News of Monday, 22nd June 2026
રાજકોટ મ્યુનિ કોર્પોરેશનના આવાસ યોજનાના બોગસ એલોટમેન્ટ લેટર બનાવી લાખોની ઠગાઈ કરવાના ગુનામાં પકડાયેલ આરોપીને સાત વર્ષની કેદ
ભોગ બનનારાઓને દોઢગણું વળતર ચૂકવવાનો પણ હુકમઃ ઇન્ડિયન પેનલ કોડની અન્ય સાત કલમોમાં પણ તકસીરવાર ઠરાવી એક થી ત્રણ વર્ષની સજા કોર્ટે ફટકારી

રાજકોટ, તા.૨૨: રાજકોટ મહાનગરપાલિકાની પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર અપાવવાના નામે ગરીબ અને શ્રમિક વર્ગના લોકોને લલચાવી રૂ.૧૨.૩૧ લાખની છેતરપિંડી આચરનાર આરોપી અમિત ભાવસિંગ ચૌહાણને રાજકોટની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા કડક સજા ફટકારવામાં આવી છે. કોર્ટે આરોપીને આઈપીસીની કલમ ૪૬૭ હેઠળ સાત વર્ષની સખત કેદ તેમજ અન્ય સાત કલમો હેઠળ પણ એકથી ત્રણ વર્ષની જેલસજા ફટકારી છે. સાથે જ ભોગ બનનારાઓને તેમની સાથે થયેલી છેતરપિંડીની રકમ કરતાં દોઢગણું વળતર ૩૦ દિવસમાં ચૂકવવાનો હુકમ પણ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ, ફરિયાદી રવિશંકર કુમાર ગૌતમ ઘર શોધી રહ્યા હતા ત્યારે ચાની લારી પર તેમની ઓળખાણ અમિત ભાવસિંગ ચૌહાણ (હાલ રહે. ધર્મજીવન સોસાયટી શેરી નં.૪, સહારા એપાર્ટમેન્ટ ફ્લેટ નં. ૩૦૪માં ભાડેથી, રાજકોટ. મુળ રહે. લક્ષ્મીવાડી શેરી નં.૧૬/૨૧ મનમોહન એપાર્ટમેન્ટની સામે રાજકોટ) સાથે થઈ હતી. તેમાં અમિતે રાજકોટ મ્યુ. કોર્પો.માં પોતાની ઊંચી ઓળખાણ હોવાનું જણાવી તેમને વિશ્વાસમાં લીધા હતા અને આવાસ યોજનાનું ફોર્મ ભરાવી રૂ.૯૦ હજાર વસૂલ્યા હતા. બદલામાં મનપાના નામે નકલી સ્ટેમ્પ મારેલી પહોંચ આપી હતી. આરોપીએ આ જ મોડસ ઓપરેન્ડી અપનાવી ભરત ભટ્ટ, સુભાષકુમાર શાહ, મોહનભાઈ જાદવ, મુકેશભાઈ રાણા, ચંદ્રકાંત ચુડાસમા સહિત અનેક ગરીબ પરિવારો પાસેથી આવાસ, ગેસ કનેક્શન, પાણી કનેક્શન અને અન્ય વહીવટી પ્રક્રિયાના બહાને લાખો રૂપિયા પડાવ્યા હતા. લોકોને વિશ્વાસમાં લેવા માટે તેણે મનપાના અસલી દસ્તાવેજ જેવા દેખાતા નકલી એલોટમેન્ટ લેટર, પહોંચો અને નોટરાઇઝ્ડ વેચાણ કરારો પણ તૈયાર કર્યા હતા.
પછી જ્યારે અરજદારોએ આવાસ ફાળવણી અંગે તપાસ કરી ત્યારે કોઈપણ પ્રકારની ફાળવણી ન થઈ હોવાનું સામે આવતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. પોલીસ તપાસ દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાના આવાસ યોજના વિભાગના આસિસ્ટન્ટ મેનેજર દીપેનભાઈ ડોડિયાએ લેખિત અભિપ્રાય આપ્યો હતો કે આરોપી દ્વારા ઉપયોગમાં લેવાયેલા સ્ટેમ્પ અને દસ્તાવેજો મનપાના નથી. મનપાનો સત્તાવાર સ્ટેમ્પ ગોળ હોય છે, જ્યારે આરોપીએ અલગ પ્રકારના નકલી સ્ટેમ્પનો ઉપયોગ કર્યો હતો.
વધુમાં પ્રિન્ટિંગ પ્રેસ સંચાલક પ્રતિક વોરાએ પણ જુબાની આપી હતી કે આરોપીએ તેની દુકાનેથી પ્રિન્ટિંગ કિટ ખરીદી હતી. કેસ દરમિયાન ૩૨ સાક્ષીઓની જુબાની અને સરકારી વકીલ પૂજા એસ. જોષીની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે નોંધ્યું હતું કે આરોપીનું કળત્ય પૂર્વ આયોજિત અને સુનિયોજિત ઠગાઈનું ષડયંત્ર હતું.
કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે ગરીબ અને નબળા વર્ગના લોકોને સરકારી યોજનામાં ઘર અપાવવાના નામે છેતરવા જેવા ગુનાઓ માત્ર કાયદાનો ભંગ નથી, પરંતુ સમાજના વિશ્વાસ પર સીધો પ્રહાર છે. આવા ગુનાઓમાં દાખલારૂપ સજા જરૂરી હોવાનું અવલોકન કરી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જન્મેજય દુષ્યંતભાઈ પાધ્યાએ આરોપીને સાત વર્ષની સખત કેદ સહિત વિવિધ કલમો હેઠળ સજાઓ ફટકારી હતી.
આ ઉપરાંત ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ ૩૫૭(૩) હેઠળ ફરિયાદી અને અન્ય તમામ ભોગ બનનારાઓને છેતરાયેલી રકમની દોઢગણી રકમ ૩૦ દિવસમાં ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે. જો આરોપી આ વળતર ચૂકવવામાં નિષ્ફળ જશે તો તેની સામે કલમ ૪૨૧ મુજબની કાર્યવાહી હાથ ધરવાનો પણ કોર્ટે આદેશ કર્યો છે.આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ પૂજાબેન જોષી રોકાયા હતા.
પૂજા બેન જોષી-સરકારી વકીલ
(2:15 PM IST)










