News of Friday, 27th November 2026
પૈસા ન દેતાં મુકેશે પત્નિને લાફો મારી પાઇપ ફટકાર્યો, સાળાએ મુકેશનો હાથ ભાંગી નાંખ્યો
ખોરાણાનો બનાવઃ પતિ-પત્નિ બંને રાજકોટ સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૭: કુવાડવા નજીકના ખોરાણા ગામે રહેતાં પતિ-પત્નિ વચ્ચે પૈસા માટે માથાકુટ થતાં પતિએ પત્નિને લાફો મારી પાઇપથી ફટકારતાં બનાવની જાણ સાળાને થતાં તેણે આવી બનેવીને ધોકાથી ફટકારતાં હાથમાં ફ્રેકચર જેવી ઇજા થઇ હતી. પતિ-પત્નિ બંને સારવાર માટે દાખલ થયા હતાં.
જાણવા મળ્યા મુજબ ખોરાણા ગામે રહેતાં રમાબેન મુકેશભાઇ જખાનીયા (ઉ.વ.૩૫)ને પતિ મુકેશે લાફો મારી પાઇપથી માર મારતાં તેણી સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થઇ હતી. આ બનાવની જાણ જારીયા ગામે રહેતાં રમાબેનના ભાઇ નારૂ કરમશીભાઇને થતાં તે ખોરાણા આવ્યો હતો અને બનેવી મુકેશભાઇ નાથાભાઇ જખાનીયા (ઉ.વ.૩૮)ને ધોકાથી ફટકારતાં બંને હાથમાં શરીરે ઇજાઓ થઇ હતી. પતિ-પત્નિ બંને રાજકોટ સિવિલમાં દાખલ થતાં કુવાડવા રોડ પોલીસેને જાણ કરાઇ હતી.
રમાબેને કહ્યું હતું કે મારે સંતાનમાં બે દિકરા અને બે દિકરી છે. પતિ મારકુટ કરતો હોઇ પોતે માવતરે રીસામણે હતી. ગઇકાલે જ સમાધાન કરી પતિ ખોરાણા તેડી આવ્યો હતો. એ પછી પૈસા બાબતે પતિએ ઝઘડો કરી પાઇપથી માર માર્યો હતો. બાદમાં મારા ભાઇને ખબર પડતાં તેણે મારા પતિને મારકુટ કરી હતી. મુકેશભાઇ બકરા ચારી ગુજરાન ચલાવે છે. તેના કહેવા મુજબ પત્નિ પાસે વીસ રૂપિયા માંગતાં માથાકુટ થઇ હતી. મેં તેને લાફો માર્યો હતો. બાદમાં મારા સાળાએ આવી મને ધોકાથી ફટકારતાં હાથ ભાંગી ગયો હતો. પોલીસે તપાસ હાથ ધરી છે.
(2:38 PM IST)










