તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
શાપરમાં ગાયની ઢીંકે ચડતાં પગ ભાંગી ગયોઃ ઓપરેશન ન થઇ શકતાં યુવાનનો આપઘાત
૨૦ વર્ષના નિતેશ મકવાણાએ એસિડ પી લીધું: વર્ષોથી ડાયાબીટીશ હોઇ ઓપરેશન થઇ શકતું ન હોઇ દુઃખાવો સહન ન થતાં પગલુ ભર્યુઃ રાજકોટમાં સારવારમાં મૃત્યુ થતાં પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૯: શાપર વેરાવળમાં રહેતાં વીસ વર્ષના યુવાને પોતે થોડા દિવસ પહેલા રસ્તા પર ચાલીને જતો હતો ત્યારે ગાયની ઢીંકે ચડી જતાં પગ ભાંગી ગયો હતો. પણ આ યુવાનને વર્ષોથી ડાયાબીટીશ હોઇ જેના કારણે પગનું ઓપરેશન ન થઇ શકતાં દુઃખાવો સહન થતો ન હોઇ કંટાળીને આપઘાત કરી લીધાનું ખુલ્યું હતું.
જાણવા મળ્યા મુજબ શાપર વેરાવળમાં ભુમિ ગેઇટમાં રહેતો નિતેશ નાજાભાઇ મકવાણા (ઉ.વ.૨૦) નામનો યુવાન ગઇકાલે સવારે એસિડ પી જતાં શાપર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તેનું મોડી રાતે મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કરતાં શાપર પોલીસે કાર્યવાહી કરી હતી.
આપઘાત કરનાર નિતેશ બે ભાઇ અને એક બહેનમાં બીજો હતો. તેના પિતા કંપનીમાં નોકરી કરે છે. નિતેશને વર્ષોથી ડાયાબીટીશ હોઇ તે કામ કરી શકતો નહિ. દસ દિવસ પહેલા તે ચાલીને જતો હતો ત્યારે ગાયની ઢીંકે ચડી જતાં તેનો પગ ભાંગી ગયો હતો. જો કે તેને ડાયાબીટીશ હોઇ જેથી ઓપરેશન થઇ શકતું ન હોઇ અને તેનાથી દુઃખાવો સહન થતો ન હોઇ જેના કારણે કંટાળીને તેણે આ પગલુ ભર્યાનું સગાએ જણાવ્યું હતું.
(11:07 AM IST)










