News of Monday, 1st June 2026
મનપાની તીજોરી છલોછલઃ મિલ્કત વેરાની ૨૨૫ કરોડની આવક
૩.૨૧ લાખ કરદાતાઓએ ૧૫ થી ૧૦ ટકા વળતર યોજનાનો લાભ લીધોઃ ૩૦ જૂન સુધી ૫ થી૧૦ ટકા ડિસ્કાઉન્ટ મળશે

રાજકોટ, તા.૧: ‘વળતર યોજના' હેઠળ મિલકત વેરાની રૂ.૨૨૫ કરોડની આવક થવા પામી છે. ૩,૨૧,૦૪૮ મિલકતધારકોએ ૧૦થી ૧૫ ટકા વળતર યોજનાનો લાભ લીધો હતો.
આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ મહાનગરપાલિકા દ્રારા વર્ષ ૨૦૨૬-૨૭ના મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તા.૦૭-એપ્રિલથી મિલકતવેરા વળતર યોજના હેઠળ વેરાની વસુલાત શરૂ કરવામાં આવેલ છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૦૭ એપ્રિલ થી તા.૩૧મે-સુધી ૧૦%વળતર યોજના ચાલુ હતી તે દરમિયાન રૂ.૨૨૫.૭૧ કરોડ જેટલી વસુલાત થઇ જેમાં સેન્ટ્રલ ઝોન દ્વારા રૂ.૭૪.૪૦ કરોડ, વેસ્ટ ઝોન દ્વારા રૂ.૧૦૬.૭૨ કરોડ, ઈસ્ટ ઝોન દ્વારા રૂ.૪૪.૫૯ કરોડની વસુલાત થવા પામેલ છે.જેમાં કુલ ૩,૨૧,૦૪૮ જેટલા મિલકતધારકોએ આ વળતર યોજનો લાભ લઈ વેરાની ભરપાઈ કરેલ છે.
૧ જુન ૨૦૨૬ થી ૩૦ જુન ૨૦૨૬ સુધી મહિલાઓ માટે ૧૦% ડિસ્કાઉન્ટ અને સામાન્ય કરદાતા માટે ૫% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
(2:56 PM IST)










