તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th May 2026
મિતલબેન પીઠવાને શંકાશીલ પતિની દારૂ પી મારકુટઃ સાત વખત ઘરમાંથી કાઢી મુક્યા!
છ મહિનાથી આશાપુરાનગરમાં માવતરે રહેતી પરિણીતાની પતિ દિલીપ, નણંદ કિરણબેન પરમાર, સસરા નરેન્દ્રભાઇ પીઠવા વિરૂધ્ધ મહિલા પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૨૯: કોઠારીયા રોડ હુડકોમાં સાસરૂ ધરાવતી અને હાલ આશાપુરાનગરમાં છએક મહિનાથી માવતરે રહેતી પરિણીતાએ પતિ, સસરા, નણંદ વિરૂધ્ધ ત્રાસની ફરિયાદ નોંધાવી છે. પતિ દારૂ પી શંકા કરી મારકુટ કરતો અને ઘરખર્ચના પૈસા ન આપી તેણી સગર્ભા હતી ત્યારે પણ મારકુટ કરી લેતાં તેમજ પાંચ વર્ષમાં સાત વખત ઘરમાંથી કાઢી મુકતાં અને સસરા, નણંદે પણ એકબીજાની ચઢામણી કરી ત્રાસ ગુજાર્યાનો આરોપ મુકાયો છે.
આ બનાવમાં મહિલા પોલીસે હાલ કોઠારીયા રોડ હુડકો ચોકડી આશાપુરાનગર-૧માં છ મહિનાથી માવતરે રહેતાં મિતલબેન દિલીપભાઇ પીઠવા (ઉ.વ.૩૯)ની ફરિયાદ પરથી અરવિંદભાઇ મણીયાર હુડકો ક્વાર્ટર એ-૧૭૭માં રહેતાં તેણીના પતિ દિલીપ પીઠવા, સસરા હરસુખભાઇ તુલસીભાઇ પીઠવા અને નણંદ કિરણબેન રમેશભાઇ પરમાર વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
મિતલબેનના લગ્ન છ વર્ષ પહેલા દિલીપ પીઠવા સાથે થયા છે. તેણીના અને તેના પતિના એમ બંનેના આ બીજા લગ્ન છે. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે લગ્નજીવનથી સંતાનમાં એક દિકરી છે. જે હાલ મારા પતિ સાથે છે. મારા સસરા નિવૃત જીવન જીવે છે અને સાસુ હયાત નથી. ફરિયાદમાં જણાવ્યા મુજબ લગ્ન બાદ શરૂઆતના બે મહિના બધું બરાબર ચાલ્યું હતું, પરંતુ ત્યારબાદ પતિ દિલીપભાઈએ અસલી રંગ બતાવવાનું શરૂ કર્યું હતું. પતિ અવારનવાર દારૂ પીને ઘરે આવતો અને નાની-નાની વાતોમાં ઝઘડા કરી ઢોર માર મારતો હતો. તેમજ છેલ્લા પાંચ વર્ષમાં મિતલબેનને નાની બાબતોમાં ઝઘડો કરી સાતેક વાર ઘરમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા, છતાં ઘર બચાવવા માટે તેઓ દર વખતે સમાધાન કરી લેતા હતા. મિતલબેને આક્ષેપ કર્યો છે કે તેમનો પતિ ઘરખર્ચ માટે પૈસા આપતો ન હતો અને કયાંય બહાર જવા પર પણ પાબંદી લગાવી દીધી હતી. પતિ સતત ચારિત્ર્ય પર શંકા-વહેમ રાખી માનસિક ત્રાસ આપતો હતો.
દરમિયાન મિતલબેન સગર્ભા હતા તે સમયે પણ પતિએ તેમની કોઈ સંભાળ રાખવાને બદલે નિર્દયતાથી માર માર્યો હતો. આ ઉપરાંત પતિ દ્વારા મિતલબેનના પિતા, ભાઈ તેમજ તેમના પ્રથમ લગ્નથી થયેલા દીકરાને પણ જાનથી મારી નાખવાની વારંવાર ધમકીઓ આપવામાં આવતી હતી. મિતલબેનના સસરા હરસુખભાઈઅને મોટા નણંદ કિરણબેન પરમાર સતત પતિ દિલીપભાઈને મિતલબેન વિરૂદ્ધ ચઢામણી કરતા હતા. જેને કારણે ઘરમાં કલેશ અને મારપીટ વધતી જતી હતી.
સાસરીયાઓના આ અસહ્ય શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને મિતલબેન છેલ્લા દોઢ વર્ષથી પતિથી અલગ છ મહિનાથી માવતરે રહે છે. પીએસઆઇ બી. આર. પલ્લાચારીયાએ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
(2:23 PM IST)










