<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

કાળઝાળ મોંઘવારીમાં દૂધનો ભાવ વધારો દાઝ્‍યા પર ડામ સમાન

પ્રતિ વર્ષ દૂધના ભાવ વધારામાં સરકારનું કોઈ નિયંત્રણ નહીં: અચ્‍છે દિનનું ટેટુ છેતરામણુ સાબિત થયું

રાજકોટ, તા.૧૪: લોક સંસદ વિચાર મંચના મહિલા અગ્રણીઓ, જિલ્લા નારી સુરક્ષા સમિતિ (રાજકોટ)ના હેમાબેન  કક્કડ, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, રજનીબેન આસવાણી, પદ્માબા ચૌહાણ, પારુલબેન સિધ્‍ધપુરા, સોની ભાવનાબેન જોગીયા, સરલાબેન પાટડીયા, કૈલાશબેન વાઘેલા, પ્રફુલાબેન ચૌહાણ, જશુબા વાંક સંયુક્‍ત યાદી જણાવે છે કે ગુજરાત કોઓપરેટીવ મિલ્‍ક માર્કેટિંગ ફેડરેશનના નેજા હેઠળ સક્રિય અમુલે તેના દૂધની જુદી જુદી બ્રાન્‍ડમાં લીટરે રૂપિયા રૂ.૨ થી રૂ.૪ નો ભાવ વધારો આજથી અમલમાં કરવાની જાહેરાત કરી છે. ટી સ્‍પેશિયલમાં એક લીટર રૂ.૩ અને ભેંસના દૂધમાં એક લીટરે રૂ.૪ નો વધારો કરવામાં આવ્‍યો છે.

વર્તમાન સરકારમાં મોંઘવારીએ માઝા મૂકી છે ત્‍યારે રસોડામાંથી મોંઘવારીનો બોમ્‍બ ફૂટયો છે. જે પગલે દૂધનો તોતિંગ ભાવ વધારો ગળહિણીઓનું બજેટ ખોરવશે.

ઈરાન અને અમેરિકાના યુદ્ધના પગલે આગામી દિવસોમાં મોંઘવારી નો ગ્રાફ વધવાનો છે એમાં કોઈ શંકાને સ્‍થાન નથી. જો કે યુદ્ધ એક બહાનું છે. અમુલ દૂધમાં સમયાંતરે એક થી દોઢ વર્ષે રૂ.૨ ના ભાવ વધારો જીકવામાં આવે છે.

વધુમાં જણાવ્‍યુ કે  હાલમાં જીવન જરૂરિયાતની આવશ્‍યક ચીજ વસ્‍તુઓ માં ભાવ વધારો સમયાંતરે કરવામાં આવી રહ્યો છે અને વધતી જતી કારમી મોંઘવારીના પગલે દેશમાં આપઘાતનું પ્રમાણ વધ્‍યું છે. જે સરકારના રેકોર્ડ પર મૌજુદ છે. ગરીબ અને મધ્‍યમ વર્ગ ના પરિવારોને જીવન જીવવું દુષ્‍કર બન્‍યું છે. પરિવારો સરકારની નીતિ રીતીના પગલે આર્થિક પાયમલ બન્‍યા છે. ગુજરાતમાં શ્વેત ક્રાંતિ ની વાતો કરનાર પ્રધાનમંત્રી અને મુખ્‍યમંત્રીશ્રીઓ અવારનવાર કહી ચૂકયા છે કે ગુજરાતમાં પશુપાલન ક્ષેત્રે ગુજરાતે વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરી છે. ડેરી ઉદ્યોગ ફુલિયો ફાલ્‍યો છે અને ડેરી ઉદ્યોગ વિકાસ પામ્‍યો છે. દુધાળા પશુઓની સંખ્‍યામાં વધારો થયો છે. આ પ્રકારના ગુજરાતના નેતાઓના ભાષણો નું  સૂરસૂરિયું થઈ ગયું છે.

સફેદ દૂધમાં ચાલતો કાળો કારોબારને પગલે માર્કેટિંગ ફેડરેશન દ્વારા વધતા જતા દૂધના ભાવ પ્રજાની કમર તોડી નાખી છે. અમુલ ડેરી પોતાના તમામ પ્‍લાન્‍ટોમાં સોલાર રૂફટોપ અપનાવે, કરોડો રૂપિયાની બિનજરૂરી જાહેરાતો બંધ કરે, કરકસર યુક્‍ત વહીવટ કરે તો તેનો લાભ કર્મચારી પશુપાલકો અને ગુજરાતની પ્રજાને આપી શકાય તેમ છે.

દૂધમાં પ્રતિ વર્ષ વધતા ભાવના પગલે સરકારનું કોઈ નિયંત્રણ નથી જે પગલે સરકારે બતાવેલા ‘અચ્‍છે દિન' ના સપનાઓ ચકનાચુર અને ‘અચ્‍છે દિન' નું ટેટુ છેતરામણુ સાબિત થયું છે. તેમ અંતમાં જિલ્લા નારી સુરક્ષા સમિતિ  (મો. ૯૮૨૪૮ ૭૯૮૨૦) હેમાબેન કક્કડ, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, રજનીબેન આસવાણી, પદ્માબા ચૌહાણ, પારુલબેન સિધ્‍ધપુરા, સોની ભાવનાબેન જોગીયા, સરલાબેન પાટડીયા, કૈલાશબેન વાઘેલા, પ્રફુલાબેન ચૌહાણ, જશુબા વાંક એ જણાવ્‍યુ છે.

(3:45 PM IST)