News of Tuesday, 28th July 2026
ગંદા પાણીની ફરિયાદ મુદ્દે મેયર ડો. નેહલ શુક્લા એક્શનમાં
વોર્ડ નં. ૭ સહિતના વિસ્તારોમાં નર્મદાના નવા નીરથી ઉભી થયેલી સમસ્યા કાલ સુધીમાં ઉકેલવા અધિકારીઓને કડક સૂચના; ઉપરથી ખરાબ પાણી આવે તો પુરવઠો બંધ રાખી લોકોને જાણ કરવા તાકીદ

રાજકોટ,તા.૨૮: શહેરના વોર્ડ નં. ૭ સહિતના વિવિધ વિસ્તારોમાં નર્મદાના નવા નીરના પુરવઠા બાદ ખરાબ (મેલા) પાણીની ફરિયાદો સામે આવતાં મેયર ડૉ. નેહલ શુક્લા એક્શનમાં આવ્યા છે. મેયરે સંબંધિત અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક યોજી સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
મેયરે અધિકારીઓને કડક સૂચના આપતાં જણાવ્યું હતું કે શહેરના કોઈપણ વિસ્તારમાં ખરાબ પાણીનો પુરવઠો ન થાય તેની ખાસ કાળજી રાખવામાં આવે અને મળેલી તમામ ફરિયાદોનું કાલ સુધીમાં નિવારણ કરવામાં આવે. તેમણે આ સમસ્યાને ગંભીર ગણાવી તાત્કાલિક ઉકેલ લાવવા તાકીદ કરી હતી.
મેયરે વધુમાં સૂચના આપી હતી કે જો ઉપરથી જ ખરાબ અથવા ગંદા પાણીનો પુરવઠો આવી રહ્યો હોય તો તે પાણીનું વિતરણ ન કરવામાં આવે. સાથે જ સંબંધિત વિસ્તારના લોકોને અગાઉથી જાણ કરી યોગ્ય માહિતી આપવામાં આવે, જેથી નાગરિકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
મહાનગરપાલિકાએ પાણીની ગુણવત્તા પર સતત નજર રાખી જરૂરી તકેદારીના પગલાં લેવા અને સમસ્યાનું ઝડપથી નિરાકરણ લાવવા માટે અધિકારીઓને જવાબદારી સોંપી હોવાનું જાણવા મળ્યું છે.
(4:02 PM IST)










