<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

મારી પત્‍નિ, એના મમ્‍મી, બહેન માનસિક હેરાન કરે છે એટલે દવા પીવ છું: ચીઠ્ઠી લખી યુવાને ઝેર પીધું

કટારીયા ચોકડી પાસે ક્‍વાર્ટરમાં રહેતાં જય સોલંકીએ ઇન્‍દિરા સર્કલ અને આકાશવાણી ચોક વચ્‍ચેના રસ્‍તા પર પગલુ ભરતાં સારવાર હેઠળ

રાજકોટ તા. ૧૨: કાલાવડ રોડ કટારીયા ચોકડી નજીક ગુ.હા. બોર્ડ ક્‍વાર્ટરમાં રહેતાં અને સ્‍પીડવેલ પાર્ટીપ્‍લોટ પાસે ફોટોફલેશ નામે સ્‍ટુડીયો ચલાવતાં ફોટોગ્રાફર યુવાન  જય જેઠાભાઇ સોલંકી (ઉ.વ.૨૬)એ સવારે પોણા છએક વાગ્‍યે ઘેરથી નીકળ્‍યા બાદ ઇન્‍દિરા સર્કલથી આકાશવાણી ચોક વચ્‍ચેના રસ્‍તા પર ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરાયો છે. તેના કહેવા મુજબ લવમેરેજ બાદ પત્‍નિ માવતરે જતી રહી હોઇ અને હવે પત્‍નિ તેમજ સાસરીયા હેરાન કરતાં હોઇ આ પગલુ ભર્યુ હતું.

જય એક ભાઇ અને એક બહેનમાં નાનો છે. તેણે આ પગલુ ભરતાં પુર્વે સ્‍યુસાઇડ નોટ લખી હતી. જેમાં લખ્‍યું છે કે હું જયકુમાર સોલંકી દવા પીવ છું, કેમ કે મારી ઘરવાળી જલ્‍પા અને તેના મમ્‍મી રામેશ્વરીબેન, તેની બહેન દિપાલી આ લોકો માનસિક હેરાન કરે છે. અમે કાયદેસર મેરેજ કરેલા છે ત્‍યારે મારી જાતીની ખબર હતી. પણ મેરેજ પછી અવાર-નવાર તેઓ જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કરતાં હતાં.

મારી ઘરવાળી છ મહિના પહેલા મને મુકીને તેના મમ્‍મીના ઘરે જતી રહી હતી.  મેં તેના પાછા આવવાની ઘણી ટ્રાય કરેલી પણ તેના મમ્‍મી અમારુ લગ્નજીવન ભાંગવા જ માંગતા હતાં. આ લોકોની હેરાનગતીને કારણે હું માનસિક થઇ ગયો છું. આજે પણ તેના એક ફ્રેન્‍ડે મને માર મારવાની ધમકી દઇ ગાળો દીધી હતી. જેથી હું દવા પીવ છું. જેના જવાબદાર આ બધા લોકો છે. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં પોલીસે  આક્ષેપો અને ચિઠ્ઠી અંગે તપાસ શરૂ કરી હતી.

(3:45 PM IST)