News of Friday, 1st May 2026
કાળીપાટ પાસે દૂધનો ટેમ્પો પલ્ટી ગયોઃ દહીંસરાના ભીમાભાઇ મકવાણાનું મોતઃ મુસાફર દંપતિ, ત્રણ સંતાન સહિત ૧૦ને ઇજા
જસદણના વડાળીથી રાજકોટ આવી રહેલો ટેમ્પો કાળીપાટી પાસે બનાવઃ રાજકોટ આવતી વખતે બનાવ : સુરતના જીતેશભાઇ અને પત્નિ અંજલીબેન ભાડલા વતનમાં આટો દેવા આવ્યા હતાં: રાજકોટથી બસ પકડવાની હોઇ દૂધના ટેમ્પોમાં બેઠા હતાં: મૃતક ભીમાભાઇ ખેતી ઉપરાંત દૂધનો ધંધો કરતાં હતાં: દૂધ વેંચવા રાજકોટ આવતી વખતે કાળનો કોળીયો બન્યા

તસ્વીરમાં દૂધનો ટેમ્પો, રોડ પર દૂધના કેન, ઘટના સ્થળે એકઠા થયેલા લોકો અને અન્ય તસ્વીરોમાં અકસ્માતમાં ઇજા પામનારા લોકો જોઇ શકાય છે
રાજકોટ તા. ૧: સરધારના કાળીપાટ નજીક રાતે દૂધનો ટેમ્પો પલ્ટી મારી જતાં તેમાં બેઠેલા જસદણના દહીંસરાના ખેડુત-દૂધના ધંધાર્થી પ્રોૈઢનું ગંભીર ઇજા થતાં મૃત્યુ થયું છે.
ીંજ્યારે ટેમ્પોમાં મુસાફર તરીકે બેઠેલા મુળ દહીંસરાના અને હાલ સુરત રહેતાં પતિ-પત્નિ, તેના ત્રણ બાળકો, દૂધના અન્ય વેપારી, મજૂરો સહિત ૧૦ને ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. જેમાં બેથી ત્રણ મુસાફરને ગંભીર ઇજાઓ પહોંચી છે. દૂધનો ટેમ્પો ભાડલાના વડાળીથી રાજકોટ આવી રહ્યો હતો ત્યારે કોઇ કારવાળો અચાનક વચ્ચે આવીને નીકળી જતાં ટેમ્પો ચાલકે કાબુ ગુમાવતાં આ ઘટના બની હતી.
જાણવા મળ્યા મુજબ કાળીપાટ નજીક રાત્રીના નવેક વાગ્યે દૂધના કેન ભરેલો ટાટા-૪૦૭ ટેમ્પો પલ્ટી મારી જતાં રોડ પર દૂધની રેલમછેલ થઇ ગઇ હતી. ટેમ્પોમાં પાછળ મુસાફર તરીકે અને મજૂર-હેલ્પર તરીકે બેઠેલા દસથી બાર લોકોને ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ અકનું મૃત્યુ થયું હતુ. મૃતકની ઓળખ જસદણના દહીંસરાના ભીમાભાઇ કરસનભાઇ મકવાણા (ઉ.વ.૫૫) તરીકે થઇ હતી.
અન્ય ઇજાગ્રસ્તોમાં સુરત રહેતાં જીતેશભાઇ ઉર્ફે અનીલભાઇ ધીરૂભાઇ પરમાર (ઉ.વ.૩૫), તેના પત્નિ અંજલીબેન જીતેશભાઇ પરમાર (ઉ.વ.૩૨), તેના ત્રણ બાળકો મીતલ (ઉ.વ.૮), નતશા (ઉ.વ.૨ાા) અને કાર્તિક (ઉ.વ.૪) તેમજ વડાળીના મહેશ ઉર્ફે ગોપાલ દેવીદાસભાઇ ગોંડલીયા (ઉ.વ.૨૭), પ્રવિણભાઇ કરસનભાઇ ચાવડા (ઉ.વ.૪૫), વડાળીના માવજીભાઇ ગોપાલભાઇ લીંબડીયા (ઉ.વ.૫૫), અમર વિજયભાઇ રાઠોડ (ઉ.વ.૨૨)ને સારવાર માટે દાખલ કરાયા હતાં. ટેમ્પોના ડ્રાઇવર માંડણભાઇ પુંજાભાઇ મંડને પણ ઇજા પહોંચી હતી.
ટેમ્પોમાં વડાળીથી દૂધના કેન ભરીને માંડણભાઇ તથા બીજા હેલ્પરો રાજકોટ તરફ આવતાં હતાં ત્યારે કાળીપાટ પાસે અચાનક એક કારવાળો વચ્ચે આવીને નીકળી જતાં ટેમ્પો ચાલકે કાબુ ગુમાવતાં પલ્ટી મારી ગયો હતો. ઇજાગ્રસ્તોમાં જીતેશભાઇ પરમાર સુરત રહી હીરા ઘસે છે. તે વેકેશન હોઇ પત્નિ, બાળકો સાથે પોતાના વતન તેમજ સસરાના ગામ ભાડલા આવ્યા હતાં. પરત સુરત જવા રાજકોટથી બસ પકડવાની હોઇ દૂધના ટેમ્પોમાં રાજકોટ આવવા માટે નીકળ્યા હતાં.
જ્યારે મૃત્યુ પામનાર દહીંસરાના ભીમાભાઇ ખેતી કરવા ઉપરાંત દૂધનો ધંધો કરતાં હોઇ તે દૂધ વેંચવા રાજકોટ આવી રહ્યા હતાં. તેઓ ત્રણ ભાઇમાં વચેટ હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો છે. આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
(3:14 PM IST)










