News of Saturday, 20th June 2026
મનપાની ફુડ વિભાગ દ્વારા વધુ ત્રણ પેઢીને તાળા : ૩૧૦ કિલો અખાદ્ય ચીજોનો નાશ
સામાકાંઠે મોર્ડન રેસ્ટોરન્ટમાંથી ૧પપ કિલો અખાદ્ય સામગ્રી, સોમનાથ બેકરીમાંથી ૧૬૦ કિલો અખાદ્ય ચીજોનો નાશઃ ધ્વીતી એન્ટરપ્રાઇઝ એકસપાયરી જથ્થો મળતા કડક કાર્યવાહીઃ તમામ વેપારીઓને રપ હજારનો દંડ

રાજકોટ, તા. ર૦ : મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ, ગંદકી અને અસ્વચ્છતા સામે હાથ ધરવામાં આવેલી સર્વેલન્સ ચેકિંગની કામગીરી દરમિયાન યોગી ઇન્ડસ્ટ્રીયલ એરિયા, માધાપર ચોકડી નજીક, જામનગર રોડ પર આવેલી બે પેઢીઓ તથા કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ ફૂડ વિભાગ દ્વારા પેડક રોડ પર મોર્ડન રેસ્ટોરન્ટ સામે તપાસ દરમિયાન સોમનાથ બેકરી ખાતે ઉત્પાદન અને સ્ટોરેજની કામગીરી અત્યંત બિનઆરોગ્યપ્રદ (અનહાઈજેનિક) પરિસ્થિતિમાં થતી હોવાનું સામે આવ્યું હતું. સ્થળ પર ખુલ્લામાં રાખવામાં આવેલા બ્રેડ, બર્ગર, વિવિધ બેકરી પ્રોડક્ટ્સ અને પીઝા બેઇઝ સહિત અંદાજે ૧૬૦ કિલોગ્રામ અખાદ્ય ખાદ્યસામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત પેઢી સામે રૂ. ૧૦,૦૦૦નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. હાઈજેનિક કન્ડિશન અને જરૂરી લાઇસન્સ સંબંધિત ખામીઓ ધ્યાનમાં લેતા પેઢીને સીલ કરી નોટિસ આપવામાં આવી હતી.
ધ્વીતી એન્ટરપ્રાઇઝ
આ ઉપરાંત, એ જ વિસ્તારમાં આવેલી ધ્વીતી એન્ટરપ્રાઇઝ નામની પેઢી સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ડેમેજ, રિટર્ન અને એક્સપાયરી થયેલા જથ્થાને યોગ્ય રીતે અલગ રાખવામાં આવ્યો ન હતો તેમજ જરૂરી લેબલિંગ અને સ્ટોરેજની પ્રક્રિયાનું પાલન કરવામાં આવતું ન હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે પેઢીને સીલ કરવામાં આવી હતી અને યોગ્ય સ્ટોરેજ વ્યવસ્થા સુનિ?તિ કરવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી. ઉપરાંત પેઢી પાસેથી રૂ. ૫,૦૦૦નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો.
મોર્ડન રેસ્ટોરન્ટ
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તા. ૧૯ જૂન, ૨૦૨૬ના રોજ આશ્રમ રોડ સામે બાલક હનુમાન ચોક પાસે આવેલી મોર્ડન પંજાબી ચાઈનીઝ નામની ખાણીપીણીની પેઢી પર ચકાસણી હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન પેઢીમાં કેબિનમાં સંગ્રહ કરાયેલા પ્રી-પ્રિપેર્ડ ફૂડ તેમજ ગ્રેવી, મન્ચુરિયન, કટ કરેલી શાકભાજી, રેડ ગ્રેવી, રાઈસ, સમારેલી ડુંગળી, ફૂગ લાગેલી સામગ્રી, બેસનનો લોટ, વિવિધ પ્રકારની સોસ, નૂડલ્સ, બાફેલા શાકભાજી, કોર્ન તેમજ આજીનોમોટો અને પ્રતિબંધિત સિન્થેટિક ફૂડ કલર મળી આવ્યા હતા. આ તમામ મળી કુલ અંદાજે ૧૫૫ કિલોગ્રામ અખાદ્ય ખાદ્યસામગ્રી સ્થળ પર જ એસડબલ્યુએમ (લ્ષ્પ્) શાખાના વાહન મારફતે નાશ કરવામાં આવી હતી. ઉપરાંત પેઢી સામે રૂ. ૧૦,૦૦૦નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. પેઢીની અત્યંત બિનઆરોગ્યપ્રદ અને અસ્વચ્છ સ્થિતિને ધ્યાનમાં રાખી જાહેર આરોગ્યના હિતમાં પેઢીને સીલ કરવામાં આવી હતી. સાથે જ માલિકને પેઢીમાં જરૂરી હાઈજીનિક ધોરણો અને ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન કરવા માટે નોટિસ પણ આપવામાં આવી હતી.
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે જાહેર આરોગ્યના હિતમાં ખાદ્ય પદાર્થોના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણમાં સ્વચ્છતા તથા ફૂડ સેફ્ટીના ધોરણોનું પાલન થાય તે માટે આવી ચકાસણીઓ સતત ચાલુ રહેશે અને નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
(4:05 PM IST)










