<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

મનપાની દબાણ હટાવ શાખા ત્રાટકીઃ ૧૫ દિ'માં ૯૯ રેકડી-કેબીન અને ૨૪૪૯ બોર્ડ-બેનરો જપ્‍ત

તંત્ર એ રૂ.૪.૬૭ લાખથી વધુનો વહીવટી ચાર્જ વસૂલ્‍યોઃ શહેરના વિવિધ વિસ્‍તારોમાં રસ્‍તા પરના નડતરરૂપ દબાણ દૂર કરવાની ઝુંબેશ

રાજકોટ, તા.૧૬:  મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા શહેરમાં જાહેર માર્ગો પરના અસ્‍થાયી દબાણો સામે કાર્યવાહી વધુ સઘન બનાવવામાં આવી છે. તા. ૧ મે, થી ૧૫ મે,  દરમિયાન શહેરના વિવિધ વિસ્‍તારોમાં હાથ ધરાયેલી ઝુંબેશમાં કુલ ૯૯ રેકડી-કેબીન અને  મંજુરી વિનાના ૨૪૪૯ બોર્ડ-બેનર જપ્ત કરવામાં આવ્‍યા હતા. આ ઉપરાંત કાર્યવાહી દરમિયાન કુલ રૂ.૪,૬૭,૭૫૦નો વહીવટી ચાર્જ પણ વસૂલ કરવામાં આવ્‍યો હતો.

મહાનગરપાલિકા દ્વારા ધરાર માર્કેટ, સંતકબીર રોડ, પેડક રોડ, કોઠારીયા રોડ, મવડી મેઈન રોડ, સાધુવાસવાણી રોડ, ૧૫૦ ફૂટ રિંગ રોડ, રૈયાધાર રોડ, કાલાવડ રોડ, જ્‍યુબેલી, જંક્‍શન રોડ, ઢેબર રોડ સહિતના વિસ્‍તારોમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

કાર્યવાહી દરમિયાન રસ્‍તા પર નડતરરૂપ બનેલી ૨૯૭ પરચુરણ ચીજવસ્‍તુઓ તેમજ અંદાજે ૨૯૯૫ કિલો શાકભાજી અને ફળો પણ જપ્ત કરવામાં આવ્‍યા હતા. ઉપરાંત મંડપ-કમાન અને છાજલીના ભાડા પેટે રૂ.૨,૩૪,૫૦૦ તથા અલગથી રૂ.૨,૩૩,૨૫૦ વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્‍યો હતો.

શહેરના સેટેલાઈટ ચોક, મોરબી રોડ, જામનગર રોડ, ગોંડલ ચોકડી સહિતના વિસ્‍તારોમાંથી જાહેર સ્‍થળોએ લગાડવામાં આવેલા ૨૪૪૯ બોર્ડ-બેનર, ઝંડી ે પણ દૂર કરવામાં આવ્‍યા હતા.

મહાનગરપાલિકાના જણાવ્‍યા મુજબ શહેરમાં ટ્રાફિક વ્‍યવસ્‍થા, જાહેર માર્ગોની અવરજવર અને નાગરિક સુવિધાઓ જાળવવા માટે આવી કામગીરી આગામી સમયમાં પણ યથાવત રાખવામાં આવશે. 

(3:11 PM IST)