<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

મનપા તંત્ર લાલઘુમઃ ગેરકાયદે હોર્ડિંગ્‍સ-બેનરો લગાવતી શૈક્ષણિક સહિતની ૩૨ સંસ્‍થાઓને નોટિસ

ડિવાઈડર, પોલ અને સર્કલો પર અનધિકળત પોસ્‍ટરો ચોંટાડી મિલકતોને નુકસાન પહોંચાડતા તંત્ર એક્‍શન મોડમાં

રાજકોટ,તા.૧૮: સ્‍માર્ટ સિટી તરફ આગળ વધી રહેલા રાજકોટ શહેરની સુંદરતા પર ગ્રહણ લગાડતા અને સરકારી મિલકતોને નુકસાન પહોંચાડતા તત્‍વો સામે રાજકોટ મહાનગરપાલિકા (RMC) એ આખરે ધોકો પછાડ્‍યો છે. શહેરના મુખ્‍ય માર્ગો, ચાર રસ્‍તાના સર્કલો, રોડ ડિવાઈડર અને વીજળીના પોલ પર મંજૂરી વગર કાયદાનું ઉલ્લંઘન કરીને પોતાના બોર્ડ, બેનરો અને પોસ્‍ટરોનો ખડકલો કરી દેનારી ૩૨ જેટલી સંસ્‍થાને મનપાની દબાણ હટાવ શાખા દ્વારા કડક નોટિસ ફટકારવામાં આવી છે. મનપાના કડક વલણને પગલે ગેરકાયદેસર રીતે પબ્‍લિસિટીના ભૂખ્‍યા બનેલા મોટા ગજાના તત્‍વોમાં ફફડાટ મચી જવા પામ્‍યો છે.

મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા માર્ચ-૨૦૨૬ અને એપ્રિલ-૨૦૨૬ દરમિયાન શહેરમાં ગેરકાયદેસર જાહેરાતો વિરુદ્ધ સ્‍પેશિયલ ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત સરકારી અને જાહેર મિલકતોને કદરૂપી કરનારા આસામીઓને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવવા નોટિસો ઇસ્‍યુ કરવામાં આવી છે. આ યાદીમાં શહેરની પ્રતિષ્ઠિત સ્‍કૂલો, એકેડેમીઓ, શો-રૂમ્‍સ અને હોસ્‍પિટલોના નામ પણ સામે આવ્‍યા છે, જેઓ નિયમોને નેવે મૂકીને મફતમાં પ્રમોશન કરી રહ્યા હતા.

કઇ કઇ સંસ્‍થાને નોટીસ

મનપા દ્વારા જે ૩૨ને કાનૂની નોટિસ આપવામાં આવી છે. જેમાં ૧. વિરાણી સ્‍કૂલ,શ્રી જ્ઞાનધારા વિદ્યામંદિર, મહાત્‍મા ગાંધી સ્‍કૂલ, નક્ષત્ર સ્‍કૂલ,  ભુષણ સાયન્‍સ સ્‍કૂલ, ફેશન મંત્રા એક્‍ઝિબિશન, ઈરા એજ્‍યુકેર, એસ.કે.પી. સ્‍કૂલ, ડિસ્‍કવર સ્‍ટડી પોઈન્‍ટ, ફિશન ઈવી,ઓમ ટીવીએસ, મોશન એજ્‍યુકેશન, સિયારામ જવેલર્સ, ધ કોસ નીટ એકેડેમી, સારથી એજ્‍યુકેશન, રિવરસાઈડ ઈન્‍ટરનેશનલ સ્‍કૂલ, ટાગોર વિધ્‍યા સંકુલ, નીટ ગુરૂ એકેડેમી, ઈ.ડી.યુ. બ્‍લિસ, શ્રી ગુરુકુલ સ્‍વામીનારાયણ, ૭ ફિટીનસ્‍પાયર, બોરાનિયા આઈ.એ.એસ., સ્‍પીડ કોમ્‍પ્‍યુટર, નિર્મલ્‍ય ડેન્‍ટલ કેર, મેપલવુડ પ્રિ સ્‍કૂલ,એસ.જી.વી.પી. ગુરુકુલ, ધ કોટા કલ્‍ચર સ્‍કૂલ, અમ્‍બિકા વિદ્યાલય, સહજાનંદ વિલેજ, શિવમ સ્‍ટડી પોઈન્‍ટ, સુભમ સ્‍કૂલ તથા વિઝડમ સ્‍કૂલ સહિતની સંસ્‍થાનો સમાવેશ કરવામાં આવ્‍યો છે.

 આ કાર્યવાહી અંગે રાજકોટ મહાનગરપાલિકાના એન્‍ક્રોચમેન્‍ટ ઓફિસર (દબાણ હટાવ અધિકારી) એ આકરા શબ્‍દોમાં ચેતવણી આપતા જણાવ્‍યું છે કે, રાજકોટ શહેરના જાહેર માર્ગો, સર્કલો, ડિવાઈડરો કે પોલ પર કોઈપણ પ્રકારની અનધિકળત જાહેરાતો, બોર્ડ, બેનર કે પોસ્‍ટરો લગાવવા ગુનો બને છે. તમામ વ્‍યવસાયિકો, શૈક્ષણિક સંસ્‍થાઓ અને સંગઠનોએ આ બાબતની ગંભીર નોંધ લેવી. જો ભવિષ્‍યમાં પણ આવી ગેરકાયદે પ્રવળત્તિ ચાલુ રાખવામાં આવશે તો મનપા દ્વારા વધુ આકરા કાનૂની અને દંડાત્‍મક પગલાં ભરવામાં આવશે.

 

 

(3:38 PM IST)