<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th October 2026

અલ્‍પેશ દોંગા ગેંગનું વધુ એક કોૈભાંડઃ ખેડૂતને ૯ લાખની લોન આપી કરોડોની જમીન પડાવીઃ વધુ ૧ કરોડ માંગ્‍યા

સોશિયલ મિડીયામાં જેની જાહેરાતો વહેતી કરી હતી શ્રી મની પ્‍લસ શરાફી સહકારી મંડળી જ બોગસ નીકળી!: પડધરી પછી હવે રાજકોટ ડીસીબીમાં ગુનો દાખલ : સણોસરાના ખેડૂત લાલજીભાઇ ફાંગલીયાને તબેલો કરવા લોન લેવી હતીઃ તેની ગ્રામીણ બેંકમાં લોન ચાલુ હોવા છતાં અલ્‍પેશે સાગરીત જીતેન્‍દ્ર નસીત પાસેથી દોઢ ટકા વ્‍યાજે પૈસા લાવી, તેમાં પોતાનું ૧ ટકો કમિશન રાખી લાલજીભાઇને અઢી ટકા વ્‍યાજે આપ્‍યાઃ ખેડૂતે આ તમામ રકમ વ્‍યાજ સહિત ચુકવી દીધી છતાં દસ્‍તાવેજ રદ ન કર્યોઃ પરવાનાવાળુ હથીયાર બતાવી ધમકીઃ બે આરોપી જીતેન્‍દ્ર નશીત અને હરેશ કાંટાવાળાની ધરપકડઃ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ભરત બસીયાએ વિગતો જણાવી : ૯ લાખ સામે ખેડૂતે ૧૩.૮૯ લાખ ચુકવ્‍યા છતાં સિક્‍યુરીટી પેટે કરી આપેલો જમીનનો દસ્‍તાવેજ રદ્દ ન કર્યોઃ રદ્દ કરવા એક કરોડ દેવા પડશે નહિતર લેન્‍ડ ગ્રેબીંગનો કેસ થશે તેવી ધમકી પણ દીધીઃ પીઆઇ એ. એસ. ચાવડ, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ, પીએસઆઇ સી. બી. જાડેજા અને ટીમ દ્વારા તપાસનો ધમધમાટ

અલ્‍પેશ દોંગાના કારસ્‍તાન મામાલે હવે રાજકોટ ડીસીબીમાં ગુનો નોંધાયો છે. જેની વિગતો જણાવતાં ડીસીપી જગદીશ બાંગરવા, સાથે પીઆઇ એ. એસ. ચાવડા, પીએસઆઇ સી. બી. જાડેજા અને બે આરોપી જીતેન્‍દ્ર નશીત તથા હરેશ કાંટાવાળા જોઇ શકાય છે (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૫: રાજકોટ-અમદાવાદમાં કોલ સેન્‍ટરો ખોલી અલગ અલગ ખેડૂતોને લોન માટેના ફોન કરી લોન અપાવાવના બદલામાં ખેડૂતોની કરોડોની જમીન-મિલ્‍કતો ખાઇ જનારા કોૈભાંડી અલ્‍પેશ દોંગા વિરૂધ્‍ધ રાજકોટ રૂરલ પોલીસ દ્વારા ચાલી રહેલી કાર્યવાહી વચ્‍ચે હવે રાજકોટ શહેર ડીસીબી પોલીસ સ્‍ટેશનમાં પણ ખેડૂતને લોન આપવાના નામે તેની કરોડોની જમીનનો દસ્‍તાવેજ પડાવી લેવાનો ગુનો દાખલ થયો છે. ખેડૂતને  રૂા. ૯ લાખ અઢી ટકા લેખે વ્‍યાજે આપી તેના આધાર તરીકે ખેડૂતની કરોડોની જમીનનો દસ્‍તાવેજ મની પ્‍લસ શરાફી સહકારી મંડળીમાંથી લોન અપાવવાના બહાને કરાવ્‍યો હતો. પરંતુ આ મંડળી જ બોગસ નીકળતાં મંડળીના સંચાલક અલ્‍પેશ દોંગા તથા ઇન્‍વેસ્‍ટરો સામે ગુનો દાખલ કરી બે આરોપીને પકડી લેવાયા છે.

આ બનાવમાં ડીસીબી પોલીસ સ્‍ટેશન દ્વારા રાજકોટના સણોસરા ગામે રહેતાં લાલજીભાઇ મેપાભાઇ ફાંગલીયા (ઉ.વ.૩૮) નામના ખેડૂતની ફરિયાદ પરથી અલ્‍પેશ ગોપાલભાઇ દોંગા, જીતેન્‍દ્ર મનસુખભાઇ નશીત અને હરેશ કાટાવાળાની સામે ગુનો દાખલ કરાયો છે. આ ત્રણેયએ પુર્વયોજીત કાવત્રુ રચી તેના ભાગ રૂપે મની પ્‍લસ શરાફી સહકારી મંડળી બનાવી હતી. જેની નોંધી જીલ્લા રજીસ્‍ટ્રાર સહકારીમંડળી રાજકોટ પાસે કરાવી હતી. તે વખતે પરિશિષ્‍ટ ફોર્મમાં પોતાના સીહત અન્‍ય ૧૦ પ્રયોજકોના નામ સરનામા દસ લોકોની જાણ બહાર લખી તેઓની બનાવટી સહીઓ કરી તે ડોક્‍યુમેન્‍ટ સાચા તરીકે રજીસ્‍ટ્રાર પાસે રજૂ કરી દઇ મંડળી ચાલુ કરી દીધી હતી. આ પછી પોતાના પાસે કે મળતીયા રોકાણકારો પાસે ધીરધારનું લાયસન્‍સ ન હોવા છતાં જરૂરીયાતમંદ ખેડૂતોને લોન સરળતાથી મળશે તેવી સોશિયલ મિડીયામાં જાહેરાતો ફરતી કરી હતી.

સણોસરાના ખેડૂત લાલજીભાઇ ફાંગલીયાને તેમની જમીન ઉપર ગ્રામીણ બેંકની લોન ચાલુ હોઇ લોન મળી શકે તેમ ન હોઇ તેમને તબેલો બનાવવો હોઇ અલપેશ દોંગાની મંડળીમાંથી લોન લેવા સંપર્ક કરતાં તેણે જીતેન્‍દ્ર નશીત પાસેથી ૧૦ ટકા વ્‍યાજે રૂપિયા લઇ તે પૈસામાં પોતાનું ૧ ટકા કમિશન દલાલી તરીકે રાખી ખેડૂત લાલજીભાઇને રૂા. ૯ લાખ અઢી ટકા લેખે  લોનના બહાને વ્‍યાજે આપી તેના આધાર (સિક્‍યુરીટી પેટે) ખેડૂતની રાજકોટના ખોરાણા ગામે રેવન્‍યુ સર્વે નં. ૪૪ પૈકી ૩/૧ની ૪ એકર જમીન પૈકીનો બે એકર જમીનનો દસ્‍તાવેજ આરોપી જીતેન્‍દ્ર નશીતના નામે કરાવી લેવાયો હતો. આ પછી ખેડૂતે પોતે લીધેલી લોન વ્‍યાજ સહિત ચુકવી દીધી હોવા છતાં અલ્‍પેશ દોંગા સહિતનાએ દસ્‍તાવેજ રદ કરી ન આપી વધુ ૧ કરોડની માંગણી કરી ડરાવી ધમકામવી હરેશ નામના શખ્‍સે લાયસન્‍સવાળુ હથીયાર બતાવી એક કરોડની માંગણી કરી હતી.  ડીસીબી પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઈ. સી.બી. જાડેજાએ શ્રી મની પ્‍લસ શરાફી સહકારી મંડળીના પ્રમુખ અલ્‍પેશ ગોપાલભાઈ દોંગા, તેના સાગરીત જીતેન્‍દ્ર મનસુખભાઈ નસીત (રહે. મારૂતીનગર-૩, સરદાર પટેલ કોલોની, રાજકોટ) અને હરેશ કાંટાવાળા (રહે. રાજકોટ) વિરૂધ્‍ધ ગુનાહિત કાવતરૂ, છેતરપિંડી, બળજબરીથી પૈસા પડાવવા અને હથિયાર બતાવી ધમકી આપવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 ફરિયાદી લાલજીભાઈના જણાવ્‍યા મુજબ આજથી પાંચેક વર્ષ પહેલાં તેમને તબેલો બનાવવા માટે નાણાંની જરૂરિયાત ઊભી થઈ હતી. આથી તેમના મિત્ર પરેશભાઈ ઠુંમરના કહેવાથી તેઓ નાના મવા સર્કલ પાસે આવેલી અલ્‍પેશ દોંગાની ફાઈનાન્‍સ ઓફિસે ગયા હતા. કોઈ અન્‍ય આધાર-પુરાવા ન હોવાનું જણાવતાં અલ્‍પેશ દોંગાએ તેમની ખોરાણા ગામની સર્વે નંબર ૪૪ પૈકી ૩/૧ ની ૪ એકર જમીનના ૭/૧૨ અને ૮-અ ના ઉતારા મંગાવ્‍યા હતા. ત્‍યારબાદ અલ્‍પેશે રૂ. ૧૨ લાખની જગ્‍યાએ રૂ. ૯ લાખની લોન અઢી ટકા વ્‍યાજે મંજૂર કરવાનું કહી સિકયુરિટી ડિપોઝિટ તરીકે જમીનનો દસ્‍તાવેજ પોતાના માણસોના નામે કરી આપવા જણાવ્‍યું હતું. સબ રજીસ્‍ટ્રાર કચેરીમાં પૂછપરછ દરમિયાન વેચાણ અંગે ‘હા' પાડવા અને લોન બોલે છે તેમ ન કહેવા દબાણ કરાયું હતું. નાણાંની ખુબ જરૂરિયાત હોવાથી લાલજીભાઈએ તેમના પર વિશ્વાસ રાખી સબ રજીસ્‍ટ્રાર રૂબરૂ વેચાણ કબૂલ્‍યું હતું.

અલ્‍પેશ દોંગાના કથન મુજબ લાલજીભાઈએ પોતાની ૪ એકર જમીનમાંથી ૨ એકર જમીન જીતેન્‍દ્ર મનસુખભાઈ નસીતના નામે  (વેચાણ દસ્‍તાવેજ નં. ૫૭૪૦/૨૦૨૧, તા. ૦૮/૧૦/૨૦૨૧)થી અને બાકીની બે એકર જમીન પરસોતમભાઈ હંસરાજભાઈ લુણાગરીયા (રહે. અલકાપાર્ક શેરી નં. ૩, સંતકબીર રોડ, રાજકોટ)ના નામે (વેચાણ દસ્‍તાવેજ નં. ૫૭૪૪/૨૦૨૧, તા. ૧૮/૧૦/૨૦૨૧) કરી આપી હતી. આ બંને દસ્‍તાવેજોના બદલામાં બંનેના બેંક એકાઉન્‍ટમાંથી રૂ. ૪-૪ લાખના ચેક અને રૂ. ૧ લાખ રોકડા મળી કુલ રૂ. ૯ લાખ લાલજીભાઈને ચુકવવામાં આવ્‍યા હતા.

દસ્‍તાવેજો થયા બાદ જ્‍યારે ઈ-ધારા શાખામાં નોંધણી માટે અરજી થઈ, ત્‍યારે ઈ-ધારાના અધિકારીએ લાલજીભાઈને એકલા બોલાવી પુછપરછ કરી હતી. લાલજીભાઈએ આ જમીન લોનની સિકયુરિટી પેટે આપી હોવાનું જણાવતાં અધિકારીએ ૭/૧૨ના રેકર્ડમાં ખરીદદારોની કાચી નોંધ પાડી નહોતી, જેથી રેવન્‍યુ રેકર્ડમાં જમીન લાલજીભાઈના નામે જ બોલતી રહી હતી.

બે વર્ષ પછી લાલજીભાઈએ પોતાની આ જમીન એક એકરના રૂ. ૩૫ લાખ લેખે કુલ રૂ. ૧.૪૦ કરોડમાં જેરામભાઈ નારાયણભાઈ અમીપરાને વેચવાનો સોદો કરી રૂ. ૧૫ લાખ એડવાન્‍સ લીધા હતા. લોન ચુકવવા માટે તેઓ અલ્‍પેશ દોંગાની ઓફિસે ગયા ત્‍યારે અલ્‍પેશે તેના કર્મચારી હાર્દિકભાઈ પાસે હિસાબ કરાવ્‍યો હતો. હિસાબ મુજબ ઉપાડ રૂ. ૯,૦૦,૦૦૦, વ્‍યાજ જમા રૂ. ૮૦,૦૦૦ અને અન્‍ય રૂ. ૬૫,૦૦૦ ગણીને તા. ૦૧/૦૪/૨૦૨૩ ના રોજ કુલ રૂ. ૧૩,૮૭,૨૯૯  ભરવાના બતાવતા લાલજીભાઈએ આ તમામ રકમ રોકડેથી ચુકવી આપી હતી અને ડાયરીમાં સહી-સિક્કા કરાવ્‍યા હતા. પૈસા મળી જતાં પરસોતમભાઈ લુણાગરીયાએ તા. ૦૩/૦૪/૨૦૨૫ ના રોજ દસ્‍તાવેજ રદ (દસ્‍તાવેજ નં. ૨૩૨૮/૨૦૨૫) કરી આપ્‍યો હતો.

ત્‍યારબાદ ફરિયાદી લાલજીભાઈએ આ જમીન મૂળ સોદા મુજબ ખરીદનાર જેરામભાઈના પુત્ર ભરતભાઈ અમીપરાના નામે કરી આપી હતી, જેની રેવન્‍યુ નોંધ નં. ૭૨૯૧/૨૦૨૩ તા. ૨૭/૦૬/૨૦૨૩ ના રોજ નાયબ મામલતદાર દ્વારા પ્રમાણિત પણ થઈ ગઈ હતી. પરંતુ બીજી તરફ જીતેન્‍દ્ર નસીતે ૨ એકર જમીનનો દસ્‍તાવેજ રદ કરવાને બદલે કોર્ટમાં કેસ કરી દીધો હતો. લાલજીભાઈએ અલ્‍પેશ દોંગાને વાત કરતાં તેણે ટોકન લીધું છે પણ રદ નથી થયું તેમ કહી ટાળવાનો પ્રયાસ કર્યો હતો.

ત્‍યારબાદ જીતેન્‍દ્ર નસીતના ભાગીદાર હરેશ કાંટાવાળાએ લાલજીભાઈને પોતાની ઓફિસે બોલાવ્‍યા હતા. ત્‍યાં પોતાનું લાયસન્‍સવાળું હથિયાર બતાવી ડરાવીને જણાવ્‍યું હતું કે ૅજો દસ્‍તાવેજ રદ કરવો હોય તો રૂ. ૧ કરોડ આપવા પડશે, નહીંતર તમારી જમીનનો દસ્‍તાવેજ રદ નહીં કરીએ અને લેન્‍ડ ગ્રેબિંગમાં કેસ કરી જમીનનો કબજો લઈ લેશું. બીજી મુલાકાતમાં પણ રૂ. ૬૫ લાખ આપવા માટે ભારે દબાણ કરવામાં આવ્‍યું હતું.

પોલીસ તપાસ દરમિયાન એવું પણ સામે આવ્‍યું છે કે અલ્‍પેશ ગોપાલભાઈ દોંગાએ જિલ્લા રજીસ્‍ટ્રાર સહકારી મંડળીઓ (રાજકોટ) પાસે અન્‍ય ૧૦ વ્‍યક્‍તિઓની જાણ બહાર તેમની બનાવટી સહીઓ કરી શ્રી મની પ્‍લસ શરાફી સહકારી મંડળી લિમિટેડનું બોગસ રજીસ્‍ટ્રેશન પ્રમાણપત્ર મેળવ્‍યું હતું. કોઈપણ જાતનું ધીરધારનું લાયસન્‍સ ન હોવા છતાં, અલ્‍પેશ દોંગા પોતાના સાગરીત જીતેન્‍દ્ર નસીત પાસેથી દોઢ ટકા વ્‍યાજે પૈસા લાવી, તેમાં પોતાનું ૧ ટકો કમિશન રાખી ખેડૂતોને અઢી ટકા વ્‍યાજે આપતો હતો અને સિકયુરિટીના બહાને કિંમતી જમીનો પોતાના મળતિયાઓના નામે લખાવી લેતો હતો.

અલ્‍પેશ દોંગા સામે અગાઉ પડધરી પોલીસ સ્‍ટેશનમાં પણ આ જ પ્રકારનો ગુનો દાખલ થયેલ છે. પડધરી પોલીસે અલ્‍પેશના ભોગ બનનાર અન્‍ય ખેડૂતોને પણ આગળ આવી ફરિયાદ કરવા અપીલ કરી હતી, જેના પગલે લાલજીભાઈ ફાંગલીયાએ સામે ચાલીને રાજકોટ ડીસીબી પોલીસ સ્‍ટેશનમાં પહોંચી ફરિયાદ નોંધાવી હતી. જેની વિગતો ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવી હતી.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલિકની સુચના અંતર્ગત આ કેસમાં હાલ બે આરોપી જીતેન્‍દ્ર નશીત અને હરેશ કાંટાવાળાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.  એસીપી ભરત બી. બસીયાની રાહબરીમાં પીઆઇ એ. એસ. ચાવડા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ, પીએસઆઇ સી. બી. જાડેજા, એએસઆઇ જનકભાઇ કુગશીયા, મહેશભાઇ સોલંકી, હેડકોન્‍સ. પ્રતિકસિંહ રાઠોડ, સંજયભાઇ અલગોતર, નિકુંજભાઇ પટેલ વધુ તપાસ કરી રહ્યા છે.

(3:14 PM IST)