું કે, મારે ભાનુકુમાર મહેતા સાથે ૪ દાયકા જુની યાદો છે. તેઓ એ સંઘર્ર્ષમાંથી સુવર્ણ મેળવ્યું છે. સાહિત્ય, નાટકમાં તેઓએ ખુબ જ યોગદાન આપ્યું છે. સાહિત્ય સર્જન યાત્રા આગળ વધતી રહે તે માટે શુભેચ્છા.
પદ્મશ્રી દેવેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સમાચારમાં અમે સાથે હતા. રોજગારલક્ષી માહીતી તેઓ સતત આપતા રહેતા હતા. તેમની કારકીર્દી કોલમ સફળ રહી હતી. તેઓનામાં સાહિત્ય અને પત્રકારત્વનો સંગમ છે.
પદ્મશ્રી રતિલાલ બોરીસાગરે જણાવ્યું હતું કે, ભાનુકુમાર મહેતાએ આકાશવાણીના માધ્યમથી તથા સર્જન કાર્ય થકી ગુજરાતી ભાષાને ધબકતી રાખે છે. તેઓનામાં સર્જન, સર્જાત્મક, ચરિત્રા વાતો જોવા મળે છે.
જાણીતા લેખક, કવિ તુષાર શુકલએ વિડીયો મેસેજમાં જણાવ્યું હતું કે, ભાનુકુમાર મહેતા એક એવા વ્યકિત છે જે નિષ્ઠાને સતત વળગી રહે છે. તેઓ લખતા હતા તે વાત તેમની સાથે કામ કરતી વખતે ખબર પડી ન હતી. લખતા રહો ભાનુભાઇ...
આ તકે મુકેશભાઇ માલવંકરએ જણાવ્યું હતું કે, તેઓ કસુંબલ લાગણીથી છલોછલ ભરેલ માણસ છે. લાગણી શબ્દોના મેઘનધનુષ રૂપે તેમના શબ્દ ો સતત પ્રગટ થતા રહે તેવી શુભેચ્છા.
આ તકે વિડીયો મેસેજના માધ્યમથી ભાનુકુમાર મહેતાના માસીયાઇ ભાઇ ભવસુખભાઇ શીલુએ જણાવ્યું હતું કે, ભાનુકુમાર મહેતામાં સાહિત્ય પ્રુેમ અજોડ છે. તે મારા મિત્ર અને માર્ગદર્શક છે.
આ તકે મુખ્ય વકતા આશુ પટેલ, દિલીપ ભટ્ટ ખાસ ઉપસ્થિત રહયા હતા. આ તકે પેનલ ચર્ચામાં સંજુભાઇ વાળા, આર.પી.જોશી, ગીતાબેન ગીડા, અશ્વીનીબેન શાહ, નગીન દવે, ભરત યાજ્ઞીક, ડો. નવલ શિલુ, હરેશ પંડયા અને મુકેશ પટેલ જોડાયા હતા.
સાહિત્યપ્રેમીઓ માટે આ એક વિશેષ પ્રસંગ જોવા મળ્યો હતો. જ્યારે મુંબઈ નિવાસી લેખક ભાનુકુમાર મહેતાના વિવિધ વિષયો પર આધારિત છ પુસ્તકોનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શહેરના દિગ્ગજ સાહિત્યકારો, વાચકો અને જિજ્ઞાસુઓનો વિશાળ મેળાવડો જોવા મળ્યો હતો.
આ પ્રસંગે જાણીતા પત્રકાર દિલીપ ભટ્ટે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભાનુકુમાર મહેતાના જીવનપ્રવાસમાં રહેલો સત્યનો રણકો તેમના પુસ્તકોમાં સ્પષ્ટ રીતે પ્રતિબિબિત થાય છે. તેમણે ઉમેર્યું કે મહેતાએ ખૂબ જ મર્યાદિત સાધનોમાં પોતાની જાતને ઘડી છે અને પોતાના પુરુષાર્થથી જીવનમાં ઊંચાઈ હાંસલ કરી છે. દિલીપ ભટ્ટે વધુમાં કહ્યું કે જીવનના ઉત્તરાર્ધમાં પ્રવેશ્યા બાદ પણ ભાનુકુમાર મહેતાની વાણીમાં વસંત જેવી તાજગી છે અને તેમના લખાણોમાં સત્યપ્રતિજ્ઞ લેખનની છાપ જોવા મળે છે. તેમણે ઉલ્લેખ કર્યો કે મહેતાના આ પુસ્તકોમાં નાટકો, નિબંધો, જીવનચરિત્રો અને વાર્તાઓ જેવી વિવિધ સાહિત્યિક શૈલીઓનો સમાવેશ થાય છે, જે તેમની જીવન મૂડી સમાન છે.
તેમણે પ્રેરણાત્મક ઉદાહરણ આપતાં કહ્યું કે મહાન કવિ તુલસીદાસે પોતાની પ્રથમ ચોપાઈ એંસી વર્ષની ઉંમરે લખી હતી, તેથી ભાનુકુમાર મહેતાએ આ પ્રસંગને નવા આરંભ તરીકે સ્વીકારી પોતાની કલમને સતત વહેતી રાખવી જોઈએ.
આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા મુંબઈ નિવાસી લેખક, પ્રોડ્યુસર અને કોલમિસ્ટ આશુ પટેલે પણ ભાનુકુમાર મહેતાની પ્રશંસા કરતાં જણાવ્યું કે એક સાથે અનેક વિષયો પર લખવાની તેમની ક્ષમતા અનોખી છે. ખાસ કરીને તેમની બાળવાર્તા શ્રેણી ‘પાતાળ નગરી'માં રહસ્ય અને રોમાંચનો અનોખો સંગમ જોવા મળે છે, જે વાચકોને આકર્ષે છે.
કાર્યક્રમના અંતે લેખક અને જેમના ૬ પુસ્તકો એક સાથે પ્રકાશીત થયા તે ભાનુકુમાર મહેતાએ રાજકોટના સાહિત્યપ્રેમીઓને સાષ્ટાંગ પ્રણામ કરતાં જણાવ્યું કે આ પ્રેમ અને સન્માન તેમને વધુ સર્જનાત્મક કાર્ય કરવા પ્રેરણા આપે છે.


ગુજરાતી ભાષાને ધબકતી રાખવા માટેનું સર્જન કાર્ય : પદ્મશ્રી રતિલાલ બોરીસાગર :ભાનુકુમાર મહેતા નિષ્ઠાને સતત વળગી રહેતા, લખતા રહો...: તુષાર શુકલ : કસુંબલ લાગણીથી છલોછલ ભરેલ માણસ એટલે ભાનુકુમાર મહેતા : મુકેશ માલવંકર: સાહિત્ય પ્રેમ ભાનુકુમાર મહેતામાં અજોડ છે : ભવસુખ શિલુ : ભાનુકુમાર મહેતામાં સાહિત્ય અને પત્રકારત્વનો સંગમ છે : પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ : તેમના સંઘર્ષમાંથી સુવર્ણ નિકળ્યું છેઃ અજય ઉમટ : પરીશ્રમ, સંશોધન સમાજ માટે ઉપયોગી પુરવાર થશે : ભવેન કચ્છી
ભાનુકુમાર મહેતા
(મો. ૮૧૬૦ર ૬૦૪૩૩)
(12:23 PM IST)










