તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Sunday, 23rd August 2026
ઓનલાઈન શેરબજારમાં રોકાણની લાલચમાં રાજકોટમાં વધુ એક છેતરપીંડી: ૧૧ લાખની છેતરપીંડી
શરૂઆતમાં રૂા.પાંચ હજારનું રોકાણ કરાવી વળતર આપ્યા પછી લાખો ઉસેડી લીધા: સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ

રાજકોટ: શેરબજારમાં રોકાણ પર વળતરના નામે સાયબર ફ્રોડનો વધુ એક બનાવ નોંધાયો છે. રાજકોટમાં રહેતા યુવાનને ફેસબુકના માધ્યમથી શેરબજારમાં રોકાણ કરી સારા વળતરની લાલચ આપી સાયબર ઠગોએ ત્રણ મહિના સુધી અલગ-અલગ સમયે નાણાનું રોકાણ કરાવ્યા બાદ વળતર સાથે નાણા પાછા નહી આપી રૂા.૧૧ લાખની છેતરપીંડી કર્યાની ફેસબુક આઈડી ધારક, લીંક મોકલનાર અને બે એકાઉન્ટ ધારક સામે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
બનાવની જાણવા મળેલી વિગતો મુજબ ફરિયાદમાં યુવાને જણાવ્યુ છે કે, ત્રણ મહિના પહેલા તેણે મોબાઈલમાં ફેસબુકમાં અપના બજાર નામના પેઈજમાં ‘શેરબજારમાં રોકાણ કરો' તેવી જાહેરાત જોઈ હતી. જેમાં નાણાના રોકાણપર અઠવાડીયે, પાંચ ટકા, સાત ટકા અને ત્રણ ટકા વળતર મળશે તેવી અલગ-અલગ સ્કીમો હતી. તેણે સ્કીમ ઓપન કરતાં આરોપીએ તેને આઈ.ડી. બનાવી આપ્યા બાદ એક લીંક મોકલી આપી હતી. ત્યાર બાદ તેણે શરૂઆતમાં રૂા.૫ હજારનું રોકાણ કર્યું હતું. તેમાં વળતર સહિતની રકમ મળી હતી. આ પછી તેણે અલગઅલગ સમયે એક મહિના સુધી આ સ્કીમમાં નાણાનું રોકાણ કરાવ્યા બાદ તેને વળતર ચૂકવી આરોપીઓએ તેનો વિશ્વાસ કેળવ્યો હતો.
આ પછી આરોપીઓએ તેની પાસે અલગ-અલગ સમયે બે એકાઉન્ટમાં રૂા. ૧૧ લાખ જેટલી રકમ જમા કરાવી લીધી હતી. થોડા દિવસ પહેલા તે રકમ ઉપાડવા જતા વિડ્રો ન થતાં તેને શંકા ગઈ હતી. જેથી તેણે સ્કીમમાં આપેલા ટોલ ફ્રી નંબર પર કોલ કરતા 'તમારી ડીપોઝીટ વળતર સાથેના નાણા પરત જોતા હોય તો એકાઉન્ટ કલોઝ કરો તમને રકમ પરત મળી જશે.' તેમ જણાવતા તેણે કલોઝ કર્યા બાદ રકમ નહી મળતા છેતરપીંડી થઈ હોવાની ખબર પડતા તેણે સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કરતા પોલીસે ફેસબુક આઈડી ધારક, લીંક આપનાર અને બે એકાઉન્ટ ધારક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(9:54 AM IST)










