News of Wednesday, 7th October 2026
મોદીજી : સત્તાના સિંહાસન પર નહીં, લોકોના હૃદય પર રાજ
ગુજરાતથી ગ્લોબલ સુધીની મોદીજીની રાષ્ટ્ર સર્વોપરી ગૌરવગાથા : સેવા, સમર્પણ અને સંકલ્પથી કાર્યસિદ્ધિનાં ૨૫ વર્ષ : રાજુભાઇ ધ્રુવ મોદીજીની મુખ્યમંત્રીથી પ્રધાનમંત્રી સુધીની અવિસ્મરણીય અભૂતપૂર્વ સફર : છેવાડાના માનવીના આંસુ લૂછતા લોકાભિમુખ શાસનના સળંગ સેવાના ગૌરવશાળી અઢી દાયકા અશાંત વિશ્વ વચ્ચે અડીખમ શક્તિશાળી ભારત : જનસેવા અને સુશાસનના શ્રેષ્ઠ શિખર પર લોકનાયક નરેન્દ્રભાઈ મોદીના ઐતિહાસિક ૨૫ વર્ષ દેશની એકતા, અખંડિતતાના આરાધક દીર્ઘદ્રષ્ટા લોકનાયક નરેન્દ્રભાઈ મોદીને જાહેરજીવનના ૨૫ વર્ષ પૂર્ણ થવા પર અનંત શુભેચ્છાઓ સહ અઢળક અભિનંદન

રાજકોટ : દેશના ૧૪૦ કરોડ લોકોના હૃદય સિંહાસન પર રાજ કરી રહેલા, ગુજરાતના પનોતા પુત્ર અને વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા, આપણા સૌના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે જાહેર જીવનમાં સતત શાસન અને સેવાના ઐતિહાસિક ૨૫ વર્ષ પૂર્ણ કર્યા છે. એક જનપ્રતિનિધિ તરીકે સતત અઢી દાયકા સુધી સત્તાના માધ્યમથી જનસેવા કરવાની આ ગૌરવશાળી સિદ્ધિ બદલ પ્રદેશ ભાજપના આગેવાન અને કારોબારી સભ્ય શ્રી રાજુભાઈ ધ્રુવે તેમને કોટી કોટી અભિનંદન અને અનંત શુભેચ્છાઓ પાઠવી છે.
તેઓએ જણાવેલ કે, ‘‘૧૩ વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને ત્યારબાદ ૧૨ વર્ષ સુધી ભારતના પ્રજાવત્સલ વડાપ્રધાન તરીકે એમ સતત ૨૫ વર્ષ સુધી કોઈ લોકતાંત્રિક નેતાને દેશના કરોડો લોકો તરફથી અવિરત તોહ અને અપાર સમર્થન મળતું રહે, તે માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વૈશ્વિક લોકશાહીના ઇતિહાસમાં એક અત્યંત વિરલ અને અદભુત ઘટના છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની છેલ્લા અઢી દાયકાની આ રાજકીય કારકિર્દી માત્ર શાસનના આંકડા નથી, પરંતુ કરોડો ભારતીયોના અતૂટ વિશ્વાસ અને આશીર્વાદની મૂડી છે. તાજેતરમાં જ લોકસભાની ચૂંટણીમાં પ્રજાનો સ્પષ્ટ જનાદેશ મેળવીને તેમણે સતત સૌથી વધુ સમય સુધી સેવા આપનારા લોકતાંત્રિક રીતે ‘ચૂંટાયેલા' વડાપ્રધાન બનવાનો ઐતિહાસિક રેકોર્ડ પણ સ્થાપ્યો છે.''
રાજુભાઈ ધ્રુવે વડાપ્રધાનશ્રીની વૈશ્વિક લોકપ્રિયતા અંગે વાત કરતા કહ્યું છે કે,‘‘જ્યારે વિશ્વના મોટા ભાગના નેતાઓ પોતાની લોકપ્રિયતા જાળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, ત્યારે નરેન્દ્રભાઈ મોદી ‘ર્મોનિંગ કન્સલ્ટ'ના તાજેતરના સર્વેમાં ૭૧%ના તોતિંગ એપ્રુવલ રેટિંગ સાથે વિશ્વના તમામ દિગ્ગજ નેતાઓને પાછળ રાખી દઈને શિખર પર બિરાજમાન છે. આ તેમની અવિરત લોકસેવા અને મજબૂત રાજકીય ઈચ્છાશક્તિનું જ પરિણામ છે.''
સતત ૨૫ વર્ષની આ સફરને ‘સુશાસન થી લોકસેવા'ની યાત્રા ગણાવતા રાજુભાઈ ધ્રુવે તેમના ગુજરાતના કાર્યકાળને યાદ કરતા જણાવ્યું કે, ‘‘સતત ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે એક શ્રેષ્ઠ મોડેલ પૂરું પાડ્યું હતું. ગુજરાતને ૨૪x૭ વીજળી આપતી ‘જ્યોતિગ્રામ યોજના', સિંચાઈ અને પીવાના પાણી માટે નર્મદા કેનાલનું ભગીરથ નેટવર્ક અને ઔદ્યોગિક વિકાસનું એવું મોડેલ આપ્યું કે જેણે આખા દેશનું ધ્યાન ખેંચ્યું. એક સ્થાયી શાસન દ્વારા પ્રદેશ અને દેશનો કેવો કલ્પનાતીત વિકાસ સાધી શકાય તેનું શ્રેષ્ઠ ઉદાહરણ તેમણે દુનિયા સમક્ષ સ્થાપિત કર્યું છે.''
કેન્દ્રમાં વડાપ્રધાન તરીકેની તેમની સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, ‘‘નરેન્દ્રભાઈનું શાસન માત્ર સત્તાનું સંચાલન નથી, પરંતુ છેવાડાના માનવીના આંસુ લૂછવાનો એક પવિત્ર યજ્ઞ છે. તેમણે અમલમાં મૂકેલી યોજનાઓએ આજે ભારતના સામાજિક માળખામાં ક્રાંતિકારી બદલાવ આણ્યો છે. ‘જન ધન યોજના'થી કરોડો ગરીબોને ઝીરો બેલેન્સથી બેંકિંગ સિસ્ટમ સાથે જોડ્યા,‘પ્રધાનમંત્રી આવાસ યોજના' થકી લાખો નિરાધારોને પાકા મકાનની ભેટ આપી અને ‘ઉજ્જવલા યોજના' દ્વારા ૫ કરોડથી વધુ માતા-બહેનોને ચૂલાના ધુમાડામાંથી મુક્તિ અપાવી. ગરીબ માણસ બીમારીમાં દેવાદાર ન બને તે માટે ‘આયુષ્માન ભારત યોજના' થકી ૫ લાખ રૂપિયા સુધીની મફત સારવારની ગેરંટી આપી. ખેડૂતોને માત્ર મતબેંક ન ગણતા ‘પીએમ કિસાન સન્માન નિધિ' હેઠળ સહાય અને ‘વન નેશન વન રાશન કાર્ડ'તથા ‘નલ સે જલ' જેવી યોજનાઓ મારફતે નાગરિકોની પાયાની જરૂરિયાતો પૂરી કરી છે.''
આધુનિક ભારતના નિર્માણ અંગે રાજુભાઈ ધ્રુવે ઉમેર્યું કે,‘‘આજે UPIની રજૂઆતથી ભારત વિશ્વનું સૌથી મોટું ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમ બની ગયું છે. શેરીમાં શાકભાજી વેચતા સામાન્ય વિક્રેતાઓથી લઈને મોટા શોરૂમ સુધી કેશલેસ વ્યવહારો સુલભ બન્યા છે. મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત અને GST જેવા સુધારાઓએ ભારતના અર્થતંત્રને નવી ગતિ આપી છે. દેશમાં લગભગ ૧.૪૬ લાખ કિલોમીટરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો બન્યા છે, રેલવેનું વ્યાપક વીજળીકરણ થયું છે,‘વંદે ભારત' જેવી આધુનિક ટ્રેનો દોડી રહી છે અને ‘ઉડાન' યોજનાથી સામાન્ય માનવી માટે હવાઈ મુસાફરી શકય બની છે.''

(11:42 AM IST)










