<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

મનપાનો દિવાળી કાર્ડથી એકતાનો નવો સંદેશ : ભાજપ-કોંગ્રેસના તમામ ૭૨ કોર્પોરેટરોને સમાન સન્‍માન!

મનપાના ઇતિહાસમાં પ્રથમ વખત દિવાળી શુભેચ્‍છા કાર્ડમાં પક્ષાપક્ષીથી પર રહી તમામ કોર્પોરેટરોને સ્‍થાન : પ્રથમ પાને પાંચેય પદાધિકારીઓ, પાછળના પાને ૧૮ વોર્ડના તમામ ૭૨ નગરસેવકોનાં નામ મહાનગરપાલિકાના દિવાળી શુભેચ્‍છા કાર્ડમાં પ્રથમ પાને પાંચેય પદાધિકારીઓ અને પાછળના પાને ભાજપ-કોંગ્રેસ સહિત તમામ ૭૨ કોર્પોરેટરોના નામ દર્શાવી રાજકીય એકતાનો અનોખો સંદેશ આપવામાં આવ્‍યો છે.

રાજકોટ ,તા.૫: મ્‍યુનિસિપલ કોર્પોરેશને દિવાળીના પર્વે રાજકીય સૌહાર્દ, એકતા અને લોકશાહી પરંપરાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્‍યું છે. સામાન્‍ય રીતે રાજકીય પક્ષો વચ્‍ચે આક્ષેપો અને પ્રતિઆક્ષેપોનો માહોલ જોવા મળતો હોય છે ત્‍યારે રાજકોટ મહાનગરપાલિકાએ દિવાળીના શુભેચ્‍છા કાર્ડમાં ભાજપ કે કોંગ્રેસના ભેદભાવ વિના તમામ ૧૮ વોર્ડના ૭૨ કોર્પોરેટરોને સમાન સ્‍થાન આપીને નવી પહેલ કરી છે. મેયર ડો. નેહલ શુકલના માર્ગદર્શન હેઠળ દિવાળીકાર્ડ તૈયાર કરવામાં આવ્‍યા છે.

મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલા દિવાળી શુભેચ્‍છા કાર્ડના પ્રથમ પાને મેયર ડો. નેહલ શુકલના સહિત પાંચેય પદાધિકારીઓનાં નામનો સમાવેશ કરવામાં આવ્‍યો છે. જ્‍યારે કાર્ડના પાછળના પાને શહેરના તમામ ૧૮ વોર્ડના ૭૨ કોર્પોરેટરોના નામ વોર્ડવાઇઝ દર્શાવવામાં આવ્‍યાં છે. તેમાં શાસક ભાજપની સાથે વિપક્ષ કોંગ્રેસના કોર્પોરેટરોને પણ સ્‍થાન આપવામાં આવ્‍યું છે.

ખાસ વાત એ છે કે મહાનગર પાલિકાના દિવાળી શુભેચ્‍છા કાર્ડમાં તમામ ૭૨ કોર્પોરેટરોને એકસાથે સ્‍થાન આપવામાં આવ્‍યું હોય તેવી આ પ્રથમ ઘટના હોવાનું જણાવાઈ રહ્યું છે. આ પહેલ દ્વારા રાજકીય મતભેદો ભલે હોય, પરંતુ શહેરના વિકાસ અને લોકશાહી પ્રતિનિધિત્‍વના સન્‍માનમાં સૌ એક છે તેવો સકારાત્‍મક સંદેશ આપવામાં આવ્‍યો છે.

મહાનગરપાલિકાના આ અભિગમમાં રાજકીય ભેદભાવને બદલે સર્વસમાવેશકતાને પ્રાધાન્‍ય અપાયું છે. શાસક પક્ષ હોય કે વિપક્ષ, પ્રજાએ ચૂંટેલા દરેક પ્રતિનિધિને સમાન સન્‍માન આપવાની આ પહેલ રાજકીય દૃષ્ટિએ પણ નોંધપાત્ર બની છે.

દિવાળીના શુભેચ્‍છા કાર્ડમાં તમામ કોર્પોરેટરોનો સમાવેશ કરીને રાજકોટ મહાનગરપાલિકાએ માત્ર તહેવારની શુભેચ્‍છા જ પાઠવી નથી, પરંતુ ‘રાજકારણમાં ભલે મતભેદ હોય, પ્રજાના પ્રતિનિધિઓના સન્‍માનમાં કોઈ ભેદભાવ નહીં' એવો મજબૂત સંદેશ પણ આપ્‍યો છે.

રાજકીય ભેદભાવ ભૂલાવી શાસકોએ રચ્‍યો નવો ચીલો!

રાજકોટઃ મહાનગરપાલિકાના દિવાળી કાર્ડમાં પ્રથમ વખત શાસક અને વિપક્ષના તમામ ૭૨ કોર્પોરેટરોને સ્‍થાન આપવાની પહેલ ચર્ચાસ્‍પદ બની છે. પ્રથમ પાને પાંચેય પદાધિકારીઓ અને પાછળના પાને તમામ નગરસેવકોનાં નામ દર્શાવી મનપાએ સૌને સાથે રાખવાની ભાવના વ્‍યક્‍ત કરી છે. દિવાળીના પર્વે રાજકીય સૌહાર્દનો આ સંદેશ અન્‍ય સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સંસ્‍થાઓ માટે પણ પ્રેરણારૂપ બની શકે છે.

(2:45 PM IST)