તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st September 2026
મચ્છરના ડંખઃડેન્ગ્યુએ એકાએક માથુ ઉંચકયુઃ૩ કેસ
સીઝનલ રોગચાળાના ઘરે-ઘરે ખાટલા છતા મનપાના ચોપડે અઠવાડીયામાં માત્ર ૧૭૪૨ દર્દી! : આરોગ્ય તંત્ર દ્વારા ૭૮,૭૬૬ ઘરમાં પોરાનાશક કામગીરીઃ મચ્છર ઉત્પત્તિ બદલ ૨૭૬ લોકોને નોટીસ

રાજકોટ, તા.૨૧: મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાને અટકાવવા માટે શહેરભરમાં સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. તા. ૧૪થી ૨૦ સપ્ટેમ્બર દરમિયાન શહેરમાં ડેન્ગ્યુના ૩ કેસ નોંધાયા છે, જ્યારે મેલેરિયા અને ચિકનગુનિયાનો એકપણ નવો કેસ નોંધાયો નથી.
ડેન્ગ્યુ ફેલાવતો એડીસ મચ્છર દિવસ દરમિયાન કરડે છે. તેનું જીવનચક્ર ટૂંકું અને પ્રજનનની ગતિ ઝડપી હોવાથી થોડા સમયમાં તેનો ફેલાવો વધી શકે છે. ખાસ કરીને સ્વચ્છ પાણી ભરાઈ રહેતાં પાત્રો અને લોકોની બેદરકારીને કારણે શહેરી વિસ્તારોમાં મચ્છરોને પ્રજનન માટે અનુકૂળ વાતાવરણ મળી રહે છે. આથી ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગોને નિયંત્રિત કરવા લોકોનો સહકાર અત્યંત જરૂરી હોવાનું મહાનગરપાલિકાએ જણાવ્યું છે.
આરોગ્ય વિભાગના ફિલ્ડ વર્કર, અર્બન આશા અને મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર દ્વારા એક સપ્તાહ દરમિયાન શહેરનાં ૭૮,૭૬૬ ઘરમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. ઉપરાંત, ૪૨૩ ઘરમાં ફોગિંગ કરવામાં આવ્યું હતું. મચ્છરોની વધુ ઘનતા ધરાવતા વિસ્તારોમાં વ્હીકલ માઉન્ટેડ ફોગિંગ મશીન દ્વારા કામગીરી કરવામાં આવી હતી. સંવેદનશીલ સોસાયટીઓ, જાહેર માર્ગો અને વધુ લોકો એકત્ર થતા વિસ્તારોને પણ ફોગિંગ હેઠળ આવરી લેવામાં આવ્યા હતા.
ડેન્ગ્યુ અટકાયતી કામગીરીના ભાગરૂપે રહેણાક મકાનો, દુકાનો, એપાર્ટમેન્ટ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, ઔદ્યોગિક એકમો અને વ્યવસાયનાં સ્થળોની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્સ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલપંપ અને સરકારી કચેરી સહિતનાં ૨૬૮ બિનરહેણાક પ્રિમાઇસિસની તપાસ કરાઈ હતી. મચ્છર ઉત્પત્તિ જોવા મળતાં ૨૨૦ રહેણાક અને ૫૬ કોમર્શિયલ મળી કુલ ૨૭૬ લોકોને નોટિસ આપવામાં આવી હતી. શહેરમાં તા. ૧ જાન્યુઆરીથી ૨૦ સપ્ટેમ્બર સુધીમાં મેલેરિયાના કુલ ૧૦, ડેન્ગ્યુના ૨૯ અને ચિકનગુનિયાનો ૧ કેસ નોંધાયો છે.
૧.૭૯ લાખથી વધુ લોકોનો આરોગ્ય સર્વે
પાણીજન્ય રોગચાળા અટકાયત માટે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના ફિલ્ડ સ્ટાફ દ્વારા તા. ૧૪થી ૨૦ સપ્ટેમ્બર દરમિયાન કુલ ૧,૭૯,૦૨૧ લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો. સર્વે દરમિયાન ૪,૦૮૫ ક્લોરિન ટેબ્લેટ અને ૭૪૩ ઓ.આર.એસ. પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પાણીમાં ક્લોરિનનું પ્રમાણ ચકાસવા માટે કુલ ૨,૬૯૭ રેસિડ્યુઅલ ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
આ સમયગાળામાં શરદી-ઉધરસના ૭૮૨, સામાન્ય તાવના ૭૫૬, ઝાડા-ઊલટીના ૨૦૧, ટાઇફોઇડનો ૧ અને કમળાના ૨ કેસ નોંધાયા હતા. મરડો અને કોલેરાનો એકપણ કેસ નોંધાયો નથી.
મહાનગરપાલિકાએ નાગરિકોને ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહે તેની તકેદારી રાખવા, પાણીનાં પાત્રો નિયમિત સાફ કરવા અને આરોગ્ય વિભાગની રોગચાળા અટકાયતી કામગીરીમાં સહયોગ આપવા અપીલ કરી છે.
(3:27 PM IST)










