<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

મનપા દ્વારા ૦ થી પ વર્ષના ૧.૯૬ લાખ બાળકોને પોલીયો રસી પીવડાવવાનો પ્રારંભ

વાલીઓ પણ બાળકોને પોલીયો રસી પીવડાવે : તંત્રનો અનુરોધ

રાજકોટ, તા. ર૯ : ભારત સરકારના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રાલય તેમજ ગુજરાત સરકારના આરોગ્‍ય વિભાગના માર્ગદર્શન હેઠળ નેશનલ ઈમ્‍યુનાઈઝેશન દિવસ  અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા  શહેરમાં ૦ થી ૫ વર્ષ સુધીના તમામ બાળકોને પોલીયો વાયરસથી સુરક્ષિત રાખવાના ઉદ્દેશ સાથે પલ્‍સ પોલીયો રસીકરણ અભિયાનનું સફળ આયોજન કરવામાં આવ્‍યું હતું.

આ અભિયાન અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા વિસ્‍તારમાં વસતા અંદાજે ૧,૯૬,૨૦૦ જેટલા ૦ થી ૫ વર્ષના બાળકોને પોલીયો રસી પીવડાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્‍યો છે. શહેરના વિવિધ વિસ્‍તારોમાં આરોગ્‍ય કેન્‍દ્રો, આંગણવાડીઓ, શાળાઓ, બસ સ્‍ટેન્‍ડ, રેલવે સ્‍ટેશન તેમજ અન્‍ય જાહેર સ્‍થળોએ પોલીયો બૂથ કાર્યરત રાખવામાં આવ્‍યા હતા, જેથી કોઈપણ બાળક રસીકરણથી વંચિત ન રહે.

આ કાર્યક્રમનું ઉદ્ધાટન રાજકોટ મહાનગરપાલિકાના તમામ વોર્ડ ખાતે સ્‍થાનિક કોર્પોરેટરો અને અન્‍ય મહાનુભાવોના હસ્‍તે શહેરના વિવિધ આરોગ્‍ય કેન્‍દ્રો ખાતે કરવામાં આવેલ. વોર્ડ નં. ૭ના વિજયપ્‍લોટ આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે યોજાયેલા ઉદ્ધાટન કાર્યક્રમમાં માનનીય મેયર  નેહલભાઈ શુક્‍લ તેમજ વોર્ડ નં.૭ના તમામ કોર્પોરેટરો ઉપરાંત અન્‍ય મહાનુભાવો ઉપસ્‍થિત રહી બાળકોને પોલીયોની રસી પીવડાવી અભિયાનનો પ્રારંભ કરાવ્‍યો હતો.

વોર્ડ નં. ૯ના મુંજકા આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે  ડેપ્‍યુટી મેયર દક્ષાબેન વસાણીના હસ્‍તે પોલિયો બુથનું ઉદ્ધાટન કરવામાં આવેલ. જયારે

વોર્ડ નં. ૬ના કબીરવન આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે  સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન  પરેશભાઈ પીપળીયા તેમજ વોર્ડના તમામ કોર્પોરેટરોએ ઉપસ્‍થિત રહી પોલીયો અભિયાનને પ્રોત્‍સાહન આપ્‍યું હતું.

વોર્ડ નં. ૧૮ના કોઠારિયા આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે  દંડક સંજયસિંહ રાણા તેમજ વોર્ડના તમામ કોર્પોરેટરો ઉપસ્‍થિત રહી અભિયાનનો પ્રારંભ કરાવ્‍યો હતો.

વોર્ડ નં. ૧ના શ્‍યામનગર આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે  નાયબ કમિશનર ચેતન નંદાણી તેમજ વોર્ડના અન્‍ય કોર્પોરેટરોની ઉપસ્‍થિતિમાં કાર્યક્રમનું ઉદ્ધાટન કરવામાં આવ્‍યું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, કોર્પોરેટરો, આરોગ્‍ય વિભાગના અધિકારીઓ, તબીબી અધિકારીઓ, આરોગ્‍ય કર્મચારીઓ, આશા વર્કરો, આંગણવાડી બહેનો તેમજ સ્‍વયંસેવકોએ ઉત્‍સાહભેર કામગીરી બજાવી હતી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ વાલીઓને આહ્વાન કરવામાં આવેલ કે, તેઓ પોતાના ૦ થી ૫ વર્ષના બાળકોને પોલીયોની બે ટીપાં અવશ્‍ય પીવડાવી પોલીયો મુક્‍ત અને સ્‍વસ્‍થ રાજકોટના નિર્માણમાં સહભાગી બને.

(3:53 PM IST)