<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

રાજકોટમાં મેઘરાજા રિઝીયાઃ વધુ બે ઈંચ વરસાદ

શહેરમાં બે દિવસમાં ૨૨ સ્‍થળોએ વળક્ષો ધરાશાયીઃ સિઝનનો વરસાદ ૧૧.૨૫ ઈંચને પાર : છેલ્લા ૨૪ કલાકમાં ૮ સ્‍થળોએ વળક્ષો પડ્‍યાની નોંધ, પાણી ભરાવાની એક પણ ફરિયાદ નહીં: શહેરને પાણી પૂરું પાડતા જળાશયોમાં નવા નીરની આવક શરૂઃ ઓરેન્‍જ એલર્ટ વચ્‍ચે ઝરમર વરસાદ યથાવત

 

રાજકોટ, તા.૨૫: શહેરમાં ચોમાસું હવે જામી ગયું છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન શહેરમાં સરેરાશ વધુ બે ઈંચ જેટલો વરસાદ નોંધાતા સિઝનનો કુલ વરસાદ ૧૧.૨૫ ઈંચને પાર પહોંચી ગયો છે. સતત બે દિવસથી ધીમીધારે વરસી રહેલા વરસાદના કારણે શહેરનું વાતાવરણ ખુશનુમા બન્‍યું છે. જોકે બીજી તરફ નરમ પડેલી જમીન અને ભીના થયેલા વળક્ષોના કારણે વળક્ષો ધરાશાયી થવાની ઘટનાઓમાં વધારો નોંધાયો છે. છેલ્લા બે દિવસમાં કુલ ૨૨ સ્‍થળોએ વળક્ષો પડી જવાની ઘટનાઓ સામે આવી છે. તેમ છતાં શહેરના કોઈપણ વિસ્‍તારમાં વરસાદી પાણી ભરાયાની ફરિયાદ નોંધાઈ નથી, જે મનપાની ડ્રેનેજ વ્‍યવસ્‍થાની કાર્યક્ષમતાનું પ્રતિબિંબ માનવામાં આવી રહ્યું છે.

રાજકોટ મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડના રેકોર્ડ મુજબ આજે સવારે પૂર્ણ થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વેસ્‍ટ ઝોનમાં ૩૬ મીમી, સેન્‍ટ્રલ ઝોનમાં સૌથી વધુ ૪૮ મીમી અને ઈસ્‍ટ ઝોનમાં ૩૩ મીમી વરસાદ નોંધાયો છે. આ સાથે વેસ્‍ટ ઝોનમાં સિઝનનો કુલ વરસાદ ૨૮૨ મીમી, સેન્‍ટ્રલ ઝોનમાં ૨૫૭ મીમી અને ઈસ્‍ટ ઝોનમાં ૨૩૯ મીમી સુધી પહોંચી ગયો છે. સમગ્ર શહેરમાં સરેરાશ સિઝનનો વરસાદ ૧૧.૨૫ ઈંચ જેટલો નોંધાયો છે.

સતત વરસી રહેલા વરસાદના પગલે રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા ભાદર, આજી-૧, ન્‍યારી-૧, ન્‍યારી-૨ અને લાલપરી સહિત પાંચેય મુખ્‍ય જળાશયોમાં નવા નીરની આવક શરૂ થઈ છે. જળાશયોમાં પાણીની આવક શરૂ થતાં આગામી દિવસોમાં શહેરની જળસુરક્ષા વધુ મજબૂત બનવાની આશા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે.

બીજી તરફ વરસાદના કારણે વળક્ષો પડવાની ઘટનાઓ યથાવત રહી છે. ગઈકાલે શહેરના વિવિધ વિસ્‍તારોમાં ૧૪ સ્‍થળોએ વળક્ષો ધરાશાયી થયા હતા, જ્‍યારે આજે વધુ ૮ સ્‍થળોએ વળક્ષો પડ્‍યાની ફરિયાદ મનપાના ફાયર બ્રિગેડમાં નોંધાઈ હતી. ફાયર બ્રિગેડની ટીમોએ તાત્‍કાલિક સ્‍થળ પર પહોંચી વળક્ષો દૂર કરીને માર્ગો ખુલ્લા કરવાની કામગીરી હાથ ધરી હતી.

આજે નોંધાયેલા બનાવોમાં લીમડા ચોક, હાથીખાના શેરી નં. ૧૪, બેડીપરા ખાતે વોરા કબ્રસ્‍તાન નજીક, ગીતગુજરી સોસાયટી મેઈન રોડ, ઘનશ્‍યામનગર મેઈન રોડ, નાનામૌવા મેઈન રોડ પર મોકાજી સર્કલ નજીક, કાલાવડ રોડ પર સેન્‍ટ મેરી સ્‍કૂલ સામે તેમજ લાખના બંગલા વિસ્‍તારમાં નવજીવન સ્‍કૂલ નજીક વળક્ષો ધરાશાયી થયાની ફરિયાદો નોંધાઈ હતી. સદનસીબે કોઈપણ બનાવમાં જાનહાનિ કે ગંભીર ઈજાની ઘટના બની નથી.

હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજકોટ માટે ઓરેન્‍જ એલર્ટ જાહેર કરવામાં આવ્‍યું છે. સવારથી મેઘછાયું વાતાવરણ અને ઝરમર વરસાદ ચાલુ રહેતાં શહેરમાં ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. આગામી કલાકોમાં પણ મધ્‍યમથી ભારે વરસાદની શકયતા વ્‍યક્‍ત કરવામાં આવી હોવાથી નાગરિકોને સાવચેતી રાખવા તેમજ બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે સમગ્ર ચોમાસા દરમિયાન રાજકોટ શહેરમાં માત્ર ૨૪.૮૯ ઈંચ વરસાદ નોંધાયો હતો. તેની સરખામણીએ ચાલુ વર્ષે જુલાઈ મહિનામાં જ લગભગ અડધો એટલે કે ૧૧.૨૫ ઈંચ જેટલો વરસાદ વરસી ચૂકયો છે, જે સારા ચોમાસાના સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે.(૨૩.૨૨)

(3:06 PM IST)