News of Wednesday, 25th November 2026
ગ્રીન લીફ નજીક સર્જાયેલા જીવલેણ અકસ્માત બાદ મનપા દ્વારા તપાસના આદેશ
ઊંચી કુંડીને કારણે મહિલાનો જીવ ગયેલઃ કોન્ટ્રાક્ટર અને TPIને શોકોઝ નોટિસ પાઠવતા ડે.કમિશનર ચેતન નંદાણી : અકસ્માત સર્જાયો તે ડી.પી. રોડનો કબજો કોર્પોરેશનને મળ્યો નહીં હોવાનો તંત્રનો ખુલાસોઃ સ્થળ પર સુધારાત્મક કાર્યવાહી કરાવાઈ

રાજકોટ તા.૨૫: શહેરના વોર્ડ નં.૧માં ગ્રીન લીફ નજીક સૂર્યકાંત હોટલ તરફ જતા માર્ગ પર ત્રણ દિવસ પૂર્વે રોડ લેવલથી ઊંચી કુંડી સાથે સ્કૂટર અથડાતાં એક મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું. આ જીવલેણ અકસ્માતને પગલે મહાનગરપાલિકાની બેદરકારી સામે આક્ષેપો ઊઠ્યા હતા. સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણીએ દુઃખ વ્યક્ત કરી તપાસના આદેશ આપ્યા હતા. આ માર્ગનું ડામરકામ કરનાર પવન કન્સ્ટ્રક્શનને શોકોઝ નોટિસ ફટકારી ખુલાસો રજૂ કરવા જણાવાયું છે. એટલું જ નહીં, રોડની કામગીરીનું મોનિટરિંગ કરવાની જવાબદારી ધરાવતી થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન (TPI) એજન્સીને પણ નોટિસ પાઠવી જવાબ માગવામાં આવ્યો છે. ડે. કમિશનર ચેતન નંદાણીના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં ૧૫ મીટરના માર્ગ પર ડામરકામ કરવામાં આવ્યું છે. જોકે, માર્ગની બાજુમાં જે ઊંચી કુંડી પાસે અકસ્માત સર્જાયો હતો તે ડી.પી. રોડનો કબજો હજુ મહાનગરપાલિકાને મળ્યો નથી. આથી ત્યાં સત્તાવાર રીતે કામગીરી કરી શકાતી નથી. તેમ છતાં નાગરિકોની સલામતીને ધ્યાનમાં રાખી સ્થળ પર જરૂરી સુધારાત્મક કાર્યવાહી કરાવવામાં આવી છે અને બાકી રહેલી ખામીઓ પણ દૂર કરાવવામાં આવશે.
દરમિયાન, એક મહિલાનો જીવ ગયા બાદ તંત્ર દ્વારા નોટિસો ફટકારવામાં આવી છે ત્યારે તપાસમાં કોની જવાબદારી નિર્ધારિત થાય છે અને જવાબદારો સામે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે.
(2:44 PM IST)










