તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 20th June 2026
હોડથલીનો બીએ પાસ મુકેશ ઉર્ફે મુકુલ જોશી હલેન્ડામાં દવાખાનુ ખોલી બેસી ગયો'તોઃ આજીડેમ પોલીસે દબોચ્યો
પીઆઇ એચ. એન. પટેલ, પીએસઆઇ વી. જી. ડોડીયા, એએસઆઇ રવિભાઇ વાંક અને ટીમનો દરોડોઃ હરપાલસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા અને કુલદીપસિંહ જાડેજાની બાતમી પરથી કાર્યવાહીઃ દવા, બાટલા, ઇન્જેક્શન સહિતનો મુદ્દામાલ કબ્જે

રાજકોટ તા. ૨૦: તાલુકાના સરધાર તાબેના હલેન્ડા ગામમાં એક બીએ સુધી ભણેલો શખ્સ ડોક્ટર બની દવાખાનુ ખોલીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હોવાની માહિતીને આધારે આજીડેમ પોલીસે દરોડો પાડી તેને ઝડપી લીધો છે. રાજકોટના હોડથલીના આ શખ્સ સામે મેડીકલ પ્રેકટીશનર એક્ટ અને ડોક્ટરનું રૂપ ધારણ કરી દવાખાનુ ચલાવવાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
જાણવા મળ્યા મુજબ આજીડેમ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. હરપાલસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા અને કોન્સ. કુલદીપસિંહ જાડેજાને બાતમી મળી હતી કે સરધારના હલેન્ડામાં રામજી મંદિર પાસે નામ વગરનું એક દવાખાનુ દુકાનમાં ચાલુ થયું છે અને તેમાં બેસતા ડોક્ટર પાસે કોઇપણ પ્રકારની ડીગ્રી નથી. આ બાતમીને આધારે પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ સરધાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર વિવેકભાઈ કોટડીયાને સાથે રાખી દુકાનમાં ચાલતા દવાખાનામાં દરોડો પાડયો હતો.
અંદર પ્રવેશી જોતા ત્યાં એક શખ્સ ખુરશી પર એક શખ્સ ગળામાં સ્ટેથોસ્કોપ લટકાવીને બેઠેલો જોવા મળ્યો હતો. જેનું નામ પુછતાં મુકેશ ઉર્ફે મુકુલ સુરેશભાઈ જોશી (રહે. હોડથલી હનુમાનજી મંદિર પાસે તા. રાજકોટ) જણાવ્યું હતું. મેડીકલ ઓફિસર અને પોલીસે તેની પાસે મેડીકલ પ્રેકટીશ કરવા માટેનું ડીગ્રી સર્ટીફીકેટ કે હોમિયોપેથીક કે આયુર્વેદિક સારવાર કરવા માટેનું સર્ટીફીકેટ માંગ્યું હતું.પરંતુ સર્ટીફીકેટ નહિ આપી પોતે ધો.૧૨ પાસ બાદ બીએ સુધી ભણ્યો હોવાનું અને તબિબી શિક્ષણને લગતું કોઇ સર્ટી નહિ હોવાનું કબુલ્યું હતું. આમ છતાં તે દવાખાનુ ખોલી લોકોની સારવાર કરી દવા-ઇન્જેકશન આપી બાટલા પણ ચડાવી દેતો હોઇ લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.
પોલીસે દવાખાનામાંથી અલગ અલગ દવાઓ, ઇન્જેક્શન, બાટલા, સ્ટેથોસ્કોપ, સહિત ૮૦૯૨નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ડીસીપી હેતલ પટેલ, એસીપી બી. વી. જાધવની સુચના અંતર્ગત પીઆઇ એચ.એન. પટેલ, પીએસઆઇ વી. જી. ડોડિયા, એ.એસ.આઈ. રવિભાઈ વાંક, હેડકોન્સ. પિયુષભાઈ ચિરોડીયા, સંજયભાઈ મિયાત્રા, હરપાલસિંહ જાડેજા, દેવાંગભાઈ પાલા, ગોપાલભાઈ બોળીયા, ભરતભાઈ જોગીયા, હિતેશભાઈ અગ્રાવત, પો.કોન્સ. વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રદિપસિંહ ગોહિલ, મહેશભાઈ કોઠીવાળ, કુલદિપસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, મનીષભાઈ શિરોડીયા, વિશ્વરાજસિંહ પરમાર તથા પ્રતિકભાઈ બોરસદીયા સહિતની ટીમે કરી હતી.
(2:44 PM IST)










