તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 3rd August 2026
વીજપોલના વળતર મૂદે ૪૦૦થી વધૂ ખેડૂતો કલેકટર કચેરીએ ઉમટી પડયાઃ સરકારી ઠરાવનો સામૂહિક બહિષ્કાર
ચારગણુ વળતર આપવા અથવા થાંભલા દીઠ દરમહિને ૫૦ હજાર વળતર આપવાની રજૂઆતો.. કલેકટરને વિસ્તૃત આવેદનઃ સંતોષકારક વળતર મળે તેવો નવો પરિપત્ર જાહેર કરો..

રાજકોટ, તા.૩: વીજપોલના વળતર મૂદે આજે રાજકોટ તાલૂકા ઉપરાંત પડધરી, જસદણ, વીછીંયા તાલૂકા સહિત જીલ્લાભરના ખેડૂતો અને આગેવાનો ઉમટી પડયા હતા. અંદાજે ૩૦૦થી૪૦૦ની સંખ્યામાં આવેલ ખેડૂતોએ સુત્રોચ્ચાર સાથે કચેરી ગજવી મૂકી હતી અને કલેકટરને આવેદન પાઠવ્યું હતું.
રાજકોટ જિલ્લાના ખેડૂતોએ ખેતરોમાંથી પસાર થતા વીજ પોલ અને વીજ રેખા અંગેના સરકારી ઠરાવનો સામૂહિક બહિષ્કાર કર્યો છે. ‘‘કિશાન સેવા સમિતિ'' દ્વારા ૩ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ રાજકોટ કલેકટર કચેરી ખાતે કલેકટરને લેખિત આવેદનપત્ર પાઠવીને નવી માંગણીઓ રજૂ કરવામાં આવી છે. ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ દ્વારા ૪ જુલાઈ ૨૦૨૬ ના રોજ એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ ઠરાવ અન્વયે ગત ૨૪ જુલાઈ ૨૦૨૬ ના રોજ મામલતદાર દ્વારા નિયુક્ત બે અધિકારીઓએ જસદણના ભંડારીયા ગ્રામ પંચાયત ખાતે અસરગ્રસ્ત ખેડૂતોને નોટિસ પાઠવી હતી. આ નોટિસ મળ્યા બાદ, ખેડૂતોએ ૩૦ જુલાઈ ૨૦૨૬ ના રોજ એક સામૂહિક સભા બોલાવી હતી, જેમાં આ મુદ્દે વિસ્તળત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
ખેડૂતોએ આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે ટેલિગ્રાફ એક્ટ ૧૮૮૫ ની કલમ ૧૦(ઘ) હેઠળ વીજ પોલ અને વીજ રેખા પસાર થવાથી ખેડૂતોને જે વ્યાપક નુકશાન થાય છે, તેની વાસ્તવિક ભરપાઈ થતી હોવાનું જણાતું નથી. પૂરતું વળતર ન મળવાના કારણે અસંતોષ વ્યક્ત કરતા ખેડૂતોએ આ ઠરાવનો સામૂહિક રીતે બહિષ્કાર કર્યો છે.
ખેડૂતોના વાંધા અને માંગણીઓ સાંભળી યોગ્ય વિચારણા કરવામાં આવે અને ખેડૂતોને સંતોષકારક વળતર મળે તેવો નવો પરિપત્ર જાહેર કરવામાં આવે.
ર્ંજ્યાં પણ શકય હોય ત્યાં વીજ પોલ અને વીજ લાઈનના રૂટ સરકારી ખરાબાની જમીન, બિન-ઉપજાવ જમીન અથવા ખેતરોના શેઢા-પાળા પરથી પસાર કરવામાં આવે જેથી ખેતીલાયક જમીનને ઓછું નુકસાન થાય.
ખેડૂતોની માંગ છે કે સરકારે ૨૦૦ ટકા વળતર આપવાની મોટી વાતો કરી હતી, પરંતુ વાસ્તવમાં ફક્ત 3% ખેડૂતોને જ 200% વળતર મળે છે, જ્યારે 97% ખેડૂતોને માત્ર 30% વળતરથી જ સંતોષ માનવો પડે છે. ખેડૂતોની માંગ માર્કેટ ભાવના ચાર ગણા વળતરની છે, જે અંગેની નીતિમાં મોટા છીંડા રાખવામાં આવ્યા છે. ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈનો ખેડૂતોની જિંદગી માટે મોટું જોખમ બની ગઈ છે. શોર્ટ સર્કિટ કે થાંભલા પડવાની દુર્ઘટનાઓ સામે નીતિઓમાં કોઈ સુરક્ષા કે સમાવેશ કરવામાં આવ્યો નથી.
ઉમટી પડેલા આગેવાનો, ખેડૂતોમાં રમેશભાઇ લીંબાસીયા, મનસુખભાઇ સગપરીયા, નરેન્દ્રભાઇ સોજીત્રા, જીવનભાઇ રૂપારેલીયા, જયાબેન રૂપારેલીયા, ગોરધનભાઇ વસાણી, સુરેશભાઇ વસાણી, વિગેરે જોડાયા હતા.
ખેડૂત આગેવાનોએ ૪ ગણુ વળતર આપવા અથવા થાંભલાદીઠ દરમહિને ૫૦ હજાર ભાડૂ આપવા અંગે રજૂઆતો કરી હતી.
(3:29 PM IST)










