<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

કાલે મનપાની સ્‍ટેન્‍ડિંગ કમિટી બેઠકઃ રેટ કોન્‍ટ્રાકટમાં મોટા બદલાવની સંભાવના

 

રાજકોટ તા.૩૦: મહાનગરપાલિકાની સ્‍ટેન્‍ડિંગ કમિટીની આવતીકાલે યોજાનારી બેઠકમાં રેટ કોન્‍ટ્રાક્‍ટ સિસ્‍ટમમાં વર્ષો બાદ મોટા ફેરફારની દિશામાં મહત્‍વપૂર્ણ નિર્ણય લેવાય તેવી શકયતા છે. જંગલેશ્વર મેગા ડિમોલિશન દરમિયાન પાણીની બોટલો, ફૂડ સપ્‍લાય, મંડપ, ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી સહિતના બિલોને લઈને ઊભા થયેલા વિવાદ બાદ હવે સમગ્ર રેટ કોન્‍ટ્રાક્‍ટ નીતિની સમીક્ષા કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.

હાલ અમલમાં રહેલી રેટ કોન્‍ટ્રાક્‍ટ પદ્ધતિ હેઠળ વિવિધ ચીજવસ્‍તુઓ અને સેવાઓ માટે એકસાથે કોન્‍ટ્રાક્‍ટ આપવામાં આવે છે. સમય જતાં આ પદ્ધતિમાં અનેક ખામીઓ સામે આવી હોવાનું મનાય છે. અધિકારીઓ દ્વારા નક્કી કરાયેલા દરોને મંજૂરી આપવાની પ્રક્રિયામાં પારદર્શિતાના અભાવ અને દેખરેખની નબળાઈને કારણે અનેક વખત ગેરરીતિઓ અને અનિયમિતતાઓના આક્ષેપો થયા છે.

જંગલેશ્વર મેગા ડિમોલિશન દરમિયાન થયેલા ખર્ચ અને બિલોની તપાસ શરૂ થયા બાદ હવે મનપા તંત્ર પણ વધુ પારદર્શક અને જવાબદાર વ્‍યવસ્‍થા લાવવાના મૂડમાં હોવાનું માનવામાં આવે છે. સ્‍ટેન્‍ડિંગ કમિટીના અધ્‍યક્ષ પરેશ પીપળિયા અધ્‍યક્ષ સ્‍થાનેથી નવી રેટ કોન્‍ટ્રાક્‍ટ પોલિસી ઘડવા અંગે અરજન્‍ટ બિઝનેસ તરીકે ઠરાવ રજૂ કરે તેવી શકયતા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે. નવી નીતિમાં કયા પ્રકારની ચીજવસ્‍તુ કેટલી માત્રામાં ખરીદી શકાશે, કઈ સેવાઓ માટે અલગ-અલગ કોન્‍ટ્રાક્‍ટ થશે, ખર્ચનું મોનિટરિંગ કેવી રીતે થશે અને બિલોની ચકાસણી વધુ કડક કેવી રીતે બનાવવી તેવા મુદ્દાઓનો સમાવેશ થઈ શકે છે. આ ઉપરાંત દરેક ખર્ચ માટે સ્‍પષ્ટ માપદંડ નક્કી કરવામાં આવે તેવી પણ ચર્ચા ચાલી રહી છે. સ્‍ટેન્‍ડિંગ કમિટીની બેઠકમાં જંગલેશ્વર મેગા ડિમોલિશન દરમિયાન ફૂડ સપ્‍લાયના બિલ અંગેની પેન્‍ડિંગ દરખાસ્‍ત પણ ચર્ચામાં આવશે. જોકે સમગ્ર મામલાની તપાસ માટે સમિતિની રચના થઈ હોવાથી આ બિલ અંગેનો નિર્ણય ફરીથી મુલતવી રહે તેવી શકયતા છે. જો નવી રેટ કોન્‍ટ્રાક્‍ટ પોલિસી અમલમાં આવશે તો મહાનગરપાલિકાની ખરીદી પ્રક્રિયામાં વધુ પારદર્શિતા આવશે, જાહેર નાણાંના ઉપયોગ પર અસરકારક નિયંત્રણ મળશે અને ભવિષ્‍યમાં ગેરરીતિ તથા ભ્રષ્ટાચારના આક્ષેપો પર પણ અંકુશ લાવવામાં મદદ મળશે

(3:06 PM IST)