<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st May 2026

વસ્‍તી ગણતરી તાલીમમાં ગેરહાજર ૧ હજારથી વધુ કર્મચારીઆને નોટીસોઃફફડાટ

ફરજીયાત કામગીરીમાં ગેરહાજરી બદલ ખુલાસો માંગાયોઃ દંડથી લઈને ત્રણ વર્ષની સજાની જોગવાઈઃ તા.૧થી ડોર-ટુ-ડોર અભિયાન શરૂ થશે

રાજકોટ, તા.૨૧: રાજકોટ શહેરમાં આગામી તા.૧થી શરૂ થનારી વસ્‍તી ગણતરીની કામગીરીને લઈને મહાપાલિકા સહિત વિવિધ સરકારી કચેરીઓના કર્મચારીઓને તાલીમ આપવાનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે. આ મહત્‍વપૂર્ણ અને ફરજીયાત કામગીરીમાં હાજરી ન આપનારા કર્મચારીઓ સામે હવે તંત્ર સખત વલણ અપનાવી રહ્યું છે. ગેરહાજર રહેલા કોર્પોરેશનના કર્મચારીઓને નોટીસ ફટકારવાની કાર્યવાહી શરૂ થતાં કર્મચારીઓમાં ફફડાટનો માહોલ સર્જાયો છે.

મળતી માહિતી મુજબ સોમવારથી બુધવાર દરમિયાન શહેરના ત્રણેય ઝોનમાં તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. રાજકોટ મહાપાલિકાના આશરે ચાર હજાર જેટલા કર્મચારીઓને તાલીમમાં ફરજીયાત જોડાવા માટે અગાઉથી સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત અન્‍ય સરકારી વિભાગોના કર્મચારીઓને પણ વસ્‍તી ગણતરીની કામગીરી માટે માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવી હતી.

પરંતુ તાલીમ દરમિયાન કોર્પોરેશનના અનેક કર્મચારીઓ વિવિધ કારણોસર ગેરહાજર રહ્યા હોવાનું સામે આવ્‍યું છે. આ અંગેનો વિગતવાર અહેવાલ કમિ‘ર વિભાગ સમક્ષ રજૂ કરવામાં આવ્‍યો હતો. ત્‍યારબાદ વિભાગે ગેરહાજર કર્મચારીઓની અલગ યાદી તૈયાર કરીને ઉચ્‍ચ અધિકારીઓને સોંપી હતી.

આ યાદીના આધારે આજે ગેરહાજર રહેલા કર્મચારીઓને નોટીસ પાઠવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. નોટીસમાં કર્મચારીઓ પાસેથી ગેરહાજરી અંગે ખુલાસો માંગવામાં આવ્‍યો છે. વસ્‍તી ગણતરીની કામગીરી કાયદાકીય રીતે આવશ્‍યક અને ફરજીયાત ગણાતી હોવાથી તેમાં બેદરકારી દાખવનાર કર્મચારીઓ સામે કડક કાર્યવાહી થઈ શકે છે.

સૂત્રોના જણાવ્‍યા અનુસાર વસ્‍તી ગણતરીમાં ફરજ પર હાજર ન રહેવા બદલ રૂ.૩૦૦ના દંડથી માંડીને ત્રણ વર્ષની સજા સુધીની જોગવાઈ પણ અમલમાં છે. કર્મચારીઓના જવાબના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે.

ઉલ્લેખનીય છે કે તા.૧થી શહેરમાં ડોર-ટુ-ડોર વસ્‍તી ગણતરી અભિયાન શરૂ થવાનું છે. તે પહેલાં તાલીમનો વધુ એક તબક્કો પણ યોજવામાં આવશે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. 

(3:29 PM IST)