<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

સરકારના ખોળા ખુંદવા અને વ્‍હાલા થવા પ્રજાની ઠેકડી ના ઉડાવો : પ્રજાની માફી માગો

સરસ્‍વતીએ તમને આશીર્વાદ આપ્‍યા છે તો લોકોને રાજી કરો : માયાભાઇ અને કિર્તીદાનને રમેશભાઇ ઝીલરીયાની શાબ્‍દીક ટકોર

રાજકોટ તા. ૯ : ડાયરાના કલાકાર માયાભાઈ અને કિર્તીદાન ગઢવીએ એક ડાયરાના માધ્‍યમથી ગરીબ મધ્‍યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના ઘણા લોકોની લાગણી દુભાઈ છે. માયાભાઇએ  માફી માગી લેવી જોઇએ. તેમ જાગૃત નાગરિક રમેશભાઇ ઝીલરીયાએ એક યાદીમાં જણાવ્‍યુ છે.

રમેશભાઇએ વધુમાં જણાવ્‍યુ છે કે સરકારના અધિકારીઓ અને કર્મચારીઓ જનતાના નોકર જ છે અને તેમને જનતાના ટેક્ષના પૈસાથી જ પગાર મળે છે. સરકારે નાનામા નાની વસ્‍તુ ઉપર પણ જી એસ ટી ટેક્ષ લગાડ્‍યું છે. જેના કારણે દરેક નાગરિક અત્‍યારે ટેક્ષ ભરે છે.

રાજકોટ ખાતે સૌની યોજના લોકાર્પણ કાર્યક્રમ વખતે ડાયરાનુ આયોજન કરવામાં આવ્‍યું હતુ. જેમાં માયાભાઈ ૩.૫૦ લાખ રૂપિયા અને કિર્તીદાન ગઢવીએ બે ડાયરાના ૧૦ લાખ રૂપિયા લીધા હતા એવી માહિતી  આર.ટી.આઈ દ્વારા મળી છે. જેનાથી ફલિત થાય છે કે ડાયરા કલાકારોના ઘર પણ પ્રજાના ટેક્ષના પૈસાથી જ ચાલે છે.

અત્‍યારે સરકાર એટલો બધો ટેક્ષ ગરીબ અને મધ્‍યમ વર્ગના લોકો પાસેથી ઉઘરાવે છે જે શેરડીના સાંઠાને નીચોવી રસ કાઢે એમ પ્રજા ને નીચોવી લેવામાં આવે છે. ત્‍યારે તેમની સામે અવાજ ઉઠાવવાના બદલે પ્રજાની ઠેકડી ઉડાવતા આવા લોકોને પ્રજાએ ઓળખવાની જરૂર છે.

આ બન્ને કલાકારોને અમારે એટલે જ કહેવાનું થાય છે કે મા સરસ્‍વતી એ તમને આશીર્વાદ આપ્‍યા છે તો તમારી કલા દ્વારા તમે લોકોને રાજી કરો, આનંદ કરાવો મોજ કરાવો. પરંતુ સરકારના ખોળા ખૂંદવા અને એને વહાલા થવા જનતાની ઠેકડી ના ઉડાવો. આ કળત્‍ય બદલ ઓ બંને કલાકારાએ જાહેર જનતાની માફી માંગવી જોઇએ. તેમ જાગૃત નાગરિક રમેશભાઈ ઝીલરીયા (મો.૮૭૫૮૮ ૦૬૦૯૭)એ યાદીના અંતમાં જણાવ્‍યુ છે.

(2:46 PM IST)