<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

ફાયર હાઇડ્રન્‍ટ સ્‍થાપવા મનપાની જવાબદારી નોટીસોથી આગ બુઝતી નથીઃ નિદત્ત બારોટ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વિચાર વિભાગ પ્રમુખ તથા શિક્ષણવીદે તંત્રનો કાન આમળ્‍યો શાળા-કોલેજો, પ્રેસ બિલ્‍ડિંગ્‍સ,મોલ, સિનેમાગૃહો, પ્‍લે હાઉસ, મલ્‍ટિપ્‍લેક્‍સ, હોસ્‍પિટલ, વિશાળ કોમર્શિયલ કોમ્‍પ્‍લેક્‍સ અને જાહેર જનમેદની એકત્રિત થતી જગ્‍યાઓના પ્રવેશદ્વાર નજીક મહાનગરપાલિકા ફાયર હાઇડ્રન્‍ટની વ્‍યવસ્‍થા કેમ કરતી નથી?

રાજકોટ તા.૨૭: શહેરમાં ફાયર સેફટી મુદે મનપા દ્વારા શાળા-કોલેજોમાં ચકાસણી વચ્‍ચે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વિચાર વિભાગ પ્રમુખ ડો.નિદત બારોટે તંત્રનો ફાયર હાઇડ્રન્‍ટ મુદે કાન આમળ્‍યો છે.

આ અંગે ડો.નિદત બારોટે જણાવેલ કે, છેલ્લા ત્રણ દિવસના સમાચાર અનુસાર રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા શહેરની ૩૯૯ શાળા, કોલેજ અને કોચિંગ ક્‍લાસને ફાયર સેફ્‌ટી અંગે નોટિસ આપવામાં આવી છે. ફાયર વિભાગની આઠ ટીમો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષમાં કુલ ૨,૩૭૪ ઇમારતોને ફાયર સેફ્‌ટી સંબંધિત નોટિસ આપવામાં આવી હોવાનું પણ પ્રકાશમાં આવ્‍યું છે.

શૈક્ષણિક સંસ્‍થાઓમાં બાળકોની સુરક્ષા માટે ફાયર સેફ્‌ટીના નિયમોનું કડક પાલન થવું જ જોઈએ, પરંતુ આ નિયમોનું પાલન કરાવતી રાજકોટ મહાનગરપાલિકા પોતે પોતાની કાયદેસરની ફરજોનું કેટલું પાલન કરે છે, તેની તપાસ કોણ કરશે? ફાયર NOC માટે શાળા-કોલેજોના દરવાજે પહોંચતી મહાનગરપાલિકા આગ બુઝાવવા માટે એ જ દરવાજા પાસે પાણીની વ્‍યવસ્‍થા કેમ નથી કરતી?

રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ પછી પણ જો શહેરમાં આગ બુઝાવવા માટે જાહેર ફાયર હાઇડ્રન્‍ટનું પૂરતું નેટવર્ક ઊભું કરવામાં ન આવ્‍યું હોય, તો તે વહીવટી તંત્ર અને રાજકીય નેતળત્‍વની ગંભીર નિષ્‍ફળતા ગણાય.

બીજા શહેરોનું ઉદાહરણ આપતા ડો.નિદત બારોટે જણાવેલ કે, મુંબઈમાં ૧૦,૪૪૭ ફાયર હાઇડ્રન્‍ટ હોવાનું ૨૦ નવેમ્‍બર, ૨૦૨૬ના ફ્રી પ્રેસ જર્નલના અહેવાલમાં જણાવાયું છે. તેમાંથી અંદાજે ૯,૫૦૦ હાઇડ્રન્‍ટ બિનકાર્યરત હોવાનો આક્ષેપ થતાં ત્‍યાંના નગરસેવકે ટેકનિકલ ઓડિટની માંગ કરી છે. સ્‍થાપના ઉપરાંત તેની નિયમિત જાળવણી કેટલી જરૂરી છે તેનું પણ આ ઉદાહરણ છે.

આવી જ રીતે રાજધાની  નવી દિલ્‍હીમાં ન્‍યૂ દિલ્‍હી મ્‍યુનિસિપલ કાઉન્‍સિલ એક્‍ટ, ૧૯૯૪ની કલમ ૧૫૭ હેઠળ આગ બુઝાવવા માટે યોગ્‍ય સ્‍થળોએ પાણીની પાઇપલાઇન પર ફાયર હાઇડ્રન્‍ટ સ્‍થાપવાની અને તેની જાળવણી કરવાની જોગવાઈ છે. ઉપરાંત કોલકાતા મ્‍યુનિસિપલ કોર્પોરેશન એક્‍ટની કલમ ૨૫૩ હેઠળ આગ બુઝાવવા માટે અનુકૂળ સ્‍થળોએ ફાયર હાઇડ્રન્‍ટ સ્‍થાપવાની અને કાર્યરત રાખવાની જવાબદારી મ્‍યુનિસિપલ કમિશનરની છે.

જ્‍યારે દેશનાં અન્‍ય શહેરોમાં જાહેર ફાયર હાઇડ્રન્‍ટની વ્‍યવસ્‍થા માટે કાયદાકીય જોગવાઈઓ છે, ત્‍યારે રાજકોટમાં આવી વ્‍યવસ્‍થા વ્‍યાપક પ્રમાણમાં ઊભી કરવામાં કોની ઉદાસીનતા જવાબદાર છે?

સૌથી ગંભીર બાબત એ છે કે ગુજરાત પ્રોવિન્‍શિયલ મ્‍યુનિસિપલ કોર્પોરેશન્‍સ એક્‍ટ, ૧૯૪૯ની કલમ ૧૯૩ હેઠળ ફાયર હાઇડ્રન્‍ટ સ્‍થાપવાની અને તેની જાળવણી કરવાની જવાબદારી મ્‍યુનિસિપલ કમિશનરની છે. આગના સમયે પાણી ઉપલબ્‍ધ કરાવવા માટે જરૂરી સાધનો અને માળખાકીય સુવિધાઓ ઊભી કરવાની પણ કાયદામાં સ્‍પષ્ટ જોગવાઈ છે.

આ ઉપરાંત કલમ ૬૩(૧)(૫) હેઠળ આગ સામે નાગરિકોના જાનમાલનું રક્ષણ કરવા સુસજ્જ ફાયર બ્રિગેડની વ્‍યવસ્‍થા કરવી મહાનગરપાલિકાની ફરજિયાત જવાબદારી છે. બીજા પાસે કાયદાનું પાલન કરાવતી મહાનગરપાલિકા પોતે કલમ ૧૯૩નું કેટલું પાલન કરે છે, તેનો હિસાબ રાજકોટની જનતાને આપવો જોઈએ.

મહાનગરપાલિકા અને ચુંટાયેલ સભ્‍યોને પ્રશ્નો

રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા જાહેર ફાયર હાઇડ્રન્‍ટ શા માટે સ્‍થાપવામાં આવ્‍યા નથી ?

શાળા-કોલેજોના પ્રવેશદ્વાર નજીક, પ્રેસ બિલ્‍ડીંગ પાસે, મોલ, મલ્‍ટિપ્‍લેક્‍સ, થિયેટર, હોસ્‍પિટલ, પ્‍લે હાઉસ અને વિશાળ કોમર્શિયલ સંકુલો નજીક આગ બુઝાવવા માટે પાણીની શું વ્‍યવસ્‍થા છે?

છેલ્લા પાંચ વર્ષમાં ફાયર હાઇડ્રન્‍ટ સ્‍થાપવા પાછળ મહાનગરપાલિકાએ કેમ કોઈ ખર્ચ કર્યો નથી ?

ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ જાહેર ફાયર હાઇડ્રન્‍ટ નેટવર્ક ઊભું કરવા માટે શું વિશેષ આયોજન કરવામાં આવ્‍યું?

રાજકોટના ચૂંટાયેલા ધારાસભ્‍યોએ આ બાબતે વિધાનસભામાં કયારેય પ્ર‘ ઉઠાવ્‍યો છે?

કલમ ૧૯૩ મુજબ પૂરતી સુવિધાઓ ઊભી ન કરવામાં આવી હોય તો જવાબદાર અધિકારીઓ સામે શું કાર્યવાહી કરવામાં આવશે?

મહાનગરપાલિકા સમક્ષ માંગણીઓ

શહેરની તમામ શાળા, કોલેજ, કોચિંગ ક્‍લાસ અને શૈક્ષણિક સંકુલોના મુખ્‍ય પ્રવેશદ્વાર નજીક તકનીકી રીતે યોગ્‍ય સ્‍થળે જાહેર ફાયર હાઇડ્રન્‍ટ સ્‍થાપવામાં આવે.

તમામ મોલ, પ્રેસ બિલ્‍ડિંગ્‍સ,મલ્‍ટિપ્‍લેક્‍સ, સિનેમાગળહો, પ્‍લે હાઉસ, ગેમઝોન, હોસ્‍પિટલો, લગ્નમંડપો, ઓડિટોરિયમ, બાન્‍ક્‍વેટ હોલ અને વિશાળ વ્‍યાપારી સંકુલો નજીક આવી વ્‍યવસ્‍થા કરવામાં આવે. શહેરના તમામ ૧૮ વોર્ડમાં ફાયર હાઇડ્રન્‍ટનું વૈજ્ઞાનિક ઢબે નેટવર્ક ઊભું કરવામાં આવે. ફાયર હાઇડ્રન્‍ટ સાથે ચોવીસ કલાક પૂરતા દબાણથી પાણી ઉપલબ્‍ધ રહે તેવી વ્‍યવસ્‍થા કરવામાં આવે.

ફાયર હાઇડ્રન્‍ટની નિયમિત ચકાસણી કરવામાં આવે અને તેનું સ્‍થાન GPS તથા GIS આધારિત નકશા સાથે મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવે. આગામી ૩૦ દિવસમાં શહેરના ફાયર હાઇડ્રન્‍ટ અંગે શ્વેતપત્ર જાહેર કરવામાં આવે. આગામી છ મહિનામાં પ્રાથમિકતા ધરાવતાં જાહેર સ્‍થળોએ ફાયર હાઇડ્રન્‍ટની વ્‍યવસ્‍થા ઊભી કરવા સમયબદ્ધ આયોજન જાહેર કરવામાં આવે અને તે માટે અલગ બજેટ ફાળવવામાં આવે. રાજકોટના ચૂંટાયેલા ધારાસભ્‍યો આ મુદ્દે રાજ્‍ય સરકાર સમક્ષ રજૂઆત કરે અને જરૂરી વિશેષ ગ્રાન્‍ટ મંજૂર કરાવે.

જાહેર ફાયર હાઇડ્રન્‍ટની વ્‍યવસ્‍થા ઉપરાંત દરેક સંસ્‍થાએ પોતાની ફરજિયાત આંતરિક ફાયર સેફ્‌ટી વ્‍યવસ્‍થા પણ જાળવવી જ જોઈએ.

કરોડો રૂપિયાના ખર્ચે ઓવરબ્રિજ, સર્કલનું બ્‍યુટિફિકેશન અને સુશોભનના પ્રોજેક્‍ટ હાથ ધરતી મહાનગરપાલિકા પાસે નાગરિકોના જીવ બચાવવા માટે ફાયર હાઇડ્રન્‍ટ સ્‍થાપવાના પૈસા નથી? વિકાસના બણગાં ફૂંકવા કરતાં નાગરિકોના જીવની સુરક્ષા માટે નક્કર કામગીરી કરવી વધારે જરૂરી છે.

મહાનગરપાલિકા માત્ર નોટિસો ફટકારીને, ઇમારતોને સીલ કરીને અને સંચાલકોને જવાબદાર ઠેરવીને પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં. નોટિસોથી આગ બુઝાતી નથી, ફાયર NOCના કાગળોથી જીવ બચતા નથી. તેના માટે કાર્યરત સાધનો અને સમયસર પાણીની ઉપલબ્‍ધતા જરૂરી છે.

ફાયર હાઇડ્રન્‍ટ એટલે શું?

ફાયર હાઇડ્રન્‍ટ એ પાણીની દબાણયુક્‍ત પાઇપલાઇન સાથે જોડાયેલું વિશેષ સાધન છે, જેમાંથી આગની દુર્ઘટના સમયે ફાયર બ્રિગેડ સીધું પાણી મેળવી શકે છે. તેના કારણે પાણી ભરવા માટે ફાયર બ્રિગેડનાં વાહનોને અન્‍ય સ્‍થળે જવાની જરૂર ઘટે છે અને આગ બુઝાવવાની કામગીરી વધુ અસરકારક બને છે.

(3:49 PM IST)