<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

ગુજરાતમાં ૨૪ જુલાઈથી મેઘરાજાની તોફાની બેટિંગની શક્‍યતાઃ ૧.૫ થી ૧૦ ઇંચ સુધીના ભારે વરસાદનો વરતારો

૨૩ જુલાઈ સુધી હળવા-મધ્‍યમ ઝાપટા બાદ નવો મજબૂત રાઉન્‍ડ શરૂ થશે; મોરબી સહિતના પંથકમાં તકેદારી રાખવા વેધર એનાલીસ્‍ટ નિતેશ વડાવીયાની અપીલ

 

રાજકોટઃ રાજ્‍યમાં હાલ ચોમાસું સક્રિય છે અને અલગ-અલગ વિસ્‍તારોમાં છૂટોછવાયો કે મધ્‍યમ વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન, આગામી દિવસોમાં મેઘરાજા ફરી એકવાર રૌદ્ર સ્‍વરૂપ ધારણ કરે તેવા આગોતરા એંધાણ મળી રહ્યા છે. મોરબીના જાણીતા વેધર એનાલીસ્‍ટ નિતેશ વડાવીયા દ્વારા રાજ્‍યમાં વરસાદના બીજા ધમાકેદાર રાઉન્‍ડની આગાહી કરવામાં આવી છે.

૨૩ જુલાઈ સુધી છૂટોછવાયો વરસાદ

હાલની સ્‍થિતિએ આગામી ૨૩ જુલાઈ સુધી રાજ્‍યના જુદા-જુદા વિસ્‍તારોમાં છૂટાછવાયા હળવા મધ્‍યમ ઝાપટાં ચાલુ રહેશે. અમુક દિવસો બાદ કરતાં આ વરસાદી માહોલ યથાવત રહેશે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહેશે.

૨૪ થી ૨૯ જુલાઈ વચ્‍ચે ભારેથી અતિભારે આફત!

વેધર એનાલીસ્‍ટ નિતેશ વડાવીયાના જણાવ્‍યા અનુસાર, ખરી કસોટી તા. ૨૪ જુલાઈથી શરૂ થશે. ૨૪ થી ૨૯ જુલાઈ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્‍તારોમાં હળવાથી મધ્‍યમ અને કેટલાક સ્‍થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની પ્રબળ શક્‍યતા છે. આ સમયગાળા દરમિયાન અલગ-અલગ દિવસે ક્‍યાંક બહોળા વિસ્‍તારમાં તો ક્‍યાંક મર્યાદિત વિસ્‍તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ શકે છે.

૧.૫ ઇંચથી લઈને ૧૦ ઇંચ સુધી ખાબકી શકે છે પાણી

આ સિસ્‍ટમ્‍સ એટલી મજબૂત બની શકે છે કે કુલ ૬ દિવસના ગાળા દરમિયાન રાજ્‍યમાં સરેરાશ દોઢ (૧.૫) ઇંચથી લઈને અતિભારે વરસાદવાળા વિસ્‍તારોમાં ૧૦ ઇંચ કે તેથી વધુ વરસાદ ખાબકી જવાની સંભાવના છે.

મોરબી જિલ્‍લા માટે એલર્ટ અને તકેદારીના સંકેત

હાલ અમેરિકન, યુરોપિયન અને અન્‍ય દેશોના વેધર મોડેલોના તારણોમાં થોડો મતભેદ જોવા મળી રહ્યો છે, તેમ છતાં ગુજરાતમાં એક ખૂબ જ સારો વરસાદનો રાઉન્‍ડ આવે તેવા મજબૂત સંજોગો દેખાઈ રહ્યા છે. ખાસ કરીને મોરબી જિલ્‍લો અને તેની આજુબાજુના વિસ્‍તારો માટે વિશેષ તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે.

ખાસ નોંધઃ આ આગાહી માત્ર એક આગોતરું અનુમાન છે. તમામ નાગરિકોને હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરવામાં આવતા સત્તાવાર દિશા-નિર્દેશો અને સૂચનાઓનું ચુસ્‍તપણે પાલન કરવા વિનંતી કરાઈ છે. આ આગામી રાઉન્‍ડ અંગેની વધુ વિગતવાર અને સચોટ અપડેટ તા. ૨૩ જુલાઈના રોજ આપવામાં આવશે.(૪૦.૩૩)

(11:25 AM IST)