<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

વધુ એક કૂટણખાનાનો પર્દાફાશઃ દિલ્‍હી, નોઇડા, રાજકોટની યુવતિઓ પાસે કરાવાતો હતો દેહવેપલો

અમીન માર્ગ પર રાધે વન કોમ્‍પલેક્ષના ત્રીજા માળે ધ મૂન લાઇટ સ્‍પામાં દરોડો માલવીયાનગર પીઆઇ જે. એમ. કૈલા, પીએસઆઇ મારૂ અને ટીમની કેતનભાઇની બાતમીથી કાર્યવાહીઃ મેનેજર કિંજલ દેસાઇ, માલિક નરેન્‍દ્ર ચાવડા વિરૂધ્‍ધ ગુનો નોંધાયો


 

રાજકોટ તા. ૨: શહેરમાં વધુ એક વખત સ્‍પાની આડમાં ચાલતાં દેહવેપલાનો પર્દાફાશ થયો છે. માલવીયાનગર પોલીસે અમીન માર્ગ પર રાધે વન કોમ્‍પલેક્ષમાં ત્રીજા માળે ધી મૂન લાઇટ સ્‍પામાં દરોડો પાડી કૂટણખાનુ ઝડપી લઇ મેનેજર કમ ટેલીકોલર મહિલાને પકડી લીધી હતી. સ્‍પાના માલિક હાજર ન હોઇ તેની શોધખોળ થઇ રહી છે. આ સ્‍પામાં ગ્રાહક પાસેથી રૂપિયા એક હજાર એન્‍ટ્રી ફીના વસુલી બાદમાં શરીર સંબંધ બાંધવાના ચાર હજાર રૂપિયા વસુલાતા હતાં. અહિ યુપી-નોઇડા, દિલ્‍હી, રાજકોટની પાંચ લલનાઓ રાખી દેહવ્‍યાપાર કરાવાતો હતો.

જાણવા મળ્‍યા મુજબ માલવીયાનગર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે એએસઆઇ કેતનભાઇ શેખલીયાને બાતમી મળી હતી કે  અમીન માર્ગ પર આવેલા ‘રાધે વન કોમ્‍પ્‍લેક્ષ'ના ત્રીજા માળે ચાલી રહેલા ધી મૂન લાઈટ સ્‍પામાં કૂટણખાનુ ચાલે છે. આથી ડમી ગ્રાહકને મોકલી દરોડો પાડવામાં આવ્‍યો હતો. પોલીસે કાઉન્‍ટપર બેઠેલી મહિલાની પુછતાછ કરતાં પોતાનું નામ કિંજલબેન કિશોરભાઇ દેસાઇ (ઉ.વ.૨૬-રહે. કોઠારીયા રોડ) જણાવ્‍યું હતું અને પોતે આ સ્‍પામાં મેનેજર કમ ટેલીકોલર તરીકે નોકરી કરતી હોવાનું કહ્યું હતું અને સ્‍પાના માલિક નરેન્‍દ્ર એન ચાવડા હોવાનું અને તે હાજર નહિ હોવાનું કહ્યું હતું.  પોલીસે રૂમમાંથી કઢંગી હાલતમાં મળેલી યુવતિની પુછતાછ કરતાં તોતે રાજકોટમાં જ રહેતી હોવાનું અને પોતાની પાસે મેનેજર કિંજલબેન અને સ્‍પા માલિક નરેન્‍દ્ર  ચાવડા ગ્રાહકો મોકલે છે તેમ કબુલ્‍યું હતું. આ બંને ગ્રાહક પાસેથી એન્‍ટ્રી ફીના ૧ હજાર અને બાકીના ૪ હજાર શરીર સંબંધ બાંધવાના વસુલે છે. જેમાંથી પોતાને ૧૦૦૦ પોતાને આપી બાકીના આ બંને રાખી લે છે તેમ પણ તેણીએ કબુલ્‍યું હતું.

પોલીસે અન્‍ય રૂમમાં તપાસ કરતાં ત્‍યાંથી પણ ચાર યુવતિઓ મળી આવી હતી તેણે પણ આ વિગતો જણાવી હતી. આ યુવતિઓમાં મુળ નોઇડા, મણીપુર, દિલ્‍હીની યુવતિઓ હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલિક, ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરીની સુચના અંતર્ગત પીઆઇ જે. એમ. કૈલા, પીએસઆઇ  કે. ડી. મારૂ, એએસઆઇ કેતનભાઇ શેખલીયા,  કેતનભાઇ નિકોલા, હેડકોન્‍સ. કૃણાલસિંહ ઝાલા, સારંગભાઇ ઓગાણીયા, કોન્‍સ. મનિષભાઇ સોઢીયા, સુનિતાબેન વાઘેલા, નીશાબેન બરાસરાએ આ કામગીરી કરી હતી.

(2:24 PM IST)