News of Wednesday, 13th May 2026
મુંજકા-કોઠારિયાની ટી.પી. સ્કીમોમાં કપાત જમીન અંગે ઉગ્ર આંદોલનની ચીમકી
પુરતુ વળતર કે યોગ્ય પ્લોટ ફાળવણી નહી મળતી હોવાના આક્ષેપોઃ ખેડૂત ન્યાય સંઘર્ષ સમિતિ દ્વારા મનપામાં રજૂઆત

ખેડૂત ન્યાય સંઘર્ષ સમિતિ દ્વારા મુંજકા અને કોઠારિયા વિસ્તારમાં ટી.પી. સ્કીમમાં કપાત અંગે ખેડૂતોને અન્યાય થયેલ પ્રશ્નો તાકિદે ઉકેલવા મનપામાં માંગ કરવામાં આવી હતી તે વખતની તસ્વીર.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટ, તા. ૧૩: શહેર અને આસપાસની વિવિધ ટી.પી. સ્કીમોમાં ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. ટી.પી.ઓ. અને ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા વર્ષો જૂની નીતિઓ અને નિયમોને આધારે ખેડૂતોની જમીનોમાં મોટા પ્રમાણમાં કપાત કરવામાં આવી રહી છે, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે ખેડૂત ન્યાય સંઘર્ષ સમિતિએ તાકિદે પ્રશ્ન ઉકેલવા માંગ કરી છે અને ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
ખેડૂત ન્યાય સમિતિએ મનપા તંત્રના જવાબદાર અધિકારીને પાઠવેલ પત્રમાં જણાવ્યું છે કે, ટી.પી. સ્કીમ નં. ૩૧, ૨૩, ૨૪, મુંજકા-૧૮, કોઠારિયા સહિતની વિવિધ યોજનાઓમાં ખેડૂતોને પૂરતું વળતર કે યોગ્ય પ્લોટ ફાળવણી મળતી નથી. ઘણા કેસોમાં ૪૦ ટકા સુધી જમીન કપાત કરવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. સમિતિએ જણાવ્યું છે કે શહેરના વિકાસના નામે ખેડૂતોની જમીન લેવામાં આવે છે પરંતુ તેના બદલામાં ન્યાયસંગત લાભ આપવામાં આવતો નથી.
સમિતિના જણાવ્યા મુજબ, કેટલીક ટી.પી. સ્કીમો ૧૦થી ૧૫ વર્ષ સુધી લંબાઈ રહી છે, જેના કારણે ખેડૂતોને લાંબા સમય સુધી અનિヘતિતામાં રહેવુ પડે છે. સરકાર દ્વારા નકકી કરાયેલા સમયગાળામાં યોજનાઓ પૂર્ણ થતી નથી અને નિયમોમાં વારંવાર ફેરફાર થવાના કારણે ખેડૂતોને નુકસાન સહન કરવું પડે છે.
ખેડૂતોનો આક્ષેપ છે કે ટી.પી.ઓ. દ્વારા યોજનાઓ મંજૂર કરતી વખતે ખેડૂતોની રજૂઆતોને પૂરતું મહત્વ આપવામાં આવતું નથી. અનેક વખત ગાંધીનગર સુધી રજૂઆત કરવા છતાં યોગ્ય નિકાલ થતો નથી. અન્ય શહેરોમાં સમાન પરિસ્થિતિમાં ખેડૂતોને રાહત આપવામાં આવી હોવા છતાં રાજકોટના ખેડૂતોની માંગણીઓ સ્વીકારવામાં આવી નથી.
શ્રી ખેડૂત સમિતિએ વધુમાં જણાવાયું છે કે કેટલીક યોજનાઓમાં માર્ગ, ગાર્ડન અને જાહેર સુવિધાઓના નામે વધારે જમીન કપાત કરવામાં આવી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે વિકાસના કામો માટે તેઓ વિરોધી નથી, પરંતુ યોગ્ય અને ન્યાયસંગત વળતર તથા પ્લોટ ફાળવણી મળવી જોઈએ.
સમિતિએ સરકાર અને ટાઉન પ્લાનિંગ વિભાગ પાસે માંગ કરી છે કે ટી.પી. સ્કીમોમાં થતી કપાતની ટકાવારી યથાવત રાખવામાં આવે, ખેડૂતોને સ્વતંત્ર અંતિમ પ્લોટ ફાળવવામાં આવે તેમજ યોજનાઓમાં પારદર્શિતા જળવાઈ રહે. સાથે જ ખેડૂતોને વિશ્વાસમાં લઈને જ વિકાસકાર્યો આગળ વધારવા જોઈએ તેવી પણ માંગ કરવામાં આવી છે.
ખેડૂત ન્યાય સંઘર્ષ સમિતિએ જો ખેડૂતોની માંગણીઓનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં આંદોલન અને વિરોધ કાર્યક્રમો વધુ ઉગ્ર બનાવવામાં આવશે. તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે
(2:37 PM IST)










