તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
હવામાન નિષ્ણાંત વિશાલ પાનસૂરિયાની મોટી આગાહી : રાજ્યમાં રાત્રે અને આવતીકાલે દિવસ દરમિયાન મેઘરાજાની બેટિંગ યથાવત રહેશે : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા
દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની તોફાની ઇનિંગ્સ શરૂ થશે, જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના વિવિધ પંથકોમાં છૂટોછવાયો સારો વરસાદ વરસવાની સંભાવના

રાજકોટ: હવામાન નિષ્ણાંત વિશાલ પાનસૂરિયા દ્વારા રાજ્યમાં આગામી સમય માટે વરસાદની નવીનતમ આગાહી જાહેર કરવામાં આવી છે. અગાઉ આપવામાં આવેલી આગાહી મુજબ જ રાત્રે અને દિવસે રાજ્યના વિવિધ ભાગોમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો, ત્યારે હવે આજ રાત્રે અને આવતીકાલ દિવસ દરમિયાન પણ વરસાદનું જોર તેની આસપાસ જ જળવાઈ રહે તેવી પ્રબળ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
આજ રાત દરમિયાન વરસાદની સ્થિતિ અને સંભાવના:
હવામાન નિષ્ણાંત વિશાલ પાનસૂરિયાની આગાહી મુજબ, આજ રાત્રિથી લઈને સવાર સુધીમાં દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ફરી એકવાર મધ્યમથી ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ જશે. જ્યારે બીજી તરફ મોડી રાત્રિથી સવારના સમયગાળામાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના પંથકો જેવા કે પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા અમુક વિસ્તારોમાં હળવા રેડા તેમજ વરસાદી ઝાપટાં શરૂ થઈ જશે. ખાસ કરીને જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાના દરિયાકાંઠા તરફના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન છૂટોછવાયો સારો વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા રહેશે.
આવતીકાલે દિવસ દરમિયાન કેવો રહેશે માહોલ?
આવતીકાલે દિવસ દરમિયાન પણ મેઘ મહેર યથાવત રહેશે. દક્ષિણ ગુજરાતમાં રાત્રિના સમયે શરૂ થયેલા વરસાદનું જોર દિવસે પણ અકબંધ રહેશે અને દિવસભર વરસાદની આવજા જોવા મળશે. આ સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ છૂટોછવાયો મધ્યમથી સારો વરસાદ પડવાની સંભાવના જોવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર પંથકની વાત કરીએ તો, દિવસ દરમિયાન અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં છૂટાછવાયા ઘણા વિસ્તારોમાં મધ્યમથી સારો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં આજની સરખામણીએ આવતીકાલે વરસાદનો વિસ્તાર વધશે.
અન્ય જિલ્લાઓ અને પંથકની વિગતવાર આગાહી:
બીજી તરફ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી અને કચ્છ જિલ્લામાં દિવસ દરમિયાન સીમિત વિસ્તારોમાં માત્ર હળવા મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. જો કે, પોરબંદર અને જામનગર જિલ્લાના જે વિસ્તારો જૂનાગઢ અને રાજકોટની સરહદ તરફ લાગુ પડે છે, ત્યાં છૂટોછવાયો સારો વરસાદ પણ વરસી શકે છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં મધ્ય ગુજરાતને અડીને આવેલા સીમિત પંથકોમાં થોડી ઘણી વરસાદી એક્ટિવિટી થાય તેવી શક્યતા નહિવત બરાબર રહેશે. ઓવરઓલ આ નવો રાઉન્ડ આજની સરખામણીએ આવતીકાલે થોડો વધુ વિસ્તાર આવરી લેશે.
ખાસ નોંધ: હવામાન નિષ્ણાંત વિશાલ પાનસૂરિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઉપર દર્શાવેલા જે તે જિલ્લાઓ માટે વરસાદની આ માત્ર છૂટીછવાઈ શક્યતા છે, કોઈ સાર્વત્રિક આગાહી નથી. જેથી તમામ વિસ્તારોમાં એકસરખો વરસાદ ન પડે તે બાબતને ધ્યાનમાં લેવી જરૂરી છે.
(11:19 PM IST)










