<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

મનપાનો જન્‍મ-મરણ વિભાગ પોતે જ મરણપથારીએઃ નવીનીકરણની ફાઇલ ગાયબ

સેન્‍ટ્રલ અને ઈસ્‍ટ ઝોનની કચેરીઓનું નવીનીકરણ અધ્‍ધરતાલઃ કામ શરૂ કરનાર એજન્‍સી અદૃશ્‍ય થતાં અનેક સવાલોઃ હજારો અરજદારોની અવરજવર વચ્‍ચે દુર્ઘટનાની ભીતિઃ નવીનીકરણની ફાઇલ ગુમ થઈ કે કચરાટોપલીમાં ફેંકાઈ?

રાજકોટ, તા.૨૧: મ્‍યુનિસિપલ કોર્પોરેશનના જન્‍મ-મરણ વિભાગની કચેરીઓની દયનીય હાલત વચ્‍ચે નવીનીકરણનો પ્રોજેક્‍ટ જાણે ગોટે ચડી ગયો હોય તેવી સ્‍થિતિ સર્જાઈ છે. કોર્પોરેશનની સેન્‍ટ્રલ અને ઈસ્‍ટ ઝોનની જન્‍મ-મરણ વિભાગની કચેરીઓનું નવીનીકરણ અત્‍યંત જરૂરી હોવા છતાં કામગીરી આગળ નહીં વધતાં વહીવટી તંત્રની કાર્યપદ્ધતિ સામે સવાલો ઊભા થયા છે.

મહાનગરપાલિકાની જન્‍મ-મરણ વિભાગની કચેરીઓમાં દરરોજ મોટી સંખ્‍યામાં અરજદારો જન્‍મ તથા મરણના દાખલા સહિતની વિવિધ કામગીરી માટે આવતા હોય છે. આવી સ્‍થિતિમાં કચેરીઓની હાલત સુધારવી જરૂરી હોવા છતાં નવીનીકરણની કામગીરી અટવાઈ પડી હોવાની વિગતો સામે આવી છે. કચેરીઓની વર્તમાન સ્‍થિતિને કારણે ગમે ત્‍યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ પણ વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે.

સેન્‍ટ્રલ અને ઈસ્‍ટ ઝોનની જન્‍મ-મરણ વિભાગની કચેરીઓનું નવીનીકરણ કરવા માટે પ્રોજેક્‍ટ હાથ ધરવામાં આવ્‍યો હતો. શરૂઆતમાં સંબંધિત એજન્‍સીએ કામગીરીનો પ્રારંભ પણ કર્યો હતો. જોકે, ત્‍યારબાદ જાણે કોઈ અદૃશ્‍ય વિઘ્‍ન આવી પડ્‍યું હોય તેમ એજન્‍સીના દર્શન જ દુર્લભ બની ગયા છે! શરૂ થયેલી કામગીરી આગળ કેમ વધી નહીં અને એજન્‍સી અચાનક કયાં ગાયબ થઈ ગઈ તે અંગે પણ સવાલો ઊભા થયા છે. નવીનીકરણનો પ્રોજેક્‍ટ હાથ ધરાયા બાદ તેની ફાઇલ કયા તબક્કે અટવાઈ છે તે અંગે સ્‍પષ્ટતા થવી જરૂરી બની છે. કચેરીઓની સ્‍થિતિ સુધારવા માટે શરૂ કરાયેલી પ્રક્રિયા આગળ નહીં વધતાં આખરે ફાઇલ કયાં ગઈ? કયા કારણોસર કામગીરી બંધ પડી? એજન્‍સીને કોઈ સૂચના આપવામાં આવી છે કે કેમ? જેવા પ્રશ્‍નો ચર્ચાનો વિષય બન્‍યા છે.

એક તરફ કોર્પોરેશનની કચેરીઓમાં દરરોજ અરજદારોની અવરજવર રહે છે, બીજી તરફ નવીનીકરણની કામગીરી અધ્‍ધરતાલ રહેતાં અરજદારોની સુવિધા અને સલામતીનો મુદ્દો ઊભો થયો છે.

જન્‍મ-મરણ વિભાગ જેવી મહત્‍વપૂર્ણ કચેરીઓની હાલત સુધારવા માટે વહીવટી તંત્ર દ્વારા તાત્‍કાલિક પગલાં લેવામાં આવે તેવી જરૂરિયાત ઊભી થઈ છે. ખાસ કરીને કચેરીઓની સલામતી અંગે સ્‍થળ તપાસ કરી જરૂરી સમારકામ અને નવીનીકરણની કામગીરી ઝડપથી હાથ ધરવી જરૂરી છે.

હવે સવાલ એ છે કે જન્‍મ-મરણ વિભાગની કચેરીઓનું નવીનીકરણ કયારે શરૂ થશે? અધવચ્‍ચે કામગીરી છોડનાર એજન્‍સી સામે શું કાર્યવાહી થશે? અને નવીનીકરણની ફાઇલને ફરી ગતિ આપવા માટે જવાબદાર અધિકારીઓ કયારે નિર્ણય લેશે?

કોઈ અનિચ્‍છનીય ઘટના બને તે પહેલાં મહાનગરપાલિકાનું તંત્ર જાગે અને નવીનીકરણનો પ્રોજેક્‍ટ પૂર્ણ કરાવે તેવી અપેક્ષા વ્‍યક્‍ત થઈ રહી છે.

(3:27 PM IST)