તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
મનપાએ ૪૮૦ કરોડની જમીનો વેચી નાખીઃ છતાં તિજોરી તળિયાઝાટક!
૧૧ વર્ષમાં ૧૫ કિંમતી પ્લોટનો નિકાલઃ ઓક્ટ્રોય નાબૂદીના ૧૯ વર્ષ બાદ પણ સ્વતંત્ર આવકના મજબૂતસ્ત્રોતનો અભાવઃ જનરલ બોર્ડના પ્રશ્નમાં ટાઉન પ્લાનિંગ વિભાગે જાહેર કર્યા ચોંકાવનારા આંકડા

રાજકોટ, તા. ર૩: મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ અને આવકના નવાસ્ત્રોત ઊભા કરવાની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. છેલ્લા ૧૧ વર્ષમાં મહાનગરપાલિકાએ પોતાની માલિકીના ૧૫ કિંમતી પ્લોટનો જાહેર હરાજી અને વેચાણ મારફત નિકાલ કરીને રૂ.૪૮૦.૪૪ કરોડની આવક નિર્ધારિત કરી હોવાનો ખુલાસો થયો છે. જોકે, આ રકમમાંથી અત્યાર સુધીમાં મનપાની તિજોરીમાં માત્ર રૂ.૩૦૪.૭૮ કરોડ જ જમા થયા છે. બીજી તરફ ચાલુ વર્ષે ફરી કરોડોની કિંમતના છ પ્લોટ વેચવા કાઢવામાં આવતાં મહાનગરપાલિકાની આવકની નીતિ સામે સવાલો ઊઠયા છે.
ગુજરાતના મહાનગરોમાં વર્ષ ૨૦૦૭માં ઓક્ટ્રોય નાબૂદ થયા બાદ મહાનગરપાલિકાઓની આવકની વ્યવસ્થામાં મોટો ફેરફાર આવ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકા પણ રાજ્ય અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ ઉપર નોંધપાત્ર આધાર રાખે છે. જોકે, મનપાની પોતાની આવકમાં મિલકતવેરો, વિવિધ ફી અને ચાર્જ સહિતનાસ્ત્રોત પણ સામેલ છે.
છેલ્લા બે દાયકામાં સેલેબલ એફએસઆઈ મહાનગરપાલિકાની આવકનું એક મહત્ત્વનું માધ્યમ બન્યું છે. પરંતુ આ આવક રિયલ એસ્ટેટ ક્ષેત્રની ગતિવિધિઓ ઉપર આધારિત હોવાથી બજારમાં મંદી કે સ્થિરતા આવે ત્યારે તેની સીધી અસર મનપાની આવક ઉપર પડી શકે છે.
આ પ્રશ્નના જવાબમાં ટાઉન પ્લાનિંગ ઓફિસર હિતાર્થ એમ. આર્યએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૫થી ૨૦૨૬ દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાના વેચાણ હેતુના કુલ ૧૫ અનામત પ્લોટનો જાહેર હરાજી તથા વેચાણ મારફત નિકાલ કરવામાં આવ્યો છે.
ગુજરાત સરકારની લેન્ડ ડિસ્પોઝલ પોલિસી-૨૦૦૨ અંતર્ગત કમિટી મારફત પ્લોટનું મૂલ્યાંકન નક્કી કરીને જાહેર હરાજી તથા વેચાણ કરવામાં આવતું હોવાનું પણ જવાબમાં જણાવાયું છે.
રૂ.૪૮૦ કરોડના પ્લોટ વેચાયા, રૂ.૧૭૫ કરોડથી વધુની રકમ આવવાની બાકી!
મહાનગરપાલિકાના સત્તાવાર જવાબ મુજબ વર્ષ ૨૦૧૫થી ૨૦૨૬ દરમિયાન વેચવામાં આવેલા ૧૫ પ્લોટની કુલ વેચાણ રકમ રૂ.૪૮૦.૪૪ કરોડ થાય છે. તેની સામે આજદિન સુધીમાં મનપાને રૂ.૩૦૪.૭૮ કરોડની આવક થઈ છે.
(3:58 PM IST)










