News of Saturday, 11th July 2026
સાસુએ કહ્યું-હું કહું એમ જ કરવાનું, નહિતર ઘરમાંથી નીકળી જાઃ વર્ષાબેન વાળોદરાને ત્રાસ
હાલ રેલનગરમાં રહેતી પરિણીતાની ભગવતીપરામાં રહેતાં પતિ બ્રિજેશ વાળોદરા, સાસુ ભાવનાબેન, જેઠ રોનકભાઇ, નણંદ પ્રિયંકાબેન વિરૂધ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૧: હાલ રેલનગર વિસ્તારમાં આવેલી અવધપાર્ક સોસાયટીમાં માવતરે રહેતી ૨૮ વર્ષીય પરિણીતાને ભગવતીપરામાં રહેતાં તેના સાસરિયાઓ દ્વારા અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપી, કાનભંભેરણી કરી પતિ-પત્નિ વચ્ચે ઝઘડા કરાવી ઘરમાંથી કાઢી મુકવામાં આવી હોવાની ફરિયાદ થઇ છે. પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ, જેઠ અને નણંદ વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો છે.
જાણવા મળ્યા મુજબ આ બનાવમાં પોલીસે હાલ રેલનગર અવધ પાર્ક શેરી નં. ૩ પાણીના ટાંકા પાછળ રહેતી વર્ષાબેન બ્રીજેશભાઇ વાળોદરા (ઉ.વ.૨૮)ની ફરિયાદ પરથી ભગવતીપરા સુખસાગર સોસાયટી-૪માં ભગવતીપરા પોલીસ ચોકી પાછળ રહેતાં પતિ બ્રિજેશ, સાસુ ભાનુબેન બળવંતભાઇ વાળોદરા, જેઠ રોનકભાઇ અને અમરેલી રહેતાં નણંદ પ્રિયંકાબેન ઘનશ્યામભાઇ સિતાપરા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. વર્ષાબનની ફરિયાદમાં જણાવ્યા મુજબ તેણી હાલ પિયરે રહે છે અને તેના લગ્ન ગત તા. ૨૮/૦૨/૨૦૧૬ ના રોજ જ્ઞાતિના રીત-રિવાજ મુજબ બ્રીજેશ બળવંતભાઈ વાળોદરા સાથે થયા છે. લગ્નજીવન દરમિયાન તેમને સંતાનમાં એક દિકરો છે. દસ વર્ષ સુધી સંસાર ચાલ્યા બાદ પતિ-પત્નિ વચ્ચે મનમેળ ન હોઇ રાજીખુશીથી કોર્ટ રાહે છુટાછેડા લીધા હતાં. થોડા સમય પછી ફરીથી બંનેએ લગ્ન કરી લીધા હતાં ફરીથી સાથે રહેતાં હતાં.
ગત તા. ૦૯/૦૫/૨૦૨૬ ના રોજ વર્ષાબેન ઘરે હતાં ત્યારે તેમના સાસુ ભાનુબેન સારણગાંડનું ઓપરેશન કરાવી ઘરે આવ્યા ત્યારે જેઠાણી પૂજાબેન તેમના દીકરા અંશને નાનાજીના ઘરેથી તેડવા માટે જતાં હોઇ વર્ષાબેનનો કિદરો સાથે જવાની જીદ કરતોઇ હોઇ તેણી પોતાના દિકરાને ખીજાયા હતાં. આ વખતે સાસુ ભાનુબેન ઉશ્કેરાઈ ગયા હતાં અને ગાળો આપી કહ્યું હતું કે-હું ઓપરેશન કરાવીને ઘરે આવી તે તને ગમતું નથી, આ ઘરમાં હું કહું એમ જ કરવાનું છે નહિતર તું નીકળી જા ઘરમાંથી. ત્યારબાદ નણંદ પ્રિયંકાબેને વર્ષાબેનના પતિ બ્રીજેશભાઈને ફોન કરીને ચડામણી કરી હતી. જેથી બ્રીજેશભાઈ નોકરી પરથી ઘરે પરત ફરતા જ કોઈ પણ પૂછપરછ કર્યા વગર વર્ષાબેન સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. તેમણે વર્ષાબેનને ગાળો આપી તારી મારે કોઈ જરૂર નથીૅ તેમ કહી ઢીકાપાટુનો માર માર્યો હતો.
આ બનાવના ત્રણ દિવસ બાદ બહારગામથી પરત ફરેલા જેઠ રોનકભાઈને પણ વર્ષાબેને આપવીતી જણાવી હતી. પણ જેઠે પણ સાસુનો જ પક્ષ લઈને કહ્યું હતું કે-અમારા મમ્મી કમાય છે અને આપણે બધા ખાઈએ છીએ, એટલે મમ્મી સામે તમારે બોલાય જ નહીં.આમ કહી તેમણે પણ વર્ષાબેનને ઘરની બહાર નીકળી જવાનું કહી દીધું હતું. આ પછી કાકાજી સસરા અશ્વિનભાઈ ઝઘડો શાંત પાડવા વર્ષાબેન અને તેમના દીકરાને પાંચેક દિવસ માટે પોતાના ઘરે મોચી બજારમાં લઈ ગયા હતા. ત્યારબાદ કાકાજી સસરાએ પતિ અને જેઠ સાથે સમાધાન કરાવી વર્ષાબેનને તેડી જવાનું કહેવા છતાં સાસરિયાઓ સમાધાન કરવા તૈયાર ન થતા અને સરખી સંભાળ ન રાખતા હોવાથી વર્ષાબેન છેલ્લા બે મહિનાથી પોતાના પિયરમાં માતા-પિતાના ઘરે રહેવા મજબુર બન્યા છે. તેમ ફરિયાદમાં જણાવાતાં એએસઆઇ દિલીપસિંહ જેસંગભાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:32 PM IST)










