તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
મનપાની તિજોરી તળિયા ઝાટકઃ હવે કરોડોની જમીનો વેચવા કાઢી!
શહેરના છ કિંમતી પ્લોટની ઈ-હરાજીથી રૂ. ૨૩૨ કરોડથી વધુની આવકની આશા : રૈયા રોડ, મવડી, એચ.સી.જી. રોડ, મોરબી રોડ અને સાધુવાસવાણી કુંજ રોડ વિસ્તારની જમીનો હરાજીમાં: આજથી રજિસ્ટ્રેશન શરૂ, ૨૧ અને ૨૨ ડિસેમ્બરે ઓનલાઈન બોલી લાગશે

રાજકોટ, તા.૨૩: આર્થિક સ્થિતિ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે હવે મનપાએ પોતાની માલિકીની કરોડો રૂપિયાની કિંમતી જમીનો વેચવા કાઢી છે. આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવા માટે મહાનગરપાલિકાએ શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા કોમર્શિયલ અને રેસિડેન્શિયલ મળીને કુલ છ પ્લોટની ઈ-હરાજી જાહેર કરી છે. આ છ પ્લોટની કુલ અપસેટ કિંમત અંદાજે રૂ.૨૩૨.૬૩ કરોડ થાય છે. જોકે, જમીનોના વેચાણ પાછળ મનપાની નાણાકીય તંગી જ કારણભૂત છે કે કેમ તે અંગે સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી.
શહેરમાં વિકાસકામો, રસ્તા, સફાઈ અને અન્ય પ્રાથમિક સુવિધાઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે ત્યારે મહાનગરપાલિકાએ આવક ઊભી કરવા માટે જમીનોની હરાજીનો માર્ગ અપનાવ્યો છે. મનપાની આ કવાયતને પગલે એક તરફ કરોડોની આવકની આશા બંધાઈ છે તો બીજી તરફ કિંમતી જાહેર મિલકતોના વેચાણ અંગે પણ ચર્ચા શરૂ થવાની શકયતા છે.
મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલી ઈ-હરાજી માટે બિડરોનું રજિસ્ટ્રેશન આજ તા.૨૩ નવેમ્બરથી શરૂ કરવામાં આવ્યું છે. રજિસ્ટ્રેશન, ઈએમડી અને ટેન્ડર ફી ભરવાની અંતિમ તારીખ ૧૪ ડિસેમ્બર સાંજે ચાર વાગ્યા સુધીની રાખવામાં આવી છે. દરેક બિડ માટે રૂ.૧૦ હજાર નોન-રિફંડેબલ ટેન્ડર ફી નક્કી કરવામાં આવી છે.
આ ઉપરાંત તા.૫ ડિસેમ્બરના રોજ સવારે ૧૧ વાગ્યે રાજકોટ મહાનગરપાલિકાના ડો. આંબેડકર ભવનના પ્રથમ માળે આવેલા કોન્ફરન્સ હોલમાં પ્રિ-બિડ મીટિંગ યોજાશે.
રૈયા રોડનો પ્લોટ રૂ.૪૧.૮૭ કરોડની અપસેટ કિંમતે
રૈયા મેઈન રોડ ઉપર સવન સિગ્નેટ એપાર્ટમેન્ટ સામે ફાઈનલ ટી.પી. સ્કીમ નં.૪, ફાઈનલ પ્લોટ નં.૭૬૯માં આવેલો ૩૨૨૧ ચોરસ મીટરનો કોમર્શિયલ પ્લોટ હરાજીમાં મુકાયો છે. તેની અપસેટ કિંમત પ્રતિ ચોરસ મીટર રૂ.૧.૩૦ લાખ નક્કી કરવામાં આવી છે. આ પ્લોટની કુલ અપસેટ કિંમત અંદાજે રૂ.૪૧.૮૭ કરોડ થાય છે. તેની ઈ-હરાજી ૨૧ ડિસેમ્બરે સવારે ૧૧થી ૧૨ વાગ્યા દરમિયાન યોજાશે.
મવડીના પ્લોટમાંથી રૂ.૬૩.૬૬ કરોડ મેળવવાનો અંદાજ
મવડી વિસ્તારમાં ૧૫૦ ફૂટ રિંગ રોડ-૨ ઉપર ફિલ્ડ માર્શલ રોડ નજીક મહાત્મા ગાંધી ટાઉનશીપ પાછળ આવેલા ફાઈનલ ટી.પી. સ્કીમ નં.૨૮ના ફાઈનલ પ્લોટ નં.૩૭/એની હરાજી થશે. આ કોમર્શિયલ પ્લોટનું ક્ષેત્રફળ ૫૩૦૫ ચોરસ મીટર છે. તેની અપસેટ કિંમત પ્રતિ ચોરસ મીટર રૂ.૧.૨૦ લાખ રાખવામાં આવી છે. કુલ અપસેટ કિંમત રૂ.૬૩.૬૬ કરોડ થાય છે. હરાજી ૨૧ ડિસેમ્બરે બપોરે ૧થી ૨ વાગ્યા દરમિયાન યોજાશે.
એચ.સી.જી. રોડનો પ્લોટ રૂ.૩૩.૪૨ કરોડનો
એચ.સી.જી. હોસ્પિટલ રોડ ઉપર કલ્યાણમ પાર્ટી પ્લોટની સામે, ૧૫૦ ફૂટ રિંગ રોડ નજીક આવેલા ફાઈનલ ટી.પી. સ્કીમ નં.૯ના ફાઈનલ પ્લોટ નં.સી/૯ની પણ હરાજી જાહેર કરાઈ છે. આ કોમર્શિયલ પ્લોટનું ક્ષેત્રફળ ૩૭૧૩ ચોરસ મીટર છે અને પ્રતિ ચોરસ મીટર રૂ.૯૦ હજારની અપસેટ કિંમત નક્કી કરાઈ છે. કુલ અપસેટ કિંમત રૂ.૩૩.૪૨ કરોડ થાય છે. તેની હરાજી ૨૧ ડિસેમ્બરે બપોરે ૩થી ૪ વાગ્યા દરમિયાન યોજાશે.
મોરબી રોડના બે પ્લોટ પણ વેચાણમાં
રાજકોટ-મોરબી રોડ ઉપર પંચવટી સોસાયટી નજીક એચ.પી. પેટ્રોલ પંપની સામે ફાઈનલ ટી.પી. સ્કીમ નં.૧૨ના ફાઈનલ પ્લોટ નં.૯૨માં આવેલો ૧૬૪૮ ચોરસ મીટરનો કોમર્શિયલ પ્લોટ હરાજીમાં મુકાયો છે. તેની અપસેટ કિંમત પ્રતિ ચોરસ મીટર રૂ.૧.૨૫ લાખ અને કુલ અપસેટ કિંમત રૂ.૨૦.૬૦ કરોડ થાય છે. તેની હરાજી ૨૨ ડિસેમ્બરે સવારે ૧૧થી ૧૨ વાગ્યે યોજાશે.
જ્યારે મોરબી રોડ ઉપર પૂનમ હોલની સામે ફાઈનલ પ્લોટ નં.૯૧માં આવેલો ૧૫૮૮ ચોરસ મીટરનો રેસિડેન્શિયલ પ્લોટ પણ વેચાણમાં મુકાયો છે. તેની અપસેટ કિંમત પ્રતિ ચોરસ મીટર રૂ.૧.૨૫ લાખ અને કુલ અપસેટ કિંમત રૂ.૧૯.૮૫ કરોડ થાય છે. આ પ્લોટની હરાજી ૨૨ ડિસેમ્બરે બપોરે ૧થી ૨ વાગ્યે યોજાશે.
સાધુ વાસવાણી કુંજ રોડનો વિશાળ પ્લોટ રૂ.૬૫.૨૮ કરોડનો
રેલનગર વિસ્તારમાં સાધુ વાસવાણી કુંજ રોડ નજીક ભક્તિ પાર્ક સોસાયટી સામે આવેલા ફાઈનલ ટી.પી. સ્કીમ નં.૧૯ના ફાઈનલ પ્લોટ નં.૧૬/એની હરાજી પણ જાહેર કરાઈ છે. આ રેસિડેન્શિયલ પ્લોટનું ક્ષેત્રફળ ૧૪,૫૦૭ ચોરસ મીટર છે. તેની અપસેટ કિંમત પ્રતિ ચોરસ મીટર રૂ.૪૫ હજાર રાખવામાં આવી છે. કુલ અપસેટ કિંમત રૂ.૬૫.૨૮ કરોડ થાય છે. તેની ઈ-હરાજી ૨૨ ડિસેમ્બરે બપોરે ૩થી ૪ વાગ્યા દરમિયાન યોજાશે.
(3:57 PM IST)










