<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

દિકરાને જન્‍મ આપ્‍યા બાદ માતાનું મૃત્‍યુઃ મવડી માટેલ સોસાયટીના ગોંડલીયા પરિવારમાં કલ્‍પાંત

અંકિતાબેનને ગોંડલની હોસ્‍પિટલમાં ડિલીવરી બાદ આંચકી ઉપડતાં રાજકોટ સારવાર માટે ખસેડાયા પણ દમ તોડી દીધોઃ મૃત્‍યુનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહનું ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવાયું

રાજકોટ તા. ૧૭: જિંદગીની સફરનો અંત ક્‍યારે અને કેવી રીતે આવી જાય તેની કોઇને ખબર હોતી નથી. કંઇક આવી જ એક કરૂણ ઘટનામાં મવડી વિસ્‍તારમાં રહેતી પરિણીતાએ ગઇકાલે બપોરે દિકરાને જન્‍મ આપ્‍યા બાદ સાંજે તેણીને આંચકી ઉપડયા બાદ તેણીનું મોત નિપજતાં ગોંડલીયા-પ્રજાપતિ પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે.

જાણવા મળ્‍યા મુજબ મવડી બાપા સિતારામ ચોક માટેલ સોસાયટી-૧માં રહેતી અંકિતાબેન દિવ્‍યેશભાઇ ગોંડલીયા (ઉ.વ.૨૮) નામની પરિણીતાને પ્રસુતિની પીડા ઉપડતાં ગઇકાલે સવારે ગોંડલની ખાનગી હોસ્‍પિટલમાં ડિલીવરી માટે દાખલ કરવામાં આવી હતી. જ્‍યાં તેણીએ સાંજે સાડા પાંચેક વાગ્‍યે સીજેરીયનથી દિકરાને જન્‍મ આપતાં ગોંડલીયા પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.

પરંતુ ડીલીવરી પછી એકાએક માતા અંકિતાબેનની તબિયત બગડી હતી. તેણીને આંચકી ઉપડતાં વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ મોડી રાતે અહિ તેણીનું મૃત્‍યુ થયું હતું. બનાવની જાણ હોસ્‍પિટલ મારફત પોલીસને કરવામાં આવતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. મૃત્‍યુનું ચોક્કસ કારણ જાણવા પોલીસે ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું હતું.

મૃત્‍યુ પામનાર અંકિતાબેનના લગ્ન દોઢ વર્ષ પહેલા થયા હતાં. પતિ દિવ્‍યેશભાઇ દામજીભાઇ ગોંડલીયા મેટોડા જીઆઇડીસીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. મૃતકના માવતર જામનગર રહે છે. એક તરફ ઘરમાં નવા મહેમાનની પધરામણીથી ગોંડલીયા પરિવાર ખુશખુશાલ હતો ત્‍યાં બીજી તરફ આ નવજાત બાળકની માતા જ દુનિયા છોડી જતાં કલ્‍પાંત સર્જાયો છે. પરિવાર દ્વારા કોઇની બેદરકારીનો આક્ષેપ કરાયો નથી.

(2:32 PM IST)