<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th June 2026

મનપાને મિલ્‍કત અને પાણી વેરામાં રૂા. ૨૩૬.૫૩ કરોડની આવક

આજદિન સુધી ૩.૩૫ લાખથી વધુ કરદાતાઓએ વેરો ભર્યોઃ એડવાન્‍સ ચુકવણી પર રૂ. ૨૬.૭૯ કરોડનું ડિસ્‍કાઉન્‍ટ અપાયું: ૩૦ જૂન સુધી પ થી ૧૦ ટકા રાહત યોજનાનો લાભ ઉપલબ્‍ધ

રાજકોટ, તા.૧૮: મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે મિલ્‍કતવેરા અને પાણી વેરાની વસુલાતની કામગીરી ૭ એપ્રિલથી શરૂ કરવામાં આવી હતી. મનપાની વેરા વસુલાત ઝુંબેશને નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળતા તા. ૧૭ જૂન, સુધીમાં કુલ ૩,૩૫,૮૮૫ કરદાતાઓએ વેરાની ભરપાઈ કરી રૂ. ૨૩૬.૫૩ કરોડની આવક મહાનગરપાલિકાને પ્રાપ્ત થઈ છે.

મનપાના આંકડા મુજબ કુલ ૨,૫૮,૩૦૪ કરદાતાઓએ ઓનલાઈન માધ્‍યમથી રૂ. ૧૭૨.૮૭ કરોડનો વેરો ભર્યો છે, જ્‍યારે ૭૭,૫૮૧ કરદાતાઓએ ચેક અને રોકડ મારફતે રૂ. ૬૩.૬૬ કરોડની ભરપાઈ કરી છે. આ રીતે કુલ વસુલાતમાં ઓનલાઈન ચુકવણીનો હિસ્‍સો નોંધપાત્ર રહ્યો છે. વેરાની સમયસર અને એડવાન્‍સ ભરપાઈને પ્રોત્‍સાહન આપવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડિસ્‍કાઉન્‍ટ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત અત્‍યાર સુધીમાં એડવાન્‍સ વેરો ભરનાર કરદાતાઓને કુલ રૂ. ૨૬.૭૯ કરોડ જેટલી રકમનું ડિસ્‍કાઉન્‍ટ આપવામાં આવ્‍યું છે.

મનપા દ્વારા અમલમાં રહેલી ડિસ્‍કાઉન્‍ટ યોજના હેઠળ તા. ૩૦ જૂન, ૨૦૨૬ સુધી સામાન્‍ય કરદાતાઓને મિલ્‍કતવેરા અને પાણી વેરાની ભરપાઈ પર ૫ ટકા ડિસ્‍કાઉન્‍ટ આપવામાં આવે છે, જ્‍યારે મહિલા મિલકતધારકોને વિશેષ રાહતરૂપે ૧૦ ટકા ડિસ્‍કાઉન્‍ટનો લાભ આપવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકાએ શહેરના તમામ મિલકતધારકોને સમયમર્યાદા પૂર્ણ થાય તે પહેલાં વેરાની ભરપાઈ કરીને ડિસ્‍કાઉન્‍ટ યોજનાનો લાભ લેવા અપીલ કરી છે. મનપાના જણાવ્‍યા મુજબ સમયસર વેરાની વસુલાત થવાથી શહેરના વિકાસકાર્યો અને નાગરિક સુવિધાઓને વધુ વેગ મળશે.

(4:38 PM IST)