હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મનપા દ્વારા દીપોત્સવ નિમિત્તે રંગોત્સવનું આયોજનઃ રંગોળી સ્પર્ધા
તા. ૭ નવેમ્બરના રોજ રેસકોર્સ રીંગ રોડ ખાતે યોજાનારી સ્પર્ધામાં ત્રણ કેટેગરીમાં કુલ ૨૧૬ રંગોળીઓનું સર્જન થશે

રાજકોટઃ તા.૩૧, મહાનગરપાલિકા દ્વારા દીપોત્સવી પર્વની ઉજવણીને વધુ આનંદમય અને યાદગાર બનાવવા તા. ૬ થી ૮ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ - ચિત્રનગરીના સહયોગથી તા.૦૭ નવેમ્બરને શનિવારના રોજ રેસકોર્સ રિંગ રોડ ફરતે ભવ્ય રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા બપોરે ૪ થી રાત્રે ૧૨ કલાક સુધી યોજાશે. ૧૫ વર્ષથી વધુ ઉંમરની કોઈપણ વ્યક્તિ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. તેમ રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો. નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડો. હિરેનભાઈ ખીમાણિયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા તથા સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન મનીષભાઈ ભટ્ટે જણાવ્યું છે.
સ્પર્ધા ત્રણ કેટેગરીમાં યોજાશે, જેમાં (૧) ગ્રુપ રંગોળી - ૫ ×૧૫ ફૂટની ૨૬ રંગોળી, (૨) વ્યક્તિગત રંગોળી - ૫ × ૫ ફૂટની ૧૫૦ રંગોળી તથા (૩) ડેકોરેટિવ રંગોળી - ૫ × ૫ ફૂટની ૪૦ રંગોળીનો સમાવેશ થાય છે. આમ, કુલ ૨૧૬ રંગોળીઓનું સર્જન કરવામાં આવશે. આ માટે અંદાજે ૧૪૦૦ કિલો ચિરોડી કલરનો ઉપયોગ કરવામાં આવશે.
આ સ્પર્ધામાં ગ્રુપ રંગોળીના પ્રથમ ૩ વિજેતાને રૂપિયા ૫૦૦૦/-નું પુરસ્કાર આપવામાં આવશે. વ્યક્તિગત સ્પર્ધામાં પ્રથમ ૫ વિજેતાને રૂપિયા ૫૦૦૦/-પુરસ્કાર આપવામાં આવશે. ડેકોરેટિવ રંગોળીમાં પ્રથમ ૫ વિજેતાને રૂપિયા ૨૫૦૦/-પુરસ્કાર આપવામાં આવશે. જ્યારે ૨૧(એકવીસ) રંગોળીના કલાકારોને રૂપિયા ૧૦૦૦/- આશ્વાસન ઈનામ તરીકે આપવામાં આવશે.
સ્પર્ધાનું ૨ નવેમ્બરથી રજિસ્ટ્રેશન કરવામાં આવશે જેના માટે ચિત્રનગરીની વેબસાઇટ www.chitranagari.in પરથી થશે અથવા તો રૂબરૂ ચિત્રનગરીની ઓફિસે સંપર્ક કરવાનો રહેશે. ૨ નવેમ્બર સોમવારે સાંજે ૫ થી ૮ વચ્ચે (RMC સ્વિમિંગ પુલની સામે, રેસકોર્સ).
આ સ્પર્ધાને સફળ બનાવવા માટે ચિત્રનગરીના જીતુભાઈ ગોટેચા, મુકેશભાઇ વ્યાસ, હેમાબેન વ્યાસ, જયશ્રીબેન રાવલ, સુરેશભાઇ રાવલ, રશેષભાઈ વ્યાસ, શિવમ અગ્રવાલ, સીમાબેન અગ્રવાલ, દિગીશ વડોદરિયા, ભૂષણ સંપત, વિશાલભાઈ જોશી, હરદેવસિંહ વાઘેલા, વિવેકભાઈ પોરિયા, રશ્મિ વાઘેલા, ગૌરવ ખીરૈયા, પરેશભાઈ ધોરાજીયા, સાવન ધોરાજીયા, શ્રેયશભાઈ તન્ના, દિનેશભાઇ પટેલ, રશ્મિ ગોટેચા તથા મૌલિક ગોટેચા જહેમત ઉઠાવી રહ્યા છે.
રાજકોટના નાગરિકો અને રંગોળીપ્રેમી કલાકારોને આ અનોખી સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લેવા મેયર ડો. નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા ડો. હિરેનભાઈ ખીમાણિયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા તથા સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન મનીષભાઈ ભટ્ટ દ્વારા અનુરોધ કરવામાં આવે છે. (










