News of Monday, 12th October 2026
‘માસિક ધર્મ' : શરમાવાની નહીં, સમાજવાની વાત :જાગૃતીનો સંદેશ પ્રસરાવતુ ગુજરાતી ફિલ્મ જાન્યુઆરીમાં થશે રીલીઝ
આશા પંચાલ અને દ્રષ્ટિ જયસ્વાલ મુખ્ય ભુમિકામાં : કાવીર ચૌહાણનું ડાયરેકશન અને મ્યુઝીક ડીરેકટર રીંકેશ જાંગીડ : મોટાભાગનું શુટીંગ સાપુતારા અને ડાંગમાં કરાયુ : ટીઝર યુ-ટયુબ પર લોન્ચ

રાજકોટ તા. ૧૨ :સ્ત્રીઓના ઋતુ ચક્ર (પીરીયડસ)ની વાતને લઇને અવેરનેશરૂપે પડદા પર રજુ કરતી ફિલ્મ ‘માસિક ધર્મ' સંપૂર્ણ તૈયાર થઇ ચુકી છે અને આગમી જાન્યુઆરીમાં સીનેમા ઘરોમાં રીલીઝ થવા જઇ રહી છે.
‘અકિલા'ની મુલાકાત દરમિયાન આ ફિલ્મમાં મુખ્ય ભુમિકાને ન્યાય આપતા આશા પંચાલ અને દ્રષ્ટિ જયસ્વાલે જણાવ્યુ હતુ કે માસિક ધર્મસ્ત્રીના જીવન સાથે જોડાયેલી એક સ્વાભાવિક સહજ જૈવિક પ્રક્રિયા છે. આ કોઇ શરમાવાની વાત નહીં પણ સમજવાની વાત છે. સમાજમાં હાલ જે કઇ ગેરસમજણ અને ભેદભાવ જોવા મળે છે તે સંશયો દુર કરવા આ ફિલ્મના માધ્યમથી ખુબ સરસ પ્રયાસ થયો છે.
તેઓએ જણાવેલ કે માસિક ધર્મ શરૂ થવા એ એક સારી નિશાની છે. પૂર્ણસ્ત્રી બન્યાની ગૌરવની ઘટના ગણાય છે. આ વિષયને કેન્દ્રમાં રાખીને જ આ ફિલ્મમાં ગંભીર બાબતોને સહજતાથી લોકોના માનસ સુધી પહોંચાડવાનો વિનમ્ર પ્રયાસ છે. સેનેટરી પેઇડસ અને આ સમયમાં ઉપયોગમાં લેવાતા વષાની બાબત ઉપર પણ પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. ખાસ કરીને પુરૂષ વર્ગસ્ત્રીઓના આ સમયગાળાને સમજે તેવી ટકોર પણ કરવામાં આવી છે.
ફિલ્મના ડાયરેકટર કાવીર ચૌહાણે જણાવ્યુ હતુ કે આ થોડો ગંભીર વિષય હતો પણ અમે તેને સહજતાથી લઇ લોકો સુધી સાચી સમજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. આ ફિલ્મમાં બે ગીતો છે જેમાં એક ‘ધૂણવા આવે માડી ધૂણવા આવે' ડાકલા સોંગ અને બીજુ ‘દરીયો પીડાનો' ગીત છે. ફિલ્મનું ટીઝર યુ-ટયુબ અને ઇન્ટાગ્રામ પર લોન્ચ થઇ ચુકયુ છે. સંભવતઃ જાન્યુઆરીમાં આ ફિલ્મ સીનેમા ઘરોમાં રીલીઝ થઇ જશે.
ફિલ્મના મ્યુઝિક ડાયરકેટર તરીકે રિંકેશ જાંગીડ, પ્રોડયુસર નરસિંહભાઇ વાઘેલા, ક્રિએટીવ ડાયરેકટર લલિત દવેરા, માર્કેટીંગ ટીમમાં સિધ્ધાર્થ સાગઠીયા, વિમલભાઇ ગોસ્વામી, યશ મોરી સેવા આપી રહ્યા છે.
અહીં ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં નાની દીકરીનો રોલ અદા કરતી દ્રષ્ટિ જયસ્વાલ આ પહેલા ‘મારૂ માન મોહી ગયુ', ‘અનુપમા', ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' જેવી સીરીયલો તેમજ ‘પાપાનું ઇન્શ્યોરન્સ', ‘કંકોત્રી', ‘હાલ ભેરૂ ગામડે' જેવી ફિલ્મો પણ કરી ચુકી છે. તેમજ ૧ મીનીટમાં ૬૪ ફિલપ મારીને ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી ચુકી છે.
એજ રીતે આશા પંચાલ પણ આ પહેલા ૪૦ જેટલી ફિલ્મો કરી ચુકયા છે અને આગામી દિવસોમાં ‘એક તો વિશ્વાસ થા', ‘અગીયાર', ‘ બાલી' જેવી તેમની ફિલ્મો આવી રહી છે. તેઓ ડબીંગ આર્ટીસ્ટ પણ છે અને મોગલી સીરીયલોમાં અવાજનો જાદુ પાથરી ચુકયા છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ફિલ્મ અભિનેત્રી આશા પંચાલ, દ્રષ્ટિ જયસ્વાલ અને સાથે કાવીર ચૌહાણ, રિંકેશ જાંગીડ, સિધ્ધાર્થ સાગઠીયા, વિમલ ગોસ્વામી નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(2:48 PM IST)










